સ્ટાર-યાર-કલાકારઃ ‘તીખી આવાઝ, તીરછી ભ્રમર’ના આ હિંદી કલાકારનું શું છે ગુજરાતી કનેક્શન?!

સંજય છેલ
‘પેટ કી આવાઝ કે સામને આત્મા ઔર પરમાત્મા દોનોં કી આવાઝ ગાયબ હો જાતી હૈ.’
‘આદમી આજ કે ઝમાને મેં અપના પેટ ખુદ પાલ લે, વોહી રાજા હોતા હૈ.’
‘બેકાર આદમી ફટે હુએ ટ્યૂબ કી તરહ હોતા હૈ, લેકીન મુશ્કિલ તો યહ હૈ કી ટ્યૂબ કા પંકચર ફિર ભી જુડ સકતા હૈ, લેકીન બેકારી કા પંકચર કભી નહીં જુડતા.’
‘જો મૈં ખાના ચાહતા હૂં વો બાઝાર મેં મિલેગા નહીં… અગર મંગવા સક્તે હો, તો 10-20 કિલો ‘ગમ’ મંગવા દો, ફૌરન.’
આવા સંવાદોથી હસાવનાર ભારતના પહેલા કોમેડીસ્ટાર હતા: જોની વોકર.
1950-60 એમનો સુવર્ણયુગ. ત્યારે જો કોઇ ફિલ્મમાં જોની વોકર કોમેડિયન હોય અને નવો હીરો હોય તો પણ લોકો ફિલ્મ માટે ફાઇનાન્સ આપતા એવી લોકપ્રિયતા જોની વોકરે સૌથી પહેલાં જોઇ..(ને એ પછી મહેમૂદે).
જોકે કોઇપણ ગુજરાતીને કલ્પના પણ આવી શકે કે આપણા જીવરામ જોશીની ગુજરાતી બાળવાર્તાઓમાનાં અમર પાત્ર ‘મિયાં ફૂંસકી’ ને જોની વોકર સાથે કોઇ કનેક્શન હોઇ શકે? જી હાં, જોની વોકરે એક ગુજરાતી ફિલ્મ ‘મિયાં ફૂંસકી’માં મેઇન રોલ કરેલો અને ફિલ્મને પ્રોડ્યૂસ પણ કરેલી ને સહનિર્માતા હતા: સલીમ-જાવેદવાળા, સલમાન ખાનના લેખક પિતા સલીમખાન!
સલીમ-જાવેદે લખેલી બીજી એક એક્શન-પેક્ડ મસાલા ગુજરાતી ફિલ્મ હતી ‘આનંદ-મંગલ’ પણ એમણે પ્રોડયુસ કરેલી. એમાં કિરણકુમારનો ડબલ રોલ હતો ને રંગમંચ ફિલ્મોના જાણકાર હની છાયા હતા એના નિર્દેશક…
ઇન્દોરમાં જન્મેલા બદરુદ્દીન કાઝી ઉર્ફે જોની વોકરે, પેટિયું રળવા આઈસક્રીમ, સ્ટેશનરી, શાકભાજી વેચ્યા. પછી ‘બેસ્ટ’ની બસમાં કંડક્ટર હતા. એમાં જોનીજી બસ-સ્ટોપ્સનાં નામ અલગ જ રમૂજી અંદાજમાં પોકારતા ને મુસાફરોનું મનોરંજન કરતા. એક વખત અભિનેતા બલરાજ સાહનીએ બસમાં જોનીજીની આ સ્ટાઇલ જોઇ. ત્યારે બલરાજ સાહની ગુરુદત્તની ફિલ્મ ‘બાઝી’ લખી રહ્યા હતા.
એમણે જોની વોકરને ગુરુ દત્તને મળવા કહ્યું અને દારૂડિયાની એક્ટિંગ કરીને ગુરુ દત્તની ઓફિસમાં પ્રવેશવાનો આઇડિયા આપ્યો. જોનીજી એક બેવડાની જેમ ઓફિસનો દરવાજો જોરથી ખોલીને અંદર ઘૂસ્યા. ગુરુ દત્ત એક ખાસ મીટિંગમાં બિઝી હતા. દારૂડિયાને અંદર ઘૂસેલો જોઇ ચોંકી ગયા. ગુસ્સામાં જોનીજીને બહાર કાઢવા જતાં જ હતા ત્યારે બલરાજજીએ કહ્યું: ‘ગુર.. આ તો એક કલાકારનો અભિનય છે!’
