આમચી મુંબઈમહારાષ્ટ્ર

થાણે પાલિકાનું કોઈ પણ કર વધારા વગરનું ૫,૦૨૫ કરોડ રૂપિયાનું બજેટ જાહેર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
આગામી દિવસોમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકા બાદ થાણે મહાનગરપાલિકાએ પણ કોઈ પણ જાતના કરવેરામાં વધારો નહીં કરતા ગુરુવારે ૫,૦૨૫ કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું હતું. થાણે પાલિકા કમિશનર અભિજિત બાંગરે શૂન્ય કચરા ઝુંબેશ, મહિલા બચત ગટને શૂન્ય વ્યાજ દરે લોન, મૂકબધીર મુક્ત થાણે જેવા અનેક પ્રોજેક્ટ સહિત શિવસેનાના નેતા આનંદ દિઘેના સ્મારક માટે ખાસ પાંચ કરોડ રૂપિયાની જોગવાઈની પણ જાહેરાત કરી હતી.

રાજ્યની અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનની માફક જ થાણે કોર્પોરેશનમાં પણ ચૂંટાયેલી સંસ્થા નથી, કારણકે અહીં પણ છેલ્લા બે વર્ષથી ચૂંટણી થઈ નથી. તેથી થાણે પાલિકા કમિશનર અને પ્રશાસક અભિજિત બાંગલે ગુરુવારે બજેટ જાહેર કર્યું હતું. નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૫,૦૨૫.૦૧ કરોડ રૂપિયાની મહેસૂલ અપેક્ષિત છે, તો જુદા જુદા ખર્ચ માટે ૫,૦૨૪.૬૭ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં ૧,૬૭૯ કરોડ રૂપિયા મૂડી ખર્ચ (કેપિટલ એક્સપેન્ડિચર), વેતન અને ભથ્થા માટે રૂપિયા ૧,૫૧૫.૭૦ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

બજેટમાં મહેસુલ વધારવા પર અને ખર્ચમાં શિસ્ત લાવવા પર તથા બિનઆવશ્યક ખર્ચા પર કાપ મૂકવાની સાથે જ સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ પર ભાર આપવામાં આવ્યો છે. ૨૦૦૧માં મૃત્યુ પામેલા આનંદ દિઘેને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના રાજકીય માર્ગદર્શન માનવામાં આવે છે, જેઓ શહેરમાં કોપરી-પંચપખાડી વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. સ્મારક હાલના મેયર બંગલાની જગ્યા પર બનશે અને મેયરના સત્તાવાર સ્થાન અન્ય સ્થળે ખસેડવામાં આવશે.

બજેટ બાદ યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં થાણે પાલિકા કમિશનર અભિજિત બાંગરે કહ્યું હતું કે મહિલાઓ, સિનિયર સિટિઝન અને બાળકોની સુવિધા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

થાણે પાલિકાના ટ્રાન્સપોર્ટ ખાતા દ્વારા મહિલાઓ માટે વિશેષ બસ દોડાવવામાં આવવાની છે. તો સિનિયર સિટિઝન મફતમાં પ્રવાસ કરી શકશે. હાલમાં આ સુવિધા ૭૫ વર્ષથી ઉપરની વયના લોકોને આપવામાં આવે છે, હવે આ સુવિધા ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ આપવામાં આવશે.

એક કરોડ રૂપિયાના ખર્ચે થાણે પાલિકા ‘નરેન્દ્ર મોદી થાણે સેન્ટ્રલ લાઈબ્રેરી’ની સ્થાપના કરવાની છે. તો હાલ જ્યાં થાણેના મેયરનો સત્તાવાર બંગલો છે ત્યાં સ્વર્ગસ્થ આનંદ દિઘેનું સ્મારક બનાવવામાં આવશે અને તેના માટે પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મેયર બંગલાનું અન્યત્ર સ્થળાંતર કરવામાં આવશે, તે માટે એક કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

મુંબઈ મહાનગરપાલિકાની માફક જ થાણે પાલિકાની પણ આવક પ્રોપર્ટી ટેક્સ પર વધુ આધાર રાખે છે. ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષમાં પ્રોપર્ટી ટેક્સ સહિત અન્ય શુલ્કના માધ્યમથી ૮૧૯.૭૧ કરોડ રૂપિયા વસૂલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે.

સમયસર પ્રોપર્ટી ટેક્સ લોકો ભરી શકે તે માટે નવા આર્થિક વર્ષની શરૂઆતની સાથે જ નાગરિકોને બિલ મોકલવામાં આવવાના છે. ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષમાં પ્રોપર્ટી ટેક્સના માધ્યમથી પાલિકાને ૧૬૪ કરોડ ૩૭ લાખ વસૂલ કરવામાં સફળતા મળી છે. તો નવા નાણાકીય વર્ષમાં વોટર ટેક્સના માધ્યમથી ૨૨૫ કરોડ રૂપિયાની આવક અપેક્ષિત રાખી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button