આમિર-હ્રષિદાની ફિલ્મથી આપણે વંચિત રહી ગયા! | મુંબઈ સમાચાર
મેટિની

આમિર-હ્રષિદાની ફિલ્મથી આપણે વંચિત રહી ગયા!

‘આરાધના’ પછી રાજેશ ખન્ના-શર્મિલા ટાગોરનાં ગીત ગવાયાં પણ સચિન ભૌમિક વિસરાઈ ગયા

  • હેન્રી શાસ્ત્રી

1950-60ના દાયકામાં પંડિત મુખરામ શર્મા (સાધના, ધૂલ કા ફૂલ ઈત્યાદિ) તેમજ 1970-80ના દાયકામાં સલીમ-જાવેદ (ઝંઝીર, ક્રાંતિ ઈત્યાદિ)ના અપવાદ બાદ કરતા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ ક્લમનવેશો (કથા-પટકથા લેખકો)ને વિશેષ મહત્ત્વ કે માનપાન નથી આપ્યા. એ તો મુખરામ શર્મા અને સલીમ-જાવેદે ‘પોસ્ટર પર હમારા નામ હોના ચાહિયે’ એવો વટથી આગ્રહ રાખ્યો હતો એટલે એમનાં નામનાં