આમચી મુંબઈમહારાષ્ટ્ર

નવી મુંબઈની હોટેલમાં પ્રેમિકાની હત્યા કરનારો પ્રેમી અંધેરીમાં ઝડપાયો

આરોપીએ કરેલી કબૂલાત પછી પોલીસને હત્યાની જાણ થઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
અફૅરની શંકા પરથી નવી મુંબઈની હોટેલમાં પ્રેમિકાની કથિત હત્યા કરી ફરાર થઈ રહેલા આરોપીને મુંબઈ પોલીસે અંધેરી પરિસરમાંથી પકડી પાડ્યો હતો. શંકાને પગલે તાબામાં લેવાયેલા આરોપીની કબૂલાત પછી હત્યાની ઘટના પ્રકાશમાં આવતાં પોલીસને હોટેલની રૂમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.

સાકીનાકા પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ શોએબ મોહમ્મદ કલામ શેખ (24) તરીકે થઈ હતી. વધુ કાર્યવાહી માટે આરોપીને નવી મુંબઈની તુર્ભે પોલીસને સોંપાયો હતો.

સાકીનાકામાં મોહિલી વિલેજમાં રહેતો શેખ કોઈ ગંભીર ગુનો આચરી રાજ્ય બહાર ફરાર થવાની તૈયારીમાં હોવાની માહિતી સાકીનાકા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર વાલ્મિક કોરેને મળી હતી. માહિતીને આધારે પોલીસની ટીમે મંગળવારના મળસકે ત્રણ વાગ્યાની આસપાસ સાકીનાકા જંક્શન ખાતેથી શેખને તાબામાં લીધો હતો.

શરૂઆતમાં ઉડાઉ જવાબ આપનારા શેખે પોલીસની આકરી પૂછપરછ પછી ગુનો કબૂલ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે શેખ અને સાયન કોળીવાડા નજીક જીટીબી નગર ખાતે રહેતી અને ખાનગી બૅન્કની નવી મુંબઈની શાખાની મૅનેજર ઍમી ઉર્ફે અમિત રવીન્દર કૌર (35) વચ્ચે પ્રેમ પ્રકરણ હતું. જોકે ઍમીને બીજા યુવક સાથે અફૅર હોવાની શંકા શેખને હતી.

અધિકારીના જણાવ્યા અનુસાર સોમવારે આરોપી ઍમી સાથે નવી મુંબઈના કોપરખૈરાણે પરિસરમાં આવેલી હોટેલ ફ્લૅગશિપમાં ગયો હતો. હોટેલની રૂમમાં બન્ને વચ્ચે બોલાચાલી થતાં ગુસ્સામાં આરોપીએ ગળું દબાવી ઍમીની હત્યા કરી હતી. આ પ્રકરણે તુર્ભે પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button