2023માં કુદરતી આપત્તિઓથી 2,923 લોકોનું મૃત્યુ

મુંબઈ: આ વર્ષે દેશમાં આવેલી જુદી જુદી નૈસર્ગિક આપત્તિને કારણે 2,923 લોકોનું મૃત્યુ અને લગભગ 18.4 લાખ હેક્ટર પરની ખેતીના પાકને નુકસાન થયું હોવાની માહિતી એક એનજીઓના અહેવાલમાં જાહેર કરવામાં આવી છે. આ સાથે વર્ષ 2023 દરમિયાન આવેલી નૈસર્ગિક આપત્તિને લીધે 92,519 પ્રાણીઓના મોત અને 80,563 ઘરોને પણ નુકસાન થયું હોવાની માહિતી આપવામાં આવી છે.
વર્ષ 2023માં દેશને અનેક નૈસર્ગિક આપત્તિઓનો સામનો કરવો પડ્યો હતો. જેમાં અલ-નીનો, કમોસમી વરસાદ, વધુ વરસાદ, કરા પડવા, લેન્ડસ્લાઈડ જેવી અનેક ઘટનાને લીધે લોકો, પ્રાણીઓએ જીવ ગુમાવવાની સાથે ખેતી અને ઘરોને પણ નુકસાન થયું હતું.
એનજીઓના અહેવાલ મુજબ દેશમાં 2023 દરમિયાન નૈસર્ગિક આપત્તિને કારણે મધ્ય પ્રદેશમાં સૌથી વધારે જાનહાનિ થઈ હતી. તેમ જ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન બિહારમાં 642 લોકોના, હિમાચલ પ્રદેશમાં 365 લોકોના અને ઉત્તર પ્રદેશમાં 341 લોકોના મૃત્યુ થયા હતા. આ આપત્તિને લીધે ગરીબ અને ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું હોવાની માહિતી અહેવાલમાં કહેવામાં આવી છે.
એક એનજીઓ દ્વારા 2023 માટે યર ઓફ કલાઇમેટ ચેન્જ એવા નામે એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં વર્ષ 2023 દરમિયાન દુનિયાના 20 દેશોમાં સૌથી ભયંકર નૈસર્ગિક આપત્તિ આવી હતી. જેમાં પૂર, વધુ વરસાદ, દુકાળ, જંગલમાં આગ જેવી ઘટનાનો 14 દેશોમાં સૌથી વધારે બની હતી. આવા દેશોમાં અમેરિકાના હવાઈના જંગલોમાં લાગેલી આગ, ગુઆમ, વાનુઅતુ, ન્યૂઝીલેન્ડનું ચક્રીવાદળ, ઈટલી, લિબિયા, પેરુ, ચીલી, હૈતી અને સ્પેન જેવા અનેક દેશોમાં મોટા પ્રમાણમાં જાન અને માલ બંનેની હાનિ થઈ હતી.



