ડોમ્બિવલીમાં મુશળધાર વરસાદ:ગટરમાં પડી ગયેલા સગીરનું મૃત્યુ…

થાણે: થાણે જિલ્લામાં ધોધમાર વરસી રહેલા વરસાદને કારણે મિત્રો સાથે રમતા 13 વર્ષના સગીરનું ગટરમાં તણાઈ જવાથી મૃત્યુ થયું હોવાની ઘટના ડોમ્બિવલીમાં બની હતી. ડોમ્બિવલીના દેવીચા પાડા ખાતે જગદંબા માતા વિસ્તારમાં રવિવારની રાતે આ કરુણ ઘટના બની હતી.
સગીરના મૃત્યુને પગલે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો અને તેમણે કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના અધિકારીઓ વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવાની માગણી કરી હતી. વિષ્ણુનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રામચંદ્ર ચોપડેએ જણાવ્યું હતું કે સગીરની ઓળખ આયુષ કદમ તરીકે થઈ હતી.
રાતે 10.30 વાગ્યાની આસપાસ બાળક ગટરમાં પડી ગયો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતી મળતાં જ અધિકારીઓની ટીમ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાતમા ધોરણમાં ભણતો આયુષ મિત્રો સાથે ભર વરસાદમાં રમતો હતો ત્યારે તેનો પગ લપસ્યો હતો.
ખૂલી ચૅમ્બરમાં પડેલો આયુષ મોટી ગટરમાં તણાઈ ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે પાણીના વહેણ આગળ જાળી લગાવી હતી અને આયુષની શોધખોળ શરૂ કરી હતી. લગભગ કલાકની જહેમત પછી તેનો મૃતદેહ મળ્યો હતો.
મૃત્યુને પગલે રહેવાસીઓમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો.
આ ઘટનામાં પાલિકાની બેદરકારી હોવાનો આરોપ રહેવાસીઓએ કર્યો હતો. ચૅમ્બરને યોગ્ય રીતે બંધ કરવામાં પાલિકાના અધિકારીઓ નિષ્ફળ ગતા હતા, જેને પગલે સગીરે જીવ ગુમાવ્યો હતો, એવું કહીને રહેવાસીઓએ અધિકારીઓ વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવાની માગણી કરી હતી. (પીટીઆઈ)
આ પણ વાંચો…મુંબઈના દરિયાકિનારા પર લાઈફગાર્ડની સંખ્યા વધારાશે