હીરાવેપારીઓ સાથે 26 કરોડ રૂપિયાની છેતરપિંડી
પ્રકરણે મલાડના વેપારી સામે બે એફઆઈઆર
મુંબઈ: ઊંચી કિંમતે વેચી આપવાને બહાને હીરા લીધા પછી બે વેપારીઓ સાથે અંદાજે 26 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા પ્રકરણે બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે મલાડના વેપારી સામે બે એફઆઈઆર નોંધ્યા હતા. આરોપીએ આ રીતે અન્ય હીરાવેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.
બીકેસી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મલાડમાં રહેતા અને કિશા ડાયમંડ એક્સ્પોર્ટ ફર્મ ચલાવતા શાલીન નીતિનકુમાર શાહ (42) વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા હતા. એક વેપારી સાથે 4.49 કરોડ, જ્યારે બીજા વેપારી સાથે 21.52 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
આપણ વાંચો: જૂહુના હીરાદલાલ વિરુદ્ધ 8.69 કરોડની છેતરપિંડીનો બીજો ગુનો નોંધાયો
પોલીસના જણાવ્યા મુજબ એક ફરિયાદ બીકેસી સ્થિત ભારત ડાયમંડ બુર્સમાં આવેલી હીરા કંપનીના વરિષ્ઠ અધિકારી હરીશ કાસોદરિયાએ નોંધાવી હતી. માર્ચ, 2023થી સપ્ટેમ્બર, 2023 દરમિયાન ફરિયાદીની કંપનીએ બે વખત આરોપીને હીરા સપ્લાય કર્યા હતા. બન્ને વખતે આરોપીએ ઊંચી કિંમતે હીરા વેચવાની ખાતરી આપી હતી.
હીરા વેચીને આવનારી રકમમાંથી પોતાનું કમિશન કાપીને નાણાં ફરિયાદીની કંપનીને ચૂકવવા સંબંધિત દસ્તાવેજો પણ તેણે સાઈન કર્યા હતા. જોકે 21.52 કરોડ રૂપિયાના હીરા લીધા પછી આરોપીએ તેની રકમ ચૂકવી નહોતી.
આરોપી બજારમાં ઊંચી કિંમતે હીરા વેચી આપવા સંબંધિત રસીદ આપતો હતો, પણ બાદમાં વેપારીઓને હીરાની રકમ ચૂકવતો નહોતો અને હીરા પણ પાછા આપતો નહોતો. વેપારીઓ હીરા બાબતે પૂછપરછ કરે તો તેમને ઉડાઉ જવાબ આપતો હતો. પછી તેનો મોબાઈલ સ્વિચ ઑફ્ફ આવવા લાગ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ આ જ રીતે તેણે બીજા ફરિયાદી નીરવ પારેખ સાથે પણ છેતરપિંડી કરી હતી. ગયા વર્ષના ઑક્ટોબરમાં આરોપીએ પારેખ પાસેથી 4.49 કરોડ રૂપિયાના હીરા લીધા હતા. પારેખને હીરાની કિંમત ચૂકવવામાં આવી નહોતી અને હીરા પણ પાછા આપવામાં આવ્યા નહોતા. આ પ્રકરણે બીકેસી પોલીસ વધુ તપાસ કરી રહી છે.