દુરાચારની ફરિયાદ બાદ અનધિકૃત હોસ્ટેલમાંથી 29 બાળકોને ઉગારી લેવાયા: પાંચ વિરુદ્ધ ગુનો

થાણે: થાણે જિલ્લામાં દુરાચારની ફરિયાદ બાદ સંસ્થા દ્વારા સંચાલિત અનધિકૃત હોસ્ટેલમાંથી 29 બાળકોને ઉગારી લેવામાં આવ્યા હતા. થાણે જિલ્લાના ખડવલી ખાતે નિવાસી સંસ્થા પયાસદન વિકાસ સંસ્થામાંથી પોલીસે શુક્રવારે 20 છોકરી અને નવ છોકરાને ઉગારી લીધા હતા.
આ પ્રકરણે પાંચ જણ વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, 2015 અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ચાઇલ્ડ હેલ્પલાઇન પર ગુરુવારે ફરિયાદ પ્રાપ્ત થઇ હતી, જેમાં હોસ્ટેલમાં બાળકોની મારઝૂડ કરવા સાથે જાતીય શોષણ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.
બાદમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ કાર્યાલયની ટીમ સાથે પોલીસે શુક્રવારે સંસ્થામાં અચાનક દરોડા પાડીને તલાશી લીધી ત્યારે બાળકો સાથે વાતચીત કરતાં આરોપોમાં તથ્ય હોવાનું જાણવા મળ્યું હતું, એમ પોલીસે કહ્યું હતું.
ઉગારી લેવાયેલા બાળકોને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ હાજર કરાયા હતા. અમુક બાળકો ખડવલી જિલ્લા પરિષદની શાળામાં ભણતા હતા. તેમની આગામી પરીક્ષાને ધ્યાનમાં લેતાં શિક્ષણ વિભાગ તેમની પરીક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવા શિક્ષણ અધિકારી કાર્યાલય સાથે સમન્વય સાથી રહ્યો છે.
આપણ વાંચો: વિશેષ : ધર્મના રથની ધ્વજા એટલે સત્ય ને શીલ…
બીજી તરફ સંસ્થાના સંચાલક, તેના પરિવારના બે સભ્ય અને અન્ય બે જણ સામે ગુનો દાખલ કરાયો હોવાનું કલેક્ટર અશોક શિંગારેએ કહ્યું હતું.
બાળકોની સુરક્ષા અને કલ્યાણ હંમેશાં પ્રશાસનની અગ્રતા રહી છે. કસૂરવારો સામે કઠોર પગલાં લેવામાં આવશે, એમ શિંગારએ જણાવ્યું હતું.
દરમિયાન જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી સંતોષ ભોસલેએ તમામ નાગરિકોને આવી અનધિકૃત સંસ્થાઓ વિશે તાત્કાલિક ફરિયાદ કરવા અને બાળકોનું શોષણ અથવા અત્યાચાર થતાં હોય તો જાણકારી આપવા અનુરોધ કર્યો છે. (પીટીઆઇ)