ફોકસઃ મહિલા સેનાનીઓને સિનેમામાં કેટલાં મળ્યાં ન્યાય-અન્યાય…

ડી. જે. નંદન
ફિલ્મોમાં જયારે પણ સ્વતંત્રતા સંગ્રામની વાત આવે ત્યારે મહાત્મા ગાંધી, ભગત સિંહ, સુભાષ ચંદ્ર બોઝ, વેલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુ જેવા પુરુષો જ આપણી આંખ સામે તરવરવા લાગે છે. સ્કૂલનાં પુસ્તકોથી માંડીને સિલ્વર સ્ક્રીન પર આ જ પાત્રોને વર્ણવવામાં આવે છે.
આવે વખતે એક સવાલ જરૂર જાગે કે સ્વતંત્રતા સંગ્રામમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારી મહિલાઓ પ્રત્યે કેમ ઓરમાયું વર્તન રાખવામાં આવ્યું છે?
ભારતીય સ્વતંત્રતા સંગ્રામ પર નજર નાખીએ તો માત્ર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું પાત્ર જ દેખાય છે. જોકે સેંકડો સ્ત્રીઓએ આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો. ઉદાહરણ તરીકે ભીકાજી કામા, કસ્તુરબા ગાંધી, અરુણા આસફ અલી, ઉદા દેવી, દુર્ગા ભાભી, પ્રિતિલતા વાદ્દેદાર, કમલા નહેરુ, માતંગીની હાજરા, બેગમ હજરત મહલ, સરોજિની દેવી નાયડુ. એમનાં પર કોઈ ફિલ્મો જ બની નથી !
આપણ વાંચો: રેવંત રેડ્ડીએ નિભાવ્યું વચન, તેલંગાણાની મહિલાઓ આજથી બસમાં મફત મુસાફરી કરી શકશે
સવાલ એ છે કે ક્યાં ગઈ એ મહિલાઓ?
હા, આ મહિલા સ્વતંત્રતા સેનાની પર જે ફિલ્મો બની છે એ આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે: ઝાંસીની રાણી કે પછી ‘મણિકર્ણિકા’ જેવી ફિલ્મો રાણી લક્ષ્મીબાઈ પર બની છે તો ’બેગમજાન’ અથવા તો ‘રાઝી’ જેવી ફિલ્મો આઝાદીની લડાઈમાં પ્રત્યક્ષ કે પરોક્ષ યોગદાન આપનાર મહિલાઓ પર બની છે.
1953માં સોહરાબ મોદીના દિગ્દર્શનમાં મીના કુમારીએ ઝાંસીની રાણીનું જે પાત્ર ભજવ્યું હતું એ ઐતિહાસિક હતું. બાદમાં બનેલી ‘મણિકર્ણિકા’ કે એના જેવી ફિલ્મોમાં વાસ્તવિક કથાઓ ઓછી અને કાલ્પનિક કથા વધુ ઉમેરવામાં આવી હતી.
એ જ રીતે, વર્ષ 2018માં આવેલી ‘રાઝી’ ફિલ્મ વાસ્તવમાં તો 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે.
વાસ્તવિક કથા અને ફિલ્મની સ્ટોરીમાં જમીન-આસમાનનો ફરક છે. આપણે 1857-1947 સુધીના આઝાદીની જંગ પર નજર દોડાવીએ તો એમાં ભાગ લેનારી મહિલાઓની જેટલી સંખ્યા છે એની સરખામણીએ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 1 ટકા જેટલો પણ એમનો ઉલ્લેખ નથી.
આપણ વાંચો: દેશ ભલે 1947માં આઝાદ થયો, પણ યુપીનો આ જિલ્લો તો 1942માં જ આઝાદ થઈ ગયો હતો…
મહિલા નેતૃત્વની આવી ઉપેક્ષા કેમ ?
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આઝાદીની જંગને ખૂબ સન્માન આપવામાં આવે છે. જોકે સમસ્યા એ છે કે માત્ર પુરુષ નાયકો પર જ વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. ફિલ્મ 1965ની ’શહીદ’ હોય કે પછી 1982ની ઓસ્કર જીતનારી ‘ગાંધી’ હોય. 2002માં આવેલી ’ધ લીજેન્ડ ઓફ ભગત સિંહ’ હોય કે પછી 2004માં આવેલી ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝ: ધ ફોરગટન હીરો’ હોય.
આશ્ચર્યની વાત એ છે કે ડિરેક્ટર હોય કે પ્રોડ્યૂસર હોય, એમણે હંમેશાં પુરુષ નાયક વિષે જ વિચાર્યું છે. ફિલ્મ ‘ગાંધી’માં પણ કસ્તુરબા ગાંધીનો ઉલ્લેખ કરી શકાયો હોત. ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝ’માં પણ સશક્ત પાત્રોનો ઉમેરો થઇ શક્યો હોત. ખબર નહિ કેમ, ફિલ્મમેકરે જયારે પણ આવી ફિલ્મો બનાવી એમણે પુરુષ પાત્રોને જ મહત્ત્વ આપ્યું.
