મહારાષ્ટ્રના દરિયાકિનારે તણાઈ આવ્યું વ્હેલનું બચ્ચું અને…

મુંબઇ: મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના ગણપતિપુલેના દરિયાકાંઠે એક વ્હેલ માછલીનું બચ્ચું તણાઇ આવ્યું હતું. બહાર આવ્યા બાદ તે પોતાની જાતે પાણીમાં જઇ શકતી નહોતી ત્યારે આ ફસાયેલી 47 ફૂટ લાંબી વ્હેલને 40 કલાકના પ્રયાસો બાદ બુધવારે ફરી દરિયામાં ધકેલવામાં આવી હતી. આ માછલીને ફરી પાછી દરિયામાં ધકેલવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડે વન વિભાગ, JSW જયગઢ પોર્ટ અને રાજ્ય પ્રશાસન સાથે મળીને કામ કર્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 4 ટન વજન ધરાવતી બેબી વ્હેલ સોમવારે દરિયાકિનારે પહોંચી ગઇ હતી પરંતુ બાદમાં દરિયમાં ભરતી ઓછી હોવાના કારણે દરિયા કિનારે રેતીમાં ફસાઈ ગઈ હતી. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના પ્રમુખે જણાવ્યું હતું કે ભારતમાં દરિયાકિનારે બ્લુ વ્હેલનું આ એકમાત્ર સફળ બચાવ છે. ઘણા પ્રયત્નો બાદ ધીમે ધીમે ખેંચીને તેને દરિયા તરફ લઇ જવામાં આવી હતી. અને જેવો તેને થોડોક ઊંડો દરિયો મળ્યો કે તરત જ તે ડૂબકી મારીને જતી રહી હતી.
પર્યાવરણવિદ દેબી ગોએન્કાએ જણાવ્યું હતું કે સોમવારે સવારે સ્થાનિક પર્યાવરણવાદી આરતી કુલકર્ણીએ સૌપ્રથમ સોશિયલ મીડિયા પર બ્લુ વ્હેલનું બચ્ચું ફસાયેલું હોવા અંગે અને સ્થાનિક લોકો તેને દરિયાના પાણીમાં ખસેડવા માટે જે મહેનત કરી રહ્યા છે તેની પોસ્ટ કરી હતી. મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના ગણપતિપુલેના દરિયાકાંઠે ફસાયેલી 47 ફૂટ લાંબી વ્હેલને 40 કલાકના પ્રયાસો બાદ ફરીથી દરિયામાં ધકેલવામાં સફળતા મળી હતી.