નવી મુંબઈમાં 11 નાઇજીરિયન પકડાયા: રૂ. 1.61 કરોડનું ડ્રગ્સ જપ્ત
થાણે: નવી મુંબઈમાં ડ્રગ્સની તસ્કરીમાં સંડોવાયેલા 11 નાઇજીરિયનને પોલીસે પકડી પાડીને રૂ. 1.61 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. વાશીના કોપરીગાંવમાં રહેતા કેટલાક નાઇજીરિયન ડ્રગ્સનું રેકેટ ચલાવતા હોવાની માહિતી મળ્યા બાદ એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલના અધિકારીઓએ શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે ત્યાં રેઇડ પાડી હતી, જે સાંજે સાત વાગ્યા સુધી ચાલી હતી.
પોલીસે આ કાર્યવાહી દરમિયાન 30થી 50 વર્ષની વયના 11 નાઇજીરિયનને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી કોકેઇન, મેફેડ્રોન અને એમડીએમએ ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
ઝડપાયેલા તમામ નાઇજીરિયન વિરુદ્ધ એપીએમસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી ડ્રગ્સ ઉપરાંત મોબાઇલ સહિત રૂ. 25 લાખની મતા પણ જપ્ત કરાઇ હતી. (પીટીઆઇ)