નોકરીની લાલચે યુવતી પાસેથી 12.65 લાખ રૂપિયા પડાવ્યા

રૂપિયા પાછા માગનારી યુવતીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હૅક કરી અશ્ર્લીલ મેસેજ મોકલાવ્યા
થાણે: સરકારી ખાતામાં નોકરી અપાવવાની લાલચે નવી મુંબઈની યુવતી પાસેથી 12.65 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. નોકરી ન મળતાં રૂપિયા પાછા માગનારી યુવતીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હૅક કરી યુવકે વાંધાજનક મેસેજ મોકલાવ્યા હતા.
એપીએમસી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે તુર્ભેગાંવમાં રહેતી 25 વર્ષની યુવતીને સરકારી નોકરી અપાવવાની લાલચ 20 વર્ષના યુવકે આપી હતી. જુલાઈ, 2021થી આરોપીએ યુવતી પાસેથી 12.65 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ તેને નોકરી અપાવી નહોતી.
આ પણ વાંચો: આકર્ષક વળતરની લાલચે વ્યવસાયિક સાથે 21 કરોડ રૂપિયાની છેતરપિંડી
ફરિયાદમાં જણાવાયું હતું કે નોકરી ન મળતાં યુવતીએ રૂપિયા પાછા માગ્યા હતા. નાણાં પાછાં આપવાને બદલે આરોપીએ આત્મહત્યા કરી લેવાની અને તેના માટે યુવતીને જવાબદાર ઠેરવવાની ધમકી આપી હતી. બાદામાં યુવતીના પરિવારના સભ્યોને નુકસાન પહોંચાડવાની ધમકી પણ આરોપીએ આપી હતી.
આરોપીએ યુવતીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હૅક કરી વાંધાજનક મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું, એવું ફરિયાદમાં જણાવાયું હતું. કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)