વાનખેડે સ્ટેડિયમમાં લગાવવામાં આવેલું એ સ્ટેચ્યુ સચિનનું કે પછી…?
ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી અને ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખાતા સચિન તેંડુલકરના સ્ટેચ્યુનું ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું. જોકે, આ સ્ટેચ્યુના અનાવરણ સાથે જ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ સ્ટેચ્યુ સચિન તેંડુલકરનું છે કે પછી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથનું? હવે તમને થશે કે આવું કેમ, તો અમે તમને એ જ વાતનો જવાબ આપવા જઈ રહ્યા છીએ.
બુધવારે 49 વર્ષ જૂના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને એ સમયે આખો તેંડુલકર પરિવાર, રમતગમત ખાતાના પ્રધાન સંજય બનસોડે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાષ્ટ્રવાદીના શરદ પવાર, બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, બીસીસીઆઈના સચિવ જય શાહ, મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અમોલ કાળે સહિત બીસીસીઆઈ અને એમસીએના પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
આવું પહેલી વખત થયું છે કે સ્ટેડિયમમાં આ રીતે કોઈ ખેલાડીની કાંસાની પ્રતિમા બનાવવામાં આવી હોય. પરંતુ હવે મોકાણ આ સ્ટેચ્યુને કારણે જ શરૂ થઈ છે. આ સ્ટેચ્યુ અહેમદનગરના મૂર્તિકાર પ્રમોદ કાંબળેએ બનાવ્યું છે. આ સ્ટેચ્યુમાં સચિનને તેના ટ્રેડમાર્ક લોફ્ટેડ ડ્રાઈવ પોઝમાં દર્શાવવામાં આવ્યો છે.
જોકે, સચિનના ફેન્સનું ધ્યાન જ્યારે સ્ટેચ્યુના ચહેરા અને નાક-નક્શા પર ગયું ત્યારે તેમનું હાર્ટ બ્રેક થઈ ગયું હતું, કારણ કે આ સ્ટેચ્યુનો ચહેરો મહોરો ઘણા અંશે સચિન કરતાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ સાથે મળતો આવે છે. બસ પછી તો પૂછવું શું, નેટિઝન્સે સોશિયલ મીડિયા પર આ અંગેની ચર્ચા શરૂ થઈ ગઈ કે આ સ્ટેચ્યુ સચિનનું છે કે પછી સ્મિથની? એટલું જ નહીં સોશિયલ મીડિયા પર આ સ્ટેચ્યુ સાથેના મીમ્સ પણ તૂફાન વાઈરલ થઈ રહ્યા છે.