ક્રિકેટ રમતી વખતે હૃદયરોગના હુમલાથી ખેલાડીનું મૃત્યુ
![A player dies of a heart attack while playing cricket](/wp-content/uploads/2024/06/A-player-dies-of-a-heart-attack-while-playing-cricket.webp)
ભાયંદર: કાશીમીરા વિસ્તારમાં ક્રિકેટ રમતી વખતે હૃદયરોગનો હુમલો આવતાં 42 વર્ષના ખેલાડીનું મૃત્યુ થયું હતું. આ ઘટના કેમેરામાં કેદ થઇ હતી. મૃતકની ઓળખ રામ ગણેશ થેવર તરીકે હોઇ તે મીરા રોડના જહાંગીર કોમ્પ્લેક્સમાં રહેતો હતો.
કાશીમીરા સ્થિત મીનાક્ષી ફાર્મહાઉસમાં રવિવારે ખાનગી કંપનીના વાર્ષિક સ્નેહ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સમયેે ફાર્મહાઉસમાં આવેલા ટર્ફ પર કર્મચારીઓ માટે ક્રિકેટ મેચ રાખવામાં આવી હતી. દરમિયાન રામ થેવર બેટિંગ કરી રહ્યો હતો અને તેણે એક બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. જોકે બાદમાં તે અચાનક ફસડાઇ પડ્યો હતો.
ત્યાં હાજર અન્ય સહકર્મીઓ તાત્કાલિક રામ પાસે દોડી આવ્યા હતા અને તેને બાદમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. હૃદયરોગનો હુમલો આવતાં રામનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના બાદ કાશીગાવ પોલીસ સ્ટેશનમાં એડીઆર દાખલ કરવામાં આવ્યો હતો.