ગુરુદત્ત જોની વોકરના અભિનયથી એટલા પ્રભાવિત થયા કે તરત એમને ‘બાઝી’ જેવી પહેલી જ ફિલ્મમાં શરાબીની ભૂમિકા આપી જેને જોઇને દર્શકો હસીહસીને પાગલ થઇ ગયા… અને હા, જોની વોકરજી જીવનમાં ક્યારેય દારૂને અડક્યા પણ નથી! ગુરુદત્તને જોનીજીનો દારૂડિયાનો અભિનય, વ્હિસ્કીની ફેમસ બ્રાન્ડ ‘જોની વોકર’ની યાદ અપાવતો એટલે બદરુદ્દીન કાઝીને ‘જોની વોકર’ નામ આપ્યું. ગુરુ દત્ત પછી દરેક ફિલ્મમાં જોનીજીનું એક ગીત અચૂક રાખતા જેમકે ‘અય દિલ હૈ મુશ્કિલ જીના યહાં, યેહૈ મુંબઇ મેરી જાન’ ને આજે ય લોકો બે દિલ મુંબઇ શહેરને જોઇને ગણગણે છે!
એ પછી તો જોની વોકરનો સ્ટાર પાવર એવો જામ્યો હતો કે ફિલ્મ વિતરકો જોની વોકરના ગીતનો આગ્રહ રાખતા હતા માટે જ ‘પ્યાસા’ જેવી ગંભીર ફિલ્મમાં એમનું ‘તેલ માલિશ’ સોંગ: ‘સર જો તેરા ચકરાએ…’ અને બી. આર. ચોપડાની ‘નયા દૌર’ ફિલ્મને કોઈ લેતું નહોતું ત્યારે ડિસ્ટ્રીબ્યુટરે એમાં જોની વોકરનું ‘મૈં બંબઇ કા બાબુ, નામ મેરા અનજાના’ ખાસ નખાવ્યું. જોની વોકર એકમાત્ર એવા અભિનેતા છે જેમના નામ ‘જોની વોકર’ પર ફિલ્મ બનાવવામાં આવી છે ને જેમાં એમણે પોતે અભિનય પણ કર્યો છે.
આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકાર : સતીશ શાહ અલબેલો- આનંદી ને ઓલ-રાઉન્ડર અદાકાર
કોમેડીમાં જોની વોકરે જ ‘મુસાફિરખાના’ નામની અદ્ભુત ફિલ્મમાં, કેમેરાને પોતાની (પાત્રની) પાસે બોલાવીને ઓડિયંસને ડાયરેક્ટ ઉદ્દેશીને રમૂજી ડાયલોગ બોલવાની શૈલી શરૂ કરેલી. એક ભ્રમર ઊંચી કરીને સંવાદ બોલવાની કળા સાથે તોફાની સ્મિતવાળી તીણાં સ્વરની રમૂજે જોનીજીને સ્ટાર બનાવ્યા. બોલિવૂડમાં રવિવારે રજા રાખવાનો કરવાનો ટ્રેન્ડ શરૂ કરનારા જોનીભાઈએ લગભગ 300 જેટલી ફિલ્મોમાં યાદગાર ને શાનદાર અભિનય આપ્યો છે.
ભારત-ચીન યુદ્ધ પછી ‘ફિલ્મ લાઇન બંધ થઇ જશે’ એવી અફવા ઉડેલી ત્યારે જોનીજીએ એક કાલ્પનિક રમૂજી આઇટેમ બનાવેલી, જેમાં પોતે બસ કંડક્ટર છે ને મોટા મોટા કલાકારો, નિર્માતા-નિર્દેશકો બસમાં ધક્કા ખાય છે!
