આમચી મુંબઈ

રેલવે પ્રધાને મુંબઈ માટે મોટી જાહેરાતો તો કરી, પણ પ્રવાસીઓની સુરક્ષાનું શું?

મુંબઈઃ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગઈકાલે મુંબઈ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી અને મુંબઈ અને મહારાષ્ટ્ર માટે વિવિધ રેલવે સુવિધાઓની જાહેરાતો કરી હતી, પરંતુ મુંબઈની લોકલમાં પ્રવાસ કરતા પ્રવાસીઓના જીવની સુરક્ષાનો પ્રશ્ન વર્ષોથી વિકટ બનતો રહ્યો છે. ઘણા કેસમાં પ્રવાસીઓની બેદરકારી જવાબદાર હોય છે તેમ માનીએ તો પણ એકંદરે પ્રવાસી જીવના જોખમે જ રેલવેમાં પ્રવાસ કરે છે તેમ કહેવું ખોટું નથી. ખાસ કરીને મધ્યરેલવેમાં ઓછી ફેરી, રોજ ખોળંભાતું ટાઈમટેબલ જેવા કારણોને લીધે પ્રવાસીઓ પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી.

એક વર્ષમાં આટલા પ્રવાસીએ જીવ ખોયા

એક અહેવાલ પ્રમાણે આંકડાઓ દર્શાવે છે કે મધ્ય રેલ્વેના થાણેથી બદલાપુર અને કસારા રૂટ પર લોકલ ટ્રેનની મુસાફરી જીવલેણ સાબિત થઈ રહી છે. થાણે, ડોમ્બિવલી અને કલ્યાણ રેલ્વે પોલીસ સ્ટેશનના રેકોર્ડ મુજબ જાન્યુઆરી, ૨૦૨૪ થી માર્ચ, ૨૦૨૫ સુધીના ૧૪ મહિનાના સમયગાળા દરમિયાન, પાટા ઓળંગતી વખતે અને ટ્રેનમાંથી પડી જવાથી ૬૬૩ મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. અકસ્માતોનો આ આંકડો મુંબઈ વિભાગના અન્ય પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા બનાવો કરતા ઘણો વધારે હોવાનું માનવામાં આવે છે. રેલવેના પાટા ઓળંગવા જોખમી છે, પરંતુ ઓછી ટ્રેન હોવાથી અને સમયસર પહોંચવાની લ્હાયમાં મુસાફરો આ જોખમ ઉઠાવે છે જ્યારે આ રૂટની જ નહીં પણ પિક અવર્સમાં મોટાભાગની ટ્રેનમાં લોકો બહાર લટકતા જ જોવા મળે છે અને ક્યારેક જીવ ખોઈ બેસે છે.

થાણે, કાલવા, મુમ્બ્રા, દિવા અને ઐરોલીના મુખ્ય રેલ્વે સ્ટેશનો થાણે રેલ્વે પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. ડોમ્બિવલી પોલીસ સ્ટેશનની હદમાં કોપર, ડોમ્બિવલી, ઠાકુર્લી, ભિવંડી, ખારબાવ, કામન રોડ અને જુચંદ્રાના રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. કલ્યાણ, વિઠ્ઠલવાડી, ઉલ્હાસનગર, અંબરનાથ, બદલાપુર, શહાદ, આંબિવલી, ટિટવાલા, ખડવલી, વાશિંદ, આસનગાંવ, આટગાંવ, ખરડી અને કસારા સ્ટેશનનો કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશનની હદમાં સમાવેશ થાય છે. ૧ જાન્યુઆરીથી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન, થાણે રેલ્વે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૪૦ પુરુષ મુસાફરો અને ૧૧ મહિલા મુસાફરો, ડોમ્બિવલીમાં ૫૧ પુરુષ અને ત્રણ મહિલા મુસાફરો અને કલ્યાણમાં ૯૧ પુરુષ અને ત્રણ મહિલા મુસાફરોના મૃત્યુ થયા હતા. મૃત્યુ પામનારાઓમાં યુવાનોનો આંકડો નોંધપાત્ર છે. ઘરનો કમાનાર દીકરો કે દીકરી પરિવાર ગુમાવી દે છે.

આ પણ વાંચો: મધ્ય રેલવેના ‘આ’ સ્ટેશનને લંડનના King Cross Railway Station જેવું અદ્યતન બનાવાશે…

રખડેલા પ્રોજેક્ટ્સ અને પ્રવાસીઓનું ગેરશિસ્ત

પ્રવાસીઓમાં પણ ઘણીવાર ગેરશિસ્ત જોવા મળે છે તે વાતની ના નહીં, પરંતુ જરૂરત કરતા ઘણી ઓછી ટ્રેન હોવાથી તેમની પાસે જોખમ લઈ ભરેલી ટ્રેનમાં ચડવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. આટલા દૂરથી આવતા પ્રવાસીઓ ટ્રેન પર અવલંબે છે. રેલવે જાહેરાતો તો કરે છે, પરંતુ ઘણા પ્રોજેક્ટ પેન્ડિંગ હોવાની કે કામ મોડું ચાલી રહ્યું હોવાથી સુવિધાઓનો અભાવ છે. મુસાફરોની વધતી સંખ્યા સામે હાલની સુવિધાઓ ઓછી થઈ રહી હોવાથી ટ્રેનોમાં ભીડ દિવસેને દિવસે વધી રહી છે. ખાસ કરીને આ રૂટમાં મુસાફરો વધી રહ્યા હોવા છતાં રેલવે સુવિધાઓ વધારતી નથી. ઘણા એવા વિસ્તારોથી છે જ્યાંથી થાણે-મુંબઈને જોડાતા સારા રસ્તા પણ ઉપલબ્ધ નથી, આથી આ પ્રવાસીઓ રેલવે દ્વારા જ પોતાના કામધંધે આવે છે. પ્રવાસીઓનો મોતનો આંકડો ભયાનક છે ત્યારે રેલવેએ સુવિધાઓમાં વધારો કરવાની જરૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button