1993નાં રમખાણોના કેસનો ફરાર આરોપી 32 વર્ષે પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં 1993માં થયેલાં કોમી રમખાણોના કેસમાં 32 વર્ષથી ફરાર આરોપીને પોલીસે આખરે વડાલા પરિસરમાંથી પકડી પાડ્યો હતો.
વડાલા પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ આરીફ અલી હશમુલ્લા ખાન (54) તરીકે થઈ હતી. શનિવારે પકડાયેલા આરોપી ખાનને કોર્ટે અદાલતી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
આપણ વાંચો: પહલગામના આતંકવાદીઓ કોમી રમખાણો કરાવવા માગતા હતા, લોકોએ એક રહેવું જોઈએ: ભુજબળ
1993નાં કોમી રમખાણો બાદ ખાન વિરુદ્ધ વડાલા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી ખાનને કોર્ટમાં હાજર રહેવાની નોટિસ બજાવાઈ હતી. જોકે ખાન સુનાવણી દરમિયાન હાજર થતો નહોતો. પરિણામે કોર્ટે તેને ફરાર જાહેર કર્યો હતો.
છેલ્લાં 32 વર્ષથી ખાન સંતાતો ફરતો હતો. તાજેતરમાં વરિષ્ઠ પોલીસ અધિકારી દ્વારા ફરાર આરોપીઓને શોધી કાઢવાની ઝુંબેશ હાથ ધરવાનો આદેશ અપાયો હતો. વડાલા પોલીસે પણ ખાનની શોધ હાથ ધરી હતી.
પોલીસની ટીમ ખાનના ઉત્તર પ્રદેશ સ્થિત ગામે ગઈ હતી. ત્યાંથી મળેલી માહિતીને આધારે છેલ્લા કેટલાક દિવસથી પોલીસની ટીમ એન્ટોપ હિલ અને દિનબંધુ નગર ખાતે ખાનની શોધ ચલાવી રહી હતી. આખરે શનિવારે દિનબંધુ નગર ખાતેથી ખાન હાથ લાગ્યો હતો.