આમચી મુંબઈમહારાષ્ટ્ર

2024ની ચૂંટણીમાં 1900ની ‘મુસ્લિમ લીગ’નું રાજકારણ પહેલા મોદી અને પછી કૉંગ્રેસે મુસ્લિમ લીગનો કર્યો ઉલ્લેખ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાવાની સાથે જ બધા જ પક્ષો દ્વારા પ્રચારનું બ્યૂગલ પણ વગાડી દેવામાં આવ્યું છે અને ઠેર ઠેર રાજકીય પક્ષો દ્વારા રેલીઓ અને પ્રચાર સભાઓ યોજવામાં આવી રહી છે. જોકે, મહારાષ્ટ્રમાં આ ચૂંટણી દરમિયાન એક નવો અને ચોંકાવનારો મુદ્દો ગાજી રહ્યો છે. આ મુદ્દો છે ‘મુસ્લિમ લીગ’નો. 1947માં ભારતના ભાગલા પડ્યા અને પાકિસ્તાનનો જન્મ થયો તેમાં પ્રમુખ ભૂમિકા ભજવનારી મુસ્લિમ લીગનું નામ મહારાષ્ટ્રમાં ખૂબ ચર્ચાઇ રહ્યું છે.

સૌપ્રથમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રપુરમાં પ્રચાર માટે આવ્યા ત્યારે તેમણે મુસ્લિમ લીગનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કૉંગ્રેસની સરખામણી મુસ્લિમ લીગ સાથે કરતા કહ્યું હતું કે કૉંગ્રેસ મુસ્લિમ લીગની ભાષા બોલી રહી છે. મુસ્લિમ લીગે જે રીતે ભારતનું વિભાજન કર્યું તે જ રીતે કૉંગ્રેસ પણ વિભાજનની વાત કરતું હોવાનું કહી મોદીએ કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. કૉંગ્રેસના જાહેરનામ પર મુસ્લિમ લીગની છાપ હોવાનું પણ મોદીએ કહ્યું હતું.

મોદીના નિવેદન બાદ મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ જનસંઘના સંસ્થાપક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી મુસ્લિમ લીગ સાથે કામ કરતા હોવાનો આરોપ કરતા કહ્યું હતું કે 1942માં જ્યારે આખા ભારતમાં અંગે્રજો વિરુદ્ધ ભારત છોડો આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે બંગાળ, સિંધ અને વાયવ્ય ભાગોના પ્રાંતમાં મુસ્લિમ લીગની મદદથી શ્યામાપ્રસાદ મુખર્જી સમાંતર સરકાર ચલાવી રહ્યા હતા અને લોકોને ભારત છોડો આંદોલનમાં સહભાગી ન થવા માટે પ્રચાર કરી રહ્યા હતા.
2024ની ચૂંટણીમાં 1906માં સ્થપાયેલી અને ભારતના ભાગલા બાદ 1947માં બરખાસ્ત થઇ ગયેલી મુસ્લિમ લીગની ચર્ચા થઇ રહી છે તે ઘણા જ અચરજની બાબત છે.

આપણ વાંચો: ગુડી પડવાની ઉજવણી વખતે મહારાષ્ટ્રના સીએમે આપ્યું મોટું નિવેદન, ચોથી જૂને…

જોકે, વાત અહીં જ અટકી નહીં. કૉંગ્રેસે જનસંઘના સંસ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જી પર કરેલા આરોપ બાદ ભાજપે પણ પલટવાર કરતા કૉંગ્રેસને ઇતિહાસનું પૂરતું જ્ઞાન લઇ નિવેદનો આપવાની સલાહ આપી છે.

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ માધવ ભંડારીએ કૉંગ્રેસને સાચો ઇતિહાસ જાણવાની સલાહ આપતા કહ્યું હતું કે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ મુસ્લિમ લીગ અને કૉંગ્રેસને સત્તામાં આવતા રોકવા માટે ફઝલૂલ હક કૃષક પ્રજા પાર્ટી સાથે હાથ મિલાવ્યા હતા. આ સિવાય તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝના ફોરવર્ડ બ્લોક સાથે પણ જોડાણ કર્યું હતું, જેથી મુસ્લિમ લીગ અને કૉંગ્રેસ સત્તામાં ન આવે. જેમની સાથે શ્યામાપ્રસાદ મુખર્જીએ જોડાણ કર્યું હતું કે કૃષક પ્રજા પાર્ટીના ફઝલૂલ હક તે સમાજવાદી વિચારધારા ધરાવનારા અને મુસ્લિમ લીગના કટ્ટર વિરોધી હતી. એટલે પહેલા પટોલેએ સાચો ઇતિહાસ જાણવો જોઇએ, એમ કહેતા ભંડારીએ કૉંગ્રેસ પર પલટવાર કર્યો હતો.

હવે મુસ્લિમ લીગનું નામ મહારાષ્ટ્રના રાજકારણમાં અને આ ચૂંટણી દરમિયાન કેટલું ઉછળે છે તે જોવું રહ્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button