1993 મુંબઈ બ્લાસ્ટ: આરોપી ટાઈગર મેમણ અને પરિવારની કરોડોની મિલકતોની હરાજી ટૂંક સમયમાં થશે…

મુંબઈઃ 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આરોપી ટાઈગર મેમણ અને તેના પરિવારની માલિકીની મિલકતો, ટૂંક સમયમાં હરાજી થવાની તૈયારીમાં છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ (ફોર્ફિચર એન્ડ પ્રોપર્ટી) એક્ટ ઓથોરિટી (SAFEMA)ને અહીંની ખાસ ટાડા કોર્ટમાંથી ટાઇગર મેમણ અને તેના પરિવારના સભ્યોની માલિકીની 17 મિલકતની વિગતો મળી હતી.
આમાંથી, SAFEMA એ આઠ મિલકતનો કબજો લીધો છે, જેમાં મધ્ય મુંબઈના માહિમમાં અલ હુસૈની બિલ્ડિંગમાં પાંચમા અને છઠ્ઠા માળે ત્રણ ફ્લેટનો સમાવેશ થાય છે, જ્યાં ટાઇગર મેમણ, તેના પાંચ ભાઈઓ અને તેમની માતા સહિત મેમણ પરિવાર એક સમયે રહેતો હતો.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) મુજબ કાવતરું ઘડવાની એક બેઠક મેમણ પરિવારના આ ફ્લેટમાં યોજાઈ હતી. અધિકારીએ જણાવ્યું હતું કે પરિવારની અન્ય ચાર મિલકતો પર કેસ ચાલી રહ્યા છે, જ્યારે પાંચ મિલકતોનો કબજો લેવાની પ્રક્રિયા ચાલી રહી છે.
કેન્દ્ર સરકારના અધિકારીઓ જપ્ત કરાયેલી આઠ મિલકતોનું મૂલ્યાંકન કરાવી રહ્યા છે. કાનૂની ઔપચારિકતાઓ ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, અને તેમની હરાજી પ્રક્રિયા ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં શરૂ થઈ શકે છે, અધિકારીએ જણાવ્યું હતું.
34 વર્ષ પહેલાં બ્લાસ્ટમાં ટાઇગર મેમણ અને તેના પરિવારના સભ્યોની ભૂમિકા પ્રકાશમાં આવ્યા બાદ કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા જપ્ત કરાયેલા આ ફ્લેટ એપ્રિલમાં ખોલવામાં આવ્યા હતા. મેમણની અન્ય મિલકતોમાં ઉપનગરીય વાકોલાના કોલે કલ્યાણ વિસ્તારમાં 10,000 ચોરસ મીટરનો જમીનનો ટુકડો છે, જેની કિંમત આશરે 400 કરોડ રૂપિયા છે. SAFEMAને હજુ સુધી આ જમીનનો કબજો મળ્યો નથી. તેના પર અતિક્રમણ કરવામાં આવ્યું છે અને તેની બાજુમાં બે ઇમારતો છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, દક્ષિણ મુંબઈના ઝવેરી બજાર વિસ્તારમાં બીજી મિલકતનો કબજો મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. SAFEMAને કબજો મળ્યા પછી બાંદ્રામાં એક ફ્લેટ અને કુર્લાના કાપડિયા નગરમાં બે ફ્લેટ પણ વેચાશે. આ ઉપરાંત, દક્ષિણ મુંબઈના મનીષ માર્કેટમાં ચાર દુકાનો છે, જેની સંયુક્ત માલિકી ટાઇગર મેમણ અને મોહમ્મદ ડોસાની છે, અધિકારીએ ઉમેર્યું હતું કે ટાડા કોર્ટના SAFEMA ને સોંપવાના આદેશ સામેની અપીલ કોર્ટમાં પેન્ડિંગ છે.

12 માર્ચ, 1993ના મુંબઈમાં 12 સ્થળોએ થયેલા વિસ્ફોટો બાદથી ફરાર ટાઈગર મેમણ પાકિસ્તાનમાં હોવાનું માનવામાં આવે છે. આ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 257 લોકો માર્યા ગયા હતા. તેના એક ભાઈ યાકુબ મેમણને 2015 માં કાવતરામાં ભૂમિકા બદલ ફાંસી આપવામાં આવી હતી, જ્યારે પરિવારના અન્ય સભ્યોને ખાસ આતંકવાદી અને વિક્ષેપકારક પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (ટાડા) કોર્ટે અલગ અલગ જેલની સજા ફટકારી હતી.
(પીટીઆઈ)



