બ્રિટનની 9 યુનિવર્સિટી ભારતમાં ખોલશે પોતાના કેમ્પસ: PM મોદીએ યુકેના PM સાથેની બેઠક બાદ કરી જાહેરાત

મુંબઈઃ ભારતના પ્રવાસે આવેલા બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે મહત્ત્વની બેઠક યોજાઈ. વડા પ્રધાન બન્યા પછી સ્ટાર્મર સાથે પહેલી વખતે વડા પ્રધાન મોદીની બેઠક થઈ. આ મુલાકાત પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે યુકેની નવ યુનિવર્સિટી ભારતમાં પોતાનું કેમ્પસ ખોલશે. ઉપરાંત, પીએમ મોદીએ કહ્યું કે અમે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં યુકે સાથે દરિયાઈ સુરક્ષા સહયોગ વધારવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.
બંને દેશની વચ્ચેના પાયામાં લોકતંત્ર છે. બંને દેશની વચ્ચે કરવામાં આવેલા સમજૂતી-કરારથી નવી રોજગારીમાં વૃદ્ધિ થશે. બંને નેતાઓની વચ્ચે વિઝન 2035 રોડમેપ તૈયાર કરવામાં આવ્યો, જે અન્વયે ભારત-બ્રિટનની વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી. પીએમ મોદી અને સ્ટાર્મર ફોરમ સહિત ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં પણ ભાગ લેશે. બંને દેશના વડા પ્રધાને વિઝન 2030 અન્વયે મજબૂત સંબંધો પર જોર આપ્યું.
બ્રિટનના પીએમ સાથે વડા પ્રધાન મોદીની સંયુક્ત કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું કે આ સમજૂતી (વ્યાપક આર્થિક અને વેપાર સમજૂતી)થી બંને દેશની વચ્ચે આયાત કર ઓછો થશે. યુવાનોને નવી રોજગારીની તકો ઊભી થશે. વેપારમાં વધારો થશે તેમ જ તેનાથી સ્થાનિક ઉદ્યોગો અને વપરાશકર્તાઓને ફાયદો થશે.
બંને દેશની વચ્ચે સમજૂતી-કરારમાં હસ્તાક્ષર કર્યાના મહિનામાં આપની ભારત મુલાકાત (તમારી સાથે ડેલિગેશન પણ આવ્યું) થઈ છે, જેનાથી ભારત-બ્રિટનની ભાગીદારીમાં નવા જોશનું પ્રતીક છે. પીએમ મોદીએ કહ્યું કે વડા પ્રધાન સ્ટાર્મરના નેતૃત્વમાં ભારત અને બ્રિટનના સંબંધોમાં મહત્ત્વની પ્રગતિ થઈ છે. આ વર્ષે જુલાઈમાં મારા બ્રિટન પ્રવાસ વખતે ઐતિહાસિક વ્યાપક આર્થિક અને વેપાર સમજૂતી (CETA)માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
બ્રિટનના વડા પ્રધાન સ્ટાર્મર સાથેના સંયુક્ત નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત અને બ્રિટનની વચ્ચે ગઈકાલે મહત્ત્વની બેઠકનું આયોજન થયું હતું. આજે અમે ઈન્ડિયા-યુકેના સીઈઓ ફોરમ અને ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલને સંબોધિત કરીશું, જેનાથી ભારત-યુકેના સંબંધો વધુ મજબૂત કરવાની સંભાવનાઓ પણ ઊભી થશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને યુક્રેન સંઘર્ષ અને ગાઝા મુદ્દા મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે ભારત સંવાદ અને રાજદ્વારી દ્વારા શાંતિ પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસોને સમર્થન આપે છે.
અહીં એ જણાવવાનું કે ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો વણસ્યા પછી ભારતનો યુરોપમાં ખાસ બ્રિટન સાથે વધુ સંબંધો સુધરી રહ્યા છે, જેનાથી ભવિષ્યમાં વેપાર-વાણિજ્ય સહિત અન્ય ક્ષેત્રે નવી તકો ઊભી થઈ શકે છે.