300 રોકાણકારો સાથે 26 કરોડની ઠગાઈ: કંપનીના બે ડિરેક્ટર સહિત ત્રણની ધરપકડ

થાણે: રાજ્યના અલગ અલગ શહેરોના 300થી વધુ રોકાણકારો સાથે 26 કરોડ રૂપિયાની કથિત ઠગાઈ કરવા પ્રકરણે નવી મુંબઈ પોલીસે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કંપનીના બે ડિરેક્ટર સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી.
રોકાણકારોની ફરિયાદને આધારે એપીએમસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે શુક્રવારે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કંપનીના ડિરેક્ટર્સ નીતિન પાર્ટે અને દીપક સુર્વે તેમ જ મૅનેજમેન્ટ સાથે સંકળાયેલા સચિન ભીસેની ધરપકડ કરી હતી. ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીની શોધ ચલાવાઈ રહી છે, એમ આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર નીલેશકુમાર મહાડિકે જણાવ્યું હતું.
આરોપીઓએ માર્ચ, 2022થી રોકાણકારો પાસેથી રૂપિયા પડાવ્યા હતા. ખેડૂતો પાસેથી મસાલા અને ડ્રાય ફ્રૂટ્સની સીધી ખરીદી કરી તેની નિકાસ કરવાનો વ્યવસાય ધરાવતા હોવાનો દાવો આરોપીઓએ કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
પોતાના વ્યવસાયમાં રોકાણ કરેલી રકમ પર મહિને પાંચ ટકા વ્યાજ ચૂકવવાની લાલચ આરોપીએ આપી હતી. ઉપરાંત, રોકાણકારોની મૂડી 11 મહિનામાં પરત કરવાની ખાતરી પણ આપી હતી.
આરોપીઓની કંપનીમાં રાજ્યના 300થી વધુ લોકોએ નાણાં રોક્યાં હતાં. આરોપીઓ રોકાણકારોનાં નાણાં પાછાં આપવામાં નિષ્ફળ ગયા હતા. એ સિવાય તેમણે આપેલા ચેક બૅન્કમાં બાઉન્સ થયા હતા. પોતે છેતરાયા હોવાની જાણ થતાં રોકાણકારોએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. (પીટીઆઈ)