‘786’ સિરિયલ નંબરની 100ની નોટ વેચવા જતાં મહિલાએ 8.46 લાખ રૂપિયા ગુમાવ્યા | મુંબઈ સમાચાર

‘786’ સિરિયલ નંબરની 100ની નોટ વેચવા જતાં મહિલાએ 8.46 લાખ રૂપિયા ગુમાવ્યા

મુંબઈ: દક્ષિણ મુંબઈમાં રહેતી મહિલાને ‘786’ સિરિયલ નંબરની 100 રૂપિયાની એક નોટ અને પચીસ પૈસાના એક સિક્કાના બદલામાં છ-છ લાખ રૂપિયા આપવાની લાલચ બતાવી ઠગે 8.46 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ આ પ્રકરણે મઝગાંવ વિસ્તારમાં રહેતી 49 વર્ષની મહિલાની ફરિયાદને આધારે પાયધુની પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આપણ વાંચો: આઇપીએસ ઓફિસરના સ્વાંગમાં નિવૃત્ત સરકારી અધિકારી પાસેથી 78.60 લાખ રૂપિયા પડાવ્યા

પોલીસ ફરિયાદ અનુસાર મહિલાને જૂના સિક્કા અને ચલણી નોટો સંગ્રહ કરવાનો શોખ હતો. ગયા મહિને તેણે ફેસબુક પર એક જાહેરખબર જોઈ હતી. જાહેરખબરમાં જૂના સિક્કા અને નોટની સામે આકર્ષક વળતરની લાલચ આપવામાં આવી હતી. લાખો રૂપિયા મેળવવાની લાલચમાં મહિલાએ જાહેરખબરમાં આપેલા નંબર પર સંપર્ક સાધ્યો હતો.

મહિલાએ તેની પાસે ‘786’ સિરિયલ નંબરની 100 રૂપિયાની એક નોટ અને પચીસ પૈસાનો સિક્કો હોવાનું કહ્યું હતું. સિક્કા પર એક શિંગડાવાળા ગેન્ડાની છાપ છે, જે દુર્લભ ગણાય છે, એવું મહિલાએ આરોપીને કહ્યું હતું.

આપણ વાંચો: વિદેશથી ગિફ્ટ મોકલવાને બહાને મહિલાપાસેથી 49.59 લાખ રૂપિયા પડાવ્યા

આરોપીએ મહિલાને નોટ અને સિક્કાના છ-છ લાખ રૂપિયા આપવાની તૈયારી દાખવી હતી. જોકે આના માટે નિયમો અનુસાર ડિપોઝિટ રજિસ્ટ્રેશન ફી, જીએસટી અને અન્ય ચાર્જીસ ચૂકવવા પડશે, એવું મહિલાને કહેવામાં આવ્યું હતું.

બાદમાં આરોપીએ અલગ અલગ કારણો રજૂ કરી મહિલા પાસેથી 8.46 લાખ રૂપિયા પડાવ્યા હતા. 12થી 14 જુલાઈ દરમિયાન આરોપીએ વિવિધ બૅન્ક ખાતાંમાં આ રકમ જમા કરાવવાની મહિલાને ફરજ પાડી હતી.

કહેવાય છે કે લાખો રૂપિયા ગુમાવ્યા પછી પણ મહિલાને નોટ અને સિક્કાની રકમ મળી નહોતી. વળી, આરોપીનો સંપર્ક ન થતાં પોતે છેતરાઈ હોવાની જાણ મહિલાને થઈ હતી. પરિણામે તેણે સોમવારે પાયધુની પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button