મહારાષ્ટ્રની આઠ બેઠક પર 53 ટકા મતદાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં આયોજિત આઠ બેઠક પર સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 53 ટકા મતદાન થયું હતું. અધિકારીઓએ એવી માહિતી આપી હતી કે વિદર્ભની અકોલા, અમરાવતી, બુલઢાણા અને યવતમાળ-વાશિમ બેઠકો અને મરાઠવાડાની નાંદેડ, હિંગોલી અને પરભણી બેઠક પર શુક્રવારે મતદાન થયું હતું.
સાંજે પાંચ વાગ્યા સુધીમાં વર્ધા બેઠક પર 56.66 ટકા, અમરાવતીમાં 54.50 ટકા, યવતમાળ-વાશિમમાં 54.04 ટકા, પરભણીમાં 53.79 ટકા, અકોલામાં 52.49 ટકા, નાંદેડમાં 52.47 ટકા, બુલઢાણામાં 52.24 અને હિંગોલીમાં 52.03 ટકા સરેરાશ મતદાન થયું હોવાનું ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું.
મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે નાંદેડ લોકસભા મતદારસંઘમાં રામપુરી ખાતે એક 26 વર્ષના યુવકે ઈવીએમને લોખંડના સળિયાથી મારીને નુકસાન પહોંચાડ્યું હતું. આ યુવકની અટકાયત કરવામાં આવી હતી અને તેણે કહ્યું હતું કે ખેડૂત તરફી અને મજૂર તરફી સરકાર સત્તામાં આવે એવી તેની ઈચ્છા હતી.
બીજા તબક્કામાં આઠ બેઠકો પર કુલ 204 ઉમેદવાર હતા, જેમાંથી બુલઢાણામાં 21, અકોલામાં 15, અમરાવતીમાં 37, વર્ધામાં 24, યવતમાળ-વાશિમમાં 17, હિંગોલીમાં 33, નાંદેડમાં 23 અને પરભણીમાં 34 ઉમેદવારો હતા.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ રામટેકથી પીએમ મોદી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ
આઠ બેઠકો પર કુલ 16,589 મતદાન કેન્દ્રો પર 1.49 કરોડ મતદાતા-77,21,374 પુરુષ, 72,04,106 મહિલા અને 432 અન્ય મતદારો નોંધાયેલા હતા. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે પરિવાર સાથે નાંદેડમાં મતદાન કર્યું હતું.
બુલઢાણા, યવતમાળ-વાશિમ અને હિંગોલીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેના વચ્ચે સીધો જંગ જોવા મળ્યો છે.
પરભણીમાં શિવસેના (યુબીટી)ના વર્તમાન સાંસદ સંજય જાધવ સામે મહાયુતિના સાથી પક્ષના નેતા મહાદેવ જાનકર ચૂંટણી લડી રહ્યા છે. પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડીએ આઠમાંથી સાત બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા. અકોલામાં તેઓ પોતે મેદાનમાં હતા.