નવી મુંબઈના નાળામાં કૂદી પડેલી કિશોરીને પોલીસે બચાવી લીધી
મુંબઈ: માતા સાથે થયેલી બોલાચાલી પછી 14 વર્ષની કિશોરીએ તળોજા પરિસરમાં આવેલા નાળામાં કૂદકો માર્યો હતો. જોકે નવી મુંબઈ પોલીસે સમયસર પગલાં લેતાં કિશોરીનો જીવ બચાવી લેવાયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના રવિવારની સવારે તળોજા ફેસ-2 ખાતે બની હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં કિશોરી નાળા પરના નાના બ્રિજના કિનારે ઊભેલી નજરે પડે છે. ત્યાં હાજર રાહદારીઓ કિશોરીને બ્રિજથી દૂર ખસવાનું સમજાવી રહ્યા હતા.
દરમિયાન રાહદારીઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લોકો અને પોલીસની વારંવારની વિનંતી છતાં કિશોરી બ્રિજ પરથી નાળામાં કૂદી પડી હતી. પોલીસે તાત્કાલિક પગલાં લઈ કિશોરીને નાળામાંથી બહાર કાઢી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કિશોરી અને તેની માતા વચ્ચે કોઈ વાતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વાતને લઈ ઘરેથી નીકળી આવેલી કિશોરી ફરી ઘેર જવા માગતી નહોતી. બચાવી લેવાયેલી કિશોરીને કામોઠેની હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સારવાર પછી તેનું સ્વાસ્થ્ય સુધારા પર હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)