હત્યાના કેસમાં ચાર વર્ષથી ફરાર ગૅન્ગસ્ટર નવી મુંબઈમાં ઝડપાયો

થાણે: હત્યાના કેસમાં ચાર વર્ષથી ફરાર વિક્રાંત દેશમુખ ટોળકીનો ગૅન્ગસ્ટર નવી મુંબઈમાં ઝડપાયો હતો.
નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીની ઓળખ રાકેશ જનાર્દન કોળી (31) તરીકે થઈ હતી. કોળી અને ટોળકીના અન્ય સભ્યોએ જૂની અદાવતને પગલે સપ્ટેમ્બર, 2019માં નેરુળ પરિસરમાં રહેતા સચિન ગરજેનું કથિત અપહરણ કર્યું હતું. હત્યા બાદ સચિનના મૃતદેહને ઉરણ ખાડીમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
જોકે પછીથી આરોપીએ ખાડીમાંથી સચિનના મૃતદેહને બહાર કાઢી પુરાવાનો નાશ કરવા તેને સળગાવી દીધો હતો. બાદમાં મૃતદેહના અવશેષ જમીનમાં દાટી દીધા હતા. આ કેસમાં ધરપકડ કરાયેલા દેશમુખ ગૅન્ગના ચાર સભ્યની પૂછપરછમાં પોલીસ મૃતદેહ સુધી પહોંચી હતી. સચિનના મૃતદેહને જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ દેશમુખની 2022માં ગોવાથી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો, આર્મ્સ ઍક્ટ અને મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ કેસમાં કોળી 17મો આરોપી છે, જે વારંવાર પોતાનું રહેઠાણ બદલી સંતાતો ફરતો હતો. ઉરણના ઘવનગાંવ ખાતે કોળી આવવાનો હોવાની માહિતી મળતાં પોલીસે શનિવારે છટકું ગોઠવી તેને પકડી પાડ્યો હતો. કોર્ટે તેને 7 માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઈ)