વિવિધ રાજ્યોમાં ચોરીના 53થી વધુ ગુના આચરનારી બંગલાદેશી ટોળકી પકડાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિવિધ રાજ્યોમાં ચોરીના 53થી વધુ ગુના આચરનારી બંગલાદેશી ટોળકીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલે જાલનાથી ઝડપી પાડી હતી. આરોપીઓ વિમાનમાં પ્રવાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગણા તેમ જ અન્ય રાજ્યોમાં જતા હતા અને ત્યાંનાં શહેરોમાં રેકી કર્યા બાદ ગુનો આચરીને બંગલાદેશ ભાગી છૂટતા હતા.
પ્રોપર્ટી સેલના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ શાકીર ઉર્ફે ગુડ્ડુ હૈદર શેખ (45), કુર્બાન શાહીન આલમ મંડલ (26), જાકીર ફકીર બારીક ફકીર (33), માનિક મુસ્લિમ શેખ (30), શુમોન જબીદઅલી શેખ (30), સલમાન શુમ શેખ (25) અને અરબાઝ સમીર મન્સુરી (25) તરીકે થઇ હતી. તેઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે.
ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી શાકીર ઉર્ફે ગુડ્ડુ શેખને પ્રોપર્ટી સેલના અધિકારીઓ છેલ્લા એક વર્ષથી મહારાષ્ટ્ર, પશ્ર્ચિમ બંગાળ, તેલંગણા તથા અન્ય રાજ્યોમાં જઇ શોધી રહ્યા હતા. આખરે પોલીસ ટીમે મળેલી માહિતીને આધારે 8 માર્ચે મળસકે જાલના જિલ્લાના પરતુર ખાતે આવેલા બે માળના મકાનમાં છાપો માર્યો હતો અને શાકીર ઉર્ફે ગુડ્ડુ તથા તેના પાંચ સાથીદારોને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓ પાસેથી ઘાતક શસ્ત્રો અને કાર જપ્ત કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી ચોરીનો સામાન ખરીદનારા જાલનાના અરબાઝ મન્સુરીને પણ બાદમાં તાબામાં લેવાયો હતો. પોલીસે કહ્યું હતું કે શાકીર ઉર્ફે ગુડ્ડુએ ગુના આચરવા પોતાની ટોળકી બનાવી હતી. આરોપીઓ ગુના આચર્યા બાદ બંગલાદેશી ભાગી છૂટતા હતા, જેને કારણે તેમને પકડવાનું મુશ્કેલ હતું.