રેસકોર્સમાં થીમ પાર્ક મુદ્દે મહારાષ્ટ્ર સરકારની હાઈ કોર્ટમાં મોટી સ્પષ્ટતા
મુંબઈ: દક્ષિણ મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં 120 એકરના થીમ પાર્ક બાંધવા અંગે હજી કોઈ અંતિમ નિર્ણય નથી લેવામાં આવ્યો એવી સ્પષ્ટતા મહારાષ્ટ્ર સરકારે બુધવારે બોમ્બે હાઈ કોર્ટ સમક્ષ કરી હતી.
અત્યારે માત્ર એ સંદર્ભની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે એમ ઉમેર્યું હતું. સરકાર વતીથી રજૂઆત કરનાર એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ અને ન્યાયમૂર્તિ કમલ ખાટાની ખંડપીઠ સમક્ષ રજૂઆત કરી હતી કે વિશાળ રેસ કોર્સ પર થીમ પાર્ક માટે વાપરવા વિરુદ્ધ કરવામાં આવેલી ત્રણેય અરજી અધૂરી હોવાનું જણાવ્યું હતું.
રેસકોર્સમાં થીમ પાર્ક વિકસાવવાના મુંબઈ મહાનગરપાલિકા અને મહારાષ્ટ્ર સરકારની દરખાસ્ત/નિર્ણયને પડકારતી આ અરજીઓ ગયા અઠવાડિયે પર્યાવરણવાદી હોવાનો દાવો કરનારા લોકો દ્વારા દાખલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રેસકોર્સમાં થીમ પાર્ક બાંધવાનો જોરદાર વિરોધ થયો હતો. આ મુદ્દે સ્થાનિક લોકોએ પ્રશાસનની વિરોધમાં હસ્તાક્ષર ઝુંબેશ ચલાવી હતી, જ્યારે કોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. હાઈ કોર્ટમાં સરકારે રજૂઆત કર્યા પછી સ્પષ્ટતા કરવાને કારણે લોકોને રાહત થઈ શકે છે.