જ્યાં સ્નેહ છે ત્યાં સંકડાશ નથી ને સ્વાર્થ છે ત્યાં મોકળાશ નથી…
રસિક દવે, અરવિંદ વેકરિયા અને પ્રતાપ સચદેવ

- અરવિંદ વેકરિયા
થોડાં શિલિંગ ખિસ્સામાં આવતાં ત્રણેયને થોડી રાહત મળી જ ગઈ. ખાસ તો એસ.ટી.ડી.ની ચુકવણી સહેલાઈથી કરી શકતાં. વિચાર્યું કે ખિસ્સું ખાલી થશે ત્યારે ‘એડવાન્સ’ની ટહેલ નાખીશું.
પહેલો શો ‘થિયેટર ઓફ કેનિયા’માં હતો જેમાં પહેલું નાટક હતું અને એમાં હું હતો એટલે સ્વાભાવિક રોમાંચ અને ઉત્સાહ રહેવાનો જ.
વિદેશી તખ્તે અમારી ત્રિપુટી પહેલીવાર મંચન કરવાની હતી. નાટકની તૈયારી સરસ જ હતી. અમારી ક્ષમતા તો હતી, પણ સિદ્ધાર્થની કામ કઢાવવાની લઢણ પણ સારી હતી. એ કાબેલિયતે આજે એને સફળ પુરવાર કરી દીધો છે. આત્મવિશ્વાસ- સંઘર્ષ અને દ્રઢતા, આ ત્રણે સાથે હોય તો એ જીવનની દરેક હરીફાઈ જીતવાનું સૂત્ર બની રહે છે.
થિયેટર પહોંચ્યાં. આજુબાજુનું વાતાવરણ, આવેલી ઓફિસો અને હોટલ્સ વગેરે બહુ સુંદર હતું. મુંબઈ કરતાં બધું નવું-નવું લાગતું હતું. ચોખ્ખાઈ પણ અદ્ભુત હતી. હું માવો ખાવાવાળો. થૂંકવાનું મન ન થાય એવાં અરીસા જેવાં રસ્તાઓ હતાં. હા, ‘ગાર્બેજ’ (કચરા પેટી) ત્યાં થોડાં થોડાં અંતરે હતી એટલે મોઢામાં ભરાઈ આવતો માવાનો ડૂચો આવતાં હું ગાર્બેજમાં ‘સ્વાહા’ કરી શકતો. મુંબઈમાં આવી કચરા પેટી હોય છે, પણ ક્યાં અને ક્યારે દેખાશે એ નક્કી નથી હોતું એટલે જ તંબાકુ ખાનારાં મોઢામાં વધારે વખત રાખી ન શકતાં રસ્તાને ગંદો કરે છે.
થિયેટરમાં સેટ કલાકારોએ ‘તૈયાર’ કરવાનો હોય એટલે કે લગાડવાનો હોય છે. અમારી પહેલી ટુર હતી એટલે પૂરા ઉત્સાહથી અમે ત્રણેય મંડી પડતાં. કદાચ બધાં કરતાં વધુ ઉત્સાહ દેખાડતાં. એ ઉત્સાહ થાક લાગવા નહોતો દેતો. ત્યાં મેક-અપ પણ જાતે કરવો પડતો. સ્પોન્સરને મોટો કાફલો પોસાતો નથી હોતો એટલે આવી વ્યવસ્થા અત્યારે પણ દરેક વિદેશ સફર કરનારાં નાટ્ય-ગ્રુપો કરતાં હોય છે.
સેટ લગાડી અમે તૈયાર થઈ ગયાં. ‘કર્ટન’ આપી, પ્રથમ ઘંટડી વાગી ગઈ. ‘નાટક કેવું જશે?’ એ વિચાર સાથે હૃદયના ધબકારા વધતાં જતાં હતાં. ત્રણેય જીગરજાન દોસ્તોએ વિદેશમાં સાથે નાટક ભજવવાનું સપનું આજે સાકાર થવાનું હતું. ખરેખર! તમારી પાસે એવું સપનું હોવું જોઈએ જેની કિંમત તમારી નીંદર કરતાં વધુ હોય.
નાટકની ત્રીજી બેલ વાગી. હું ‘ઓન-સ્ટેજ’ જ હતો. કર્ટન ખુલે અને નાટક શરૂ થાય એ પહેલાં મ્યુઝિક શરૂ થયું. પ્રેક્ષકોનો ગણગણાટ ધીમો પડતો જતો હતો. ત્યાં બેકસ્ટેજમાંથી ‘ચપટી’ વાગવાની શરૂઆત થઇ, જે સિદ્ધાર્થ વગાડતો હતો:
‘દાદુ, પેસ પકડ.’ હું નવાઈ પામ્યો. મેં કહ્યું:
‘સિદ્ધાર્થ, હજી કર્ટન પણ ખુલ્યો નથી’.
