દોડતી લોકલમાંથી વાશી ખાડીમાં ઝંપલાવીને કિશોરે કરી આત્મહત્યા
નવી મુંબઈ: વાશીના જુહુગાવમાં રહેનારા પંદર વર્ષના કિશોરે દોડતી લોકલમાંથી વાશી ખાડીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. કિશોર મંગળવારે સાંજે ઘરેથી નીકળ્યો હતો અને બુધવારે વાશી ખાડીમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. કિશોરે કરેલી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.
વાશીના જુહુગાવમાં પરિવાર સાથે રહેતો કિશોર વાશીની શાળામાં નવમા ધોરણમાં ભણતો હતો. મંગળવારે માતા-પિતા કામે ગયા બાદ તે સાંજે ઘરેથી નીકળ્યો હતો. મોડી રાત થવા છતાં કિશોર ઘરે પાછો ન ફરતાં પરિવારજનોએ તેની શોધ ચલાવી હતી. જોકે તેનો કોઇ પત્તો ન લાગતાં આખરે વાશી પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવાઇ હતી.
વાશી પોલીસે આ પ્રકરણે અપહરણનો ગુનો દાખલ કરીને કિશોરની શોધ ચલાવી હતી. પોલીસે ત્યાર બાદ વિવિધ વિસ્તારો તથા રેલવે સ્ટેશન ખાતેના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા, જેમાં કિશોર વાશી સ્ટેશનેથી ટ્રેન પકડીને માનખુર્દ ગયો હોવાનું જણાયું હતું. માનખુર્દ સ્ટેશન પર ઊતર્યા બાદ તે ફરી વાશી આવતો ફૂટેજમાં નજરે પડ્યો હતો.
દરમિયાન એક કિશોરે દોડતી ટ્રેનમાંથી વાશી ખાડીમાં ઝંપલાવ્યું હોવાની માહિતી અમુક પ્રવાસીએ રેલવે પોલીસને આપી હતી. આથી વાશી પોલીસને આની જાણ કરવામાં આવતાં ખાડીમાં શોધ ચલાવાઇ હતી અને આખરે બુધવારે સાંજના તેનો મૃતદેહ મળી આવ્યો હતો. અગ્નિશમન દળના જવાનોની મદદથી મૃતદેહ ખાડીમાંથી બહાર કઢાયો હતો અને બાદમાં તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, એમ પોલીસે કહ્યું હતું.