મુંબઈમાં કેન્સર પીડિત દાદીને કચરામાં ફેંકી દેનાર પૌત્ર, ઓટો ડ્રાઈવર સહિત અન્ય બેની ધરપકડ

મુંબઈઃ મુંબઈમાં થોડા દિવસ પહેલા તેની કેન્સરગ્રસ્ત દાદીને કચરામાં ફેંકનાર પૌત્રની આખરે ધરપકડ કરવામાં આવી છે. આ શરમજનક કેસમાં પોલીસે પૌત્રની સાથે મહિલાના દિયર અને રિક્ષાચાલકની ધરપકડ કરી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રાહુલ શેવાળે (પૌત્ર), બાબા સાહેબ ગાયકવાડ અને સંજય કદ્રેશીમ તરીકે થઈ છે. ચામડીના કેન્સરથી પીડિત મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવાને બદલે તેઓએ તેને જીવતી કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી.
આપણ વાંચો: કેન્સરગ્રસ્ત પત્ની છે થોડા મહિનાની મહેમાન… એની સાથે રહેવા માંગું છુ’, તો શું નરેશ ગોયલને મળશે જામીન?
પ્રાપ્ત માહિતી મુજબ 22 જૂનના રોજ મુંબઈના આરે કોલોનીના જંગલમાં કચરાના ઢગલામાંથી 60 વર્ષીય મહિલા ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલા કાંદિવલી પૂર્વના હનુમાન નગર વિસ્તારની રહેવાસી છે.
મહિલાના પૌત્રએ પોલીસને જણાવ્યું કે મહિલા પોતે જ ઘર માંથી જતી રહી હતી. પરંતુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ પોલીસને જાણવા મળ્યું કે 22 તારીખે સવારે મહિલાનો પૌત્ર જ મહિલાને ઓટો રિક્ષામાં આરે કોલોનીના જંગલમાં લાવ્યો હતો અને તેને કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી.
આપણ વાંચો: કેન્સરગ્રસ્ત બાળકોની ઉજવણી:
પોલીસને જ્યારે મહિલા મળી ત્યારે તે ગંભીર હાલતમાં હતી. તેને કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મહિલાનું નામ યશોદા ગાયકવાડ (60) છે અને તેને ત્વચાનું કેન્સર છે. આરે કોલોની પોલીસે મહિલાના પૌત્ર, દિયર અને ઓટો-રિક્ષા ચાલક વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે અને આ મામલાની તપાસ કરી રહી છે.
માહિતી મુજબ પૌત્રએ તેની દાદીને કચરાના ઢગલામાં ફેંકવા માટે 400 રૂપિયામાં એક ઓટો ભાડે લીધી હતી. આરોપ છે કે યુવકે તેના કાકાની મદદ લીધી હતી. ઓટો ડ્રાઈવર પર પણ વૃદ્ધ મહિલાને કચરામાં ફેંકવામાં મદદ કરવાનો આરોપ છે.