દિગ્દર્શક તરીકેની અપ્રતિમ સફળતા આવાં કારણોથી મળે છે. નાની નાની વાતમાં પૂરતું ધ્યાન. પહેલો શો હતો એટલે બેકસ્ટેજમાંથી ખ્યાલ નહીં આવ્યો હોય, પણ નાટક માટેનું ડેડીકેશન તમને દેખાઈ આવે.
પછી તો નાટક પુરજોશમાં ચાલ્યું. ઈન્ટરવલમાં રાજાણી અને એમનાં કાર્યકર્તા આવ્યા. બધાને અભિનંદન આપ્યા. ખાસ તો સિદ્ધાર્થને વધાવ્યો. બધાં ખુશ. શો પૂરો થયો. બીજા દિવસનાં નાટકમાં હું નહોતો. મારે મદદ કરવા તો આવવાનું જ હતું. આમ પણ હું એકલો ‘અજી-હાઉસ’માં શું કરવાનો હતો. કંટાળ્યા સિવાય.
જતિન કાણકિયા હંમેશા વ્યવસ્થિત ડ્રેસ પહેરતો. પહેલો શો પૂરો થતાં થોડું કામ કરી ‘ટાઈ’ શર્ટ ઉપર ચઢાવી હાથમાં ત્યાંનો ખાસ ‘ટસ્કર’ બિયરનું કેન લઈ વેનમાં બેસી ગયો. સિદ્ધાર્થની દેખરેખ હેઠળ અમે બાકીનાં કલાકારો કામ કરતાં રહ્યાં. સેટ વ્યવસ્થિત પેક કરી દેવાનો હતો.
બીજા દિવસે બીજું નાટક હતું. બે સેટમાં બધું ‘એડજસ્ટમેન્ટ’ કરેલું. સેટ પેક કર્યા પછી થોડો થાક ફીલ થયો. જતીન બિયર લઈ વેનમાં બેસી જતો. છેલ્લે રાજુ સાવલા અને અમારી ત્રિપુટી વેનમાં બેસતી. નીકળતી વખતે અમારે રાજાણીની કારને ‘ફોલો’ કરવાની.
મુંબઈની ડયુટી ફ્રી શોપમાંથી નવા નિશાળીયાઓએ લીધેલ ‘ટીચર્સ’ વ્હીસ્કી તો ‘અજી- હાઉસ’માં હતી નહીં તો કદાચ પહેલા શોની ઉજવણી…! માત્ર યાદ કરી નશો કરી લીધો.
ડિનર પતાવી અમે બધાં ‘અજી-હાઉસ’ આવી જતાં. થોડી ગપસપ કરી સૌ પોતપોતાની રૂમમાં. અમે બે જણની રૂમમાં ત્રણ રહ્યા હતા. એ ખુશી કમાલની હતી. કહે છે કે જ્યાં સ્નેહ હોય ત્યાં સંકડાશ નથી હોતી અને જ્યાં સ્વાર્થ હોય ત્યાં મોકળાશ નથી હોતી. અમારો સ્નેહ તો પારિવારિક હતો અને સ્વાર્થ તો કોઈ હતો જ નહી.!
સવારે મારે વહેલા નાહી-ધોઈ સેવા કરવાનો ક્રમ રહેતો. ત્યાં કપડાં જાતે જ ધોવાના રહેતા. ત્યાં જે બાથરૂમ હતો એની પોણી દીવાલ હતી. સનત-સચ્ચું બૂમો ઓછી પાડતા પણ ત્યાંથી પોતાનાં કપડા ફેંકતા. જી, હું મારાં કપડાં હાથથી છબછબાવતો હોઉં ત્યાં દીવાલ ઉપરની જગ્યામાંથી બે-ચાર કપડા ફેંકાતા. આ ધોઈ નાખજે દાદુ. અને મીઠા ગુસ્સા સાથે હું ધોઈ પણ નાખતો.
આ ‘ધોવાનો’ આનંદ પણ ગજબનો હતો. હું કપડાં ધોઈ નાખતો એનો એ બન્ને આભાર માની પૂછી લેતાં ‘ખોટું નથી લાગ્યું ને’? હું ક્યારેક લાગે તો પણ હસી લેતો. અમારાં સુખ-દુ:ખમાં અમારાં બધાની ‘કુંડળી’ કરતા અમારી ‘મંડળી’ વધુ ભાગ ભજવતી.
બીજે દિવસે, નાટકમાં હું નહોતો પણ મદદરૂપ થવાં થિયેટર પર જવાનું તો હતું…!
ભક્ત: બાબા, હું ભણેલો ગણેલો છું, પણ ક્યાંય નોકરી નથી મળતી…
બાબા: ક્યાં સુધી ભણ્યો છે?
ભક્ત: : બાબા, મેં ઇઅ કર્યું છે.
બાબા: એકવાર ફરી ઇઅ કરી લે. બે વાર કરવાથી તું ઇઅ ઇઅ (બાબા) બની જઈશ પછી નોકરીની જરૂર નહીં પડે.
આપણ વાંચો: શો-શરાબાઃ મૈં સમય હૂં…મૈં સિનેમા હૂં!