વાનખેડેને ટક્કર મારે એવું ‘જમ્બો સ્ટેડિયમ’ મુંબઈમાં બનાવાશે
મુંબઈઃ 1974માં તૈયાર થયેલા વાનખેડે સ્ટેડિયમના સુવર્ણ જયંતિ વર્ષમાં હવે મુંબઈમાં નવા અને આધુનિક સ્ટેડિયમના નિર્માણ (New Jumbo Cricket Stadium)ની વાત થઈ રહી છે. નવું સ્ટેડિયમ વાનખેડે કરતા લગભગ 4 ગણું મોટું હશે. મતલબ કે નવા સ્ટેડિયમમાં લોકોની બેસવાની ક્ષમતા વાનખેડે કરતા લગભગ 4 ગણી વધારે હશે.
તાજેતરમાં ભારતીય ટીમે બાર્બાડોસમાં ટી 20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. વિશ્વ વિજેતા ભારતીય ટીમે બાર્બાડોસથી સ્વદેશ પાછા ફર્યા બાદ મુંબઈમાં ઓપન બસમાં વિજયની શોભાયાત્રા કાઢી હતી.
આ વિજય સરઘસ પછી ભારતીય ટીમના મુંબઈના ખેલાડીઓ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેને મહારાષ્ટ્ર વિધાનસભામાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. રોહિત શર્માએ વિધાનસભામાં મરાઠીમાં ભાષણ પણ આપ્યું હતું
આ પણ વાંચો: વાનખેડે સ્ટેડિયમમાં લગાવવામાં આવેલું એ સ્ટેચ્યુ સચિનનું કે પછી…?
આ બધા પ્રસંગો બન્યા પછી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નવા સ્ટેડિયમની વાત કરી હતી. તેમનું કહેવું હતું કે ‘મુંબઈને હવે એક આધુનિક સ્ટેડિયમની જરૂર છે. એક એવું સ્ટેડિયમ જેમાં વધુ સંખ્યામાં પ્રેક્ષકો બેસી શકે.
સ્ટેડિયમમાં બેસવા માટે હજી વધુ પ્રેક્ષકો હોય. મુંબઈને હવે વાનખેડે કરતાં પણ મોટા સ્ટેડિયમની જરૂર છે. હું જાણું છું કે વાનખેડે ઐતિહાસિક સ્ટેડિયમ છે પણ હવે મુંબઈને 1 લાખથી વધુની ક્ષમતા ધરાવતા નવા સ્ટેડિયમની જરુર છે અને અમે તેને આગામી સમયમાં બનાવવાનો પ્રયાસ કરીશું.’ જોકે, આ યોજના ક્યારે અમલમાં આવશે એ અંગે તેમણે ફોડ પાડીને વાત નહોતી કરી.
વાનખેડે સ્ટેડિયમનું નિર્માણ 1974માં થયું હતું. આ સ્ટેડિયમમાં લગભગ 32,000 લોકોની બેસવાની ક્ષમતા છે. આ એ જ ઐતિહાસિક મેદાન છે જ્યાં ટીમ ઇન્ડિયાએ 2011માં એમએસ ધોનીના સુકાની પદ હેઠળ વન-ડે વર્લ્ડકપની ફાઇનલ જીતી હતી.