મુંબઈમાં દરરોજ 1350થી વધુ લોકોને કરડે છે શ્વાન, વિધાન પરિષદમાં આપવામાં આવી માહિતી

મુંબઈ: શ્વાનનો આતંક મોટાભાગના રાજ્યમાં જોવા મળી રહ્યો છે. જેને લઈને નાગરિકોનો જીવ જોખમમાં મૂકાઈ રહ્યો છે. વર્ષ 2024માં મહારાષ્ટ્રમાં 1,28,000થી વધારે લોકો શ્વાન કરડવાનો શિકાર બન્યા છે. જેથી નાગરિકોની સુરક્ષાનો સવાલ ઊભો થયો છે. જેને લઈને મહારાષ્ટ્રની વિધાન પરિષદમાં કેટલાક વિધાન સભ્યોએ ચિંતા વ્યક્ત કરી છે.
મુંબઈમાં ઘટી શ્વાનની સંખ્યા
મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિધાન પરિષદના સભ્યો સુનીલ શિંદે, વસંત ખંડેલવાલ, સંદીપ જોશી સહિતના અનેક સભ્યોએ શ્વાન કરડવાના વધતા કેસનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેને લઈને જવાબ આપતા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિધાન પરિષદમાં જણાવ્યું હતું કે, 2014માં મુંબઈમાં રખડતા શ્વાનની સંખ્યા 95,172 હતી. જે 2024માં ઘટીને 90, 757 થઈ ગઈ છે. એક તરફ શ્વાનની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ બીજી તરફ શ્વાન કરડવાના કિસ્સાઓમાં થઈ રહેલો વધારો ચિંતાનો વિષય બન્યો છે.
શ્વાનની વસ્તી કંટ્રોલ કરવાના કાર્યક્રમો
નાયબ મુખ્ય પ્રધાને આગળ જણાવ્યું હતું કે, શ્વાનની વસ્તીને કંટ્રોલ કરવા માટે નસબંધી, રસીકરણ અનને રેબીઝ ઉન્મૂલન જેવા કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. આ સિવાય નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે એક સ્વતંત્ર ઓનલાઇન પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે.
રેબીઝના કારણે 3 વર્ષમાં 30 લોકોનું મોત
એકનાથ શિંદેએ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, “છેલ્લા છ વર્ષોમાં મહારાષ્ટ્રમાં શ્વાન કરડવાના 30 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. તેની સરેરાશ કાઢીએ તો દરરોજ 1,369 લોકો શ્વાન કરડવાનો શિકાર બની રહ્યા છે. 2021થી 2023 દરમિયાન રેબીઝના કારણે 30 લોકોનું મૃત્યુ થયું છે.
આ પણ વાંચો…માંગરોળમાં એક સાથે દસ લોકો અને વીસ પશુઓને કરડી ગયો એક શ્વાન…