એમાં જોનીજી કહેતા: યે દેખો, બસ મૈં કૌન કૌન આયેલા હૈ? કોઇ ‘આવારા’ રાજ કપૂર હૈ…ચલ ચલ ટિકટ નિકાલ નહીં તો ‘ફૂટપાથ’ પે ઉતર જા, સાલે ‘શ્રી 420!’… ‘લો વહાં દેખો બી. આર. ચોપરાજી, 44 જ્યુબિલી હિટ બનાઇ ફિરભી આજ બસ મેં ધક્કે ખા રહેં હૈ, ક્યા ‘નયા દૌર’ આયા હૈ?… યા અલ્લા, આ ગયા ભાઇખલ્લા…એ દેવ (આનંદ) લલ્લા, તુચ સાલા ફાલતૂ મેં ઇતના હિલેગા તો યે બસ હિલ હિલ કે ગિર જાયેગી. સીધા ખડા રહે બે!’ જોની વોકરને પહેલો ફિલ્મફેર એવોર્ડ 1959માં ‘મધુમતી’ ફિલ્મ માટે સહાયક અભિનેતાનો ને ‘શિકાર’ ફિલ્મ માટે શ્રેષ્ઠ હાસ્ય અભિનેતા તરીકે મળેલો.
એમની છેલ્લી યાદગાર ફિલ્મ હતી, કમલ હાસનની ‘ચાચી 420’. જોની વોકરનું 29 જુલાઈ, 2003ના રોજ કિડનીની બીમારીથી અવસાન થયું, છતાં લોકો આજેય સૌથી સફળ અને નેચરલ હાસ્ય કલાકાર તરીકે એમને યાદ કરે છે, કારણ કે જોનીજીની કોમેડી ક્યારેય અશ્લીલ નહોતી એટલે જ તો સેન્સર બોર્ડે ક્યારેય એમની કોઇ ફિલ્મમાંથી એક પણ લાઈને કટ કરી નહોતી. 1970ના દાયકા પછી કેટલાક હાસ્ય કલાકારોએ અશ્લીલ હાવભાવ ને દ્વિઅર્થી સંવાદો શરૂ કર્યા એટલે એમણે ધીમે ધીમે કામ કરવાનું બંધ જ કર્યું, પણ સિદ્ધાંત સાથે સમાધાન ના જ કર્યું.
રાજેશ ખન્નાની કેન્સર વિશેની ટ્રેજીકોમિક યાદગાર ફિલ્મ ‘આનંદ’માં જોનીજીએ ‘ઈસાભાઇ સુરતવાલા’ નામનું નાટકવાળાનું પાત્ર ભજેવલું. હકીકતમાં ઇસાભાઇ આપણાં ગુજરાતી સાઉંડ રેકોરડીસ્ટ હતા, જેનું નામ જોનીજીએ પાત્ર માટે વાપરેલું. એ જ ‘આનંદ’ ફિલ્મના કરુણ ક્લાઇમેક્સમાં રાજેશ ખન્નાનો રેકોર્ડેડ આવાજ ગુજે છે:
‘બાબુ મોશાય…’ સૌ સ્તબ્ધ. પછી રાજેશ ખન્નાનો અવાજ નાટ્ય અભિનેતા ઇસભાઈ (જોની વોંકર)ની ગહન ફિલોસોફી દોહરવે છે: ‘ઝિંદગી ઔર મૌત ઉપરવાલે કે હાથ મેં હૈ, જહાંપનાહ. ઉસે ના આપ બદલ સકતે હૈં ના મૈં… હમ સબ તો રંગમંચ કી કઠપૂતલિયાં હૈં. જિનકી ડોર ઉપરવાલે કી ઉંગલિયોં મેં બંધી હૈ, કબ, કૌન ઔર કૈસે ઉઠૈગા- યે કોઇ નહીં બતા સકતા.. હા હા હા હા..’
અને હા, હમણાં 11 નવમ્બરે જ જોની વોકરનો જન્મદિવસ ગયો.
આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકારઃ એકલવીર-એક્સપરિમેન્ટલ ને બહાદુર બંદા: બી.આર. ચોપરા



