કલ્યાણમાં સગીરાને બિયર પીવડાવ્યા બાદ નિર્જન સ્થળે આચર્યું દુષ્કર્મ

કલ્યાણ: કલ્યાણ પૂર્વમાં 14 વર્ષની સગીરાનું અપહરણ કર્યા બાદ ઢાબા પર તેને બિયર પીવડાવી હતી. બાદમાં નિર્જન સ્થળ લઇ જઇને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સગીરાની માતાએ આ પ્રકરણે કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરીને આશિષ પાંડે નામના આરોપીની ધરપકડ કરાઇ હતી.
કલ્યાણ પૂર્વમાં રહેતી પીડિતાના પિતાનો આશિષ મિત્ર છે અને તે એ જ વિસ્તારમાં રહે છે. પીડિતા ગુરુવારે બપોરના તેની બહેનપણીને મળવા માટે ગઇ હતી. આની જાણ થતાં આશિષ ત્યાં પહોંચી ગયો હતો. તારા પિતાએ તને બોલાવી છે, એવું કહીં આશિષે પીડિતાને બહાર બોલાવી હતી. ત્યાર બાદ આશિષે તેને ટૂ-વ્હીલર પર બેસાડી હતી. થોડે દૂર ગયા બાદ આશિષનો મિત્ર અભિષેક ડેરે મળ્યો હતો. આશિષે તેને પણ સાથે લઇ લીધો હતો.
આ પણ વાંચો: Vadodaraના વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી સ્વામી વિરુદ્ધ પીડિતાની દુષ્કર્મની ફરિયાદ
ત્રણેય જણ નાંદિવલી વિસ્તારમાં ઢાબા પર ગયાં હતાં, જ્યાં પીડિતાને બિયર પીવાનું તેમણે કહ્યું હતું. જો બિયર ન પીવે તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આશિષે પીડિતાને આપી હતી. પીડિતાને જબરજસ્તી બિયર પીવડાવ્યા બાદ તેને નિર્જન સ્થળે લઇ જવાઇ હતી, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
દરમિયાન બપોરે ઘરેથી નીકળેલી પીડિતા સાંજ થવા છતાં પાછી ન ફરતાં પરિવારજનોએ તેની શોધ આદરી હતી. બહેનપણીની પૂછપરછ કરાતાં પીડિતા આશિષ સાથે ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. આખરે રાતે પીડિતા ઘર નજીકથી મળી આવી હતી. બીજે દિવસે પરિવારજનોએ પૂછપરછ કરતાં પીડિતાએ તમામ હકીકત જણાવી હતી, જેને પગલે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.