જોકે, ‘ધ લીજેન્ડ ઓફ ભગત સિંહ’ માં દુર્ગા ભાભીને પણ સ્થાન આપ્યું હોત કે જેમણે વેશ બદલીને ભગત સિંહને બચાવ્યા હતા તો એમની ભૂમિકા વિશે પણ લોકોને જાણ થાત.
વિદેશમાં પહેલી વખત ભારતીય ઝંડો લહેરાવનાર ભીકાજી હોય કે પછી ભારતની આઝાદીમાં અગત્યની ભૂમિકા ભજવનારા અરુણા આસફ અલી હોય… એમનાં પાત્રોને પણ ફિલ્મોમાં સ્થાન મળ્યું હોત તો વાત કંઈક બનત …. અહીં એક વાત તો નક્કી જ છે કે બોલિવૂડથી આ એક ભૂલ થઇ છે.
આપણ વાંચો: 76th Republic Day: વડા પ્રધાન મોદીએ શુભેચ્છાઓ પાઠવી, મલ્લિકાર્જુન ખડગેએ પણ આપ્યો સંદેશ…
આઝાદીની જંગમાં સક્રિય રીતે ભાગ લેનારી મહિલા સ્વતંત્રતા સેનાનીઓ પર ભારતીય ફિલ્મ ઉદ્યોગની દ્રષ્ટિ કેમ ન પડી એનું કદાચ એ પણ કારણ હોય શકે કે ભારતીય ફિલ્મ ઉદ્યોગ પુરુષ પ્રધાન ઉદ્યોગ છે. અત્યાર સુધી વધુમાં વધુ નિર્માતા- દિગ્દર્શક પુરુષો જ રહ્યા છે, કદાચ કોઈનો એવો કોઈ ઈરાદો ન હોવા છતાં એમનું ધ્યાન મહિલા સ્વતંત્રતા સેનાનીઓ તરફ ગયું નહીં.
એક કારણ એ પણ હોઈ શકે છે કે સ્વતંત્રતા સંગ્રામમાં મહિલા સેનાનીઓની ભૂમિકા સંગઠિત, સંયમિત અને અહિંસક રહી હતી, જ્યારે આઝાદીની લડાઈમાં મોટાભાગની પ્રવૃત્તિઓના નિર્ણયકર્તા પુરુષો જ રહ્યા છે. એટલે કદાચ ફિલ્મ ઉદ્યોગે માની લીધું હશે કે નેતૃત્વ તો ફક્ત પુરુષોનું જ હશે.
ફિલ્મને એક મસાલેદાર, આક્રમક અને એક્શન પ્રધાન હીરો જ સુટ થતો હોય છે એટલે ન ચાહતા પણ ફિલ્મ ઉદ્યોગે મહિલા સ્વતંત્રતા સેનાનીઓની અવગણના કરી. નિર્માતા-દિગ્દર્શક એવું પણ માનતા હશે કે મહિલા પાત્રો પર બનેલી ફિલ્મ કમાઈ નહીં કરી શકે.
આપણ વાંચો: ગાંધીનું આગમન: મારા વિરોધની શરૂઆત
જો કે, ફિલ્મ કંગના રનૌટ ફિલમ ‘ મણિકર્ણીકા’ એ અમુક અંશે આ ભ્રમ તોડી નાંખ્યો છે, પણ એનું એક મોટું કારણ એ પણ દેખાય છે કે આપણા દસ્તાવેજી સાહિત્યએ મહિલા સેનાનીઓને બીજા ક્રમના સેનાનીના રૂપમાં દાખવ્યા છે.
ભવિષ્યમાં શું ?
જોકે હવે ઇતિહાસને જોવાનો દ્રષ્ટિકોણ પણ ધીમે ધીમે બદલાઈ રહ્યો છે. આવા માહોલમાં આગામી સમયમાં ‘મણિકર્ણિકા’ જેવી વધુ ફિલ્મો રિલીઝ થવાની અપેક્ષા છે.
બીજી તરફ, આવી સાહિસકતા વેબ સિરીઝમાં પણ જોવા મળી છે. ‘ધ ફોરગોટન આર્મી ’માં ‘આઝાદ હિંદ ફોજ’ ની મહિલા સ્વતંત્રતી સેનાની માતંગિની હાજરા, કેપ્ટન લક્ષ્મી સેહગલ, કમલા ચટ્ટોપાધ્યાય અને સુચેતા કૃપલાણી જેવા નામોનો ઉલ્લેખ સુદ્ધાં ન થાય એ દુ:ખદ છે, પરંતુ આશા રાખીએ કે નિર્માતાઓની નવી પેઢી આવી ભૂલોનું પુનરાવર્તન નહીં કરે અને હિંમતવાન સ્ત્રી પાત્રોવાળા વિષયો વધુ પસંદ કરશે. સરકાર અને ફિલ્મ ઉદ્યોગે પણ આ તરફ ધ્યાન આપવું જોઈએ અને આ ભેદભાવ આઝાદીની 78મી શતાબ્દી પૂર્ણ થાય ત્યાં સુધીમાં પૂર્ણ થવો જોઈએ.