થાણેમાં જ્વેલરીના શો-રૂમનો સેલ્સમૅન 1.05 કરોડના દાગીના સાથે રફુચક્કર
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેના જાણીતા જ્વેલરીના શો-રૂમમાંથી અંદાજે 1.05 કરોડ રૂપિયાના મૂલ્યના સોનાના દાગીના સાથે સેલ્સમૅન રફુચક્કર થઈ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
થાણેના તળાવપાળી પરિસરમાં આવેલા જ્વેલરીના શો-રૂમના માલિક સુરેશ પારસમલ જૈને (59) નોંધાવેલી ફરિયાદને આધારે નૌપાડા પોલીસે સોમવારે રાહુલ જયંતીલાલ મહેતા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. રાહુલ છેલ્લાં બે વર્ષથી શો-રૂમમાં સેલ્સમૅન તરીકે કામ કરતો હતો.
આપણ વાંચો: થાણેમાં રાહુલ ગાંધીએ આનંદ દિઘેના પૂતળાને અભિવાદન ન કરતાં શિંદે જૂથે કરી ટીકા
પોલીસ ફરિયાદ અનુસાર બે માળના શો-રૂમમાં પહેલા માળે પાંચ કાઉન્ટર છે, જેમાંથી એક કાઉન્ટર પર રાહુલની ડ્યૂટી હતી. પહેલા માળે સોનાના હાર, હીરાજડિત વીંટી, ચેન જેવા કીમતી દાગીનાના કાઉન્ટર આવેલા છે. દાગીનાના વેચાણ અને થયેલી આવકનો હિસાબકિતાબ રોજ રાતે શો-રૂમ બંધ કરતાં પહેલાં કરવામાં આવે છે.
કહેવાય છે કે 8 માર્ચે રાહુલ નોકરી પર આવ્યો અને રાતે શો-રૂમમાંથી ગયો ત્યાં સુધી કોઈને ખયાલ નહોતો કે તેના મગમાં શું ચાલી રહ્યું છે. 9 માર્ચે સવારે નોકરી પર આવેલો રાહુલ બપોરે જમવાને બહાને ગયા પછી પાછો ફર્યો નહોતો. રાહુલના કાઉન્ટર પરના દાગીનાની ચકાસણી કરતાં સોનાના નાના-મોટા 38 હાર, 24 કાનની બૂટી, ત્રણ ચેન અને પાંચ બાજુબંધ મળી 70 દાગીના ગુમ હોવાનું જણાયું હતું.
ફરિયાદમાં જણાવાયું હતું કે રાહુલ પાછો ન આવતાં અને દાગીના ગુમ હોવાની ખાતરી થતાં ફરિયાદીએ વારંવાર તેનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રાહુલનો ફોન સ્વિચ ઑફ્ફ આવતો હતો. આખરે ઝવેરીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ રાહુલની શોધ ચલાવી રહી છે.