બોગસ વિજ્ઞાની પાસેથી 14 નકશા અને ન્યૂક્લિયર બૉમ્બની માહિતી મળી આવી! | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

બોગસ વિજ્ઞાની પાસેથી 14 નકશા અને ન્યૂક્લિયર બૉમ્બની માહિતી મળી આવી!

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર (બીએઆરસી)નો વિજ્ઞાની હોવાનો દાવો કરનારા શકમંદના ઘરની તપાસમાં પોલીસને મળેલા દસ્તાવેજોથી પોલીસને પણ આંચકો લાગ્યો હતો. આરોપી પાસેથી અતિસંવેદનશીલ અને પ્રતિબંધિત પરિસરના 14 નકશા અને ન્યૂક્લિયર બૉમ્બની માહિતી સંબંધી દસ્તાવેજો મળી આવ્યા હતા. તેના મોબાઈલ ફોનમાં પણ વાંધાજનક દસ્તાવેજો સ્ટોર કરી રાખવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી)ની માહિતીને આધારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ છેલ્લા અમુક દિવસોથી બીએઆરસીના કથિત વિજ્ઞાની અખ્તર કુતુબુદ્દીન હુસેની પર નજર રાખી રહી હતી. તપાસ દરમિયાન મળેલા પુરાવાને આધારે ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટે (સીઆઈયુ) શુક્રવારે હુસેનીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી અતિસંવેદનશીલ માહિતીને લગતા દસ્તાવેજો મળી આવ્યા હોવાથી આઈબી સહિત નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) પણ તેની પૂછપરછ કરી રહી છે.

સીઆઈયુની ટીમે અંધેરીના વર્સોવા સ્થિત યારી રોડ પર આવેલા હુસેનીના ઘરે સર્ચ હાથ ધરી હતી. ઘરમાંથી અલગ અલગ નામના ત્રણ પાસપોર્ટ, પૅન કાર્ડ, ત્રણ મોબાઈલ ફોન, બોગસ આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ સહિત અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. આરોપી પાસેથી બીએઆરસીના આઈડી કાર્ડ જેવા આબેહૂબ દેખાતાં બે આઈડી કાર્ડ મળી આવ્યાં હતાં, જેમાંથી એક આઈડી કાર્ડ પર અલી રઝા હુસેની નામ હતું અને તસવીર આરોપીની હતી.

આરોપી આઈડી કાર્ડનો ઉપયોગ કરીને બીએઆરસીમાં પ્રવેશ્યો હતો કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. બોગસ આઈડી કાર્ડ બનાવવા પાછળ આરોપીનો શો હેતુ હતો તે હજુ સ્પષ્ટ થયો ન હોવાથી આરોપીની પૂછપરછ ચાલી રહી હોવાનું અધિકારીનું કહેવું છે.

આરોપીના એક મોબાઈલ ફોનમાંથી 64 જીબી ક્ષમતાનું મેમરી કાર્ડ મળી આવ્યું હતું, જેમાં અનેક વાંધાજનક દસ્તાવેજો હોવાનો દાવો પોલીસે કર્યો હતો. આરોપીના મોબાઈલ ફોનમાં ન્યૂક્લિયર બૉમ્બની ઈન્ફર્મેશનને લગતા દસ્તાવેજો મળ્યા હતા. એ સિવાય 14 નકશાના પ્રિન્ટઆઉટ તેણે અંધેરીની એક દુકાનમાંથી કઢાવ્યા હતા. આ નકશા અતિસંવેદનશીલ અને પ્રતિબંધિત વિસ્તારના હોવાનું કહેવાય છે. આ નકશા તેણે ક્યાંથી અને કઈ રીતે પ્રાપ્ત કર્યા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આરોપી અગાઉ અનેક વાર વિદેશ પ્રવાસે જઈ આવ્યો છે. એક વાર દુબઈ પોલીસે તેની ધરપકડ સુધ્ધાં કરી હતી. બાદમાં તેને ભારતમાં ડિપોર્ટ કરાયો હતો. તેણે વિદેશી નાગરિકોને ભારતની ગુપ્ત માહિતી પહોંચી હોવાની શક્યતા પોલીસ તપાસી રહી છે. આ માટે તેણે ગુપ્ત આર્થિક વ્યવહાર કર્યા છે કે તેને કોઈ મદદ પહોંચાડાઈ છે તેની તપાસ કરવા પોલીસ આરોપી અને તેના પરિવારજનોનાં બૅન્ક ખાતાંની વિગતો મેળવી રહી છે.

ઑફિશિયલ સિક્રેટ ઍક્ટ હેઠળ હુસેનીની અગાઉ યુપી પોલીસે ધરપકડ કરી હતી
ભારતીય ન્યૂક્લિયર સિક્રેટ્સ વેચવાના આરોપસર દુબઈ પોલીસે પકડીને 2004માં ભારતમાં ડિપોર્ટ કરેલો આરોપી અખ્તર હુસેની વારંવાર આવા પ્રકારનો ગુનો આચરતો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. અગાઉ યુપી પોલીસે પણ તેની ધરપકડ કરી હતી. યુપીના મેરઠમાં કંકરખેડા પોલીસ સ્ટેશનમાં તેની સામે સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવું, સરકાર વિરુદ્ધ દ્વેષભાવ, તિસ્કાર અને અસંતોષ નિર્માણ કરવા સહિત ઑફિશિયલ સિક્રેટ ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. એ કેસમાં યુપી પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. બાદમાં જામીન પર છૂટીને તે યુપીથી ફરાર થઈ ગયો હતો.

જામીન પર છૂટ્યા પછી આરોપી ફરી એવી જ પ્રવૃત્તિમાં જોતરાયો હોવાનું જણાતાં તે અતિશય ગંભીર બાબત હોવાનું પોલીસનું કહેવું છે. તેની પાસેથી રાંચી યુનિવર્સિટી, ઓરિસા યુનિવર્સિટી તેમ જ અન્ય યુનિવર્સિટીનાં વિવિધ કોસ કર્યાનાં સર્ટિફિકેટ મળ્યાં હતાં. એ સિવાય બોગસ પાસપોર્ટનો પણ તેની વિરુદ્ધ ગુનો હોવાનું કહેવાય છે.

આપણ વાંચો:  નાહુર બર્ડ પાર્ક માટેના ટેન્ડરને મુદત વધારો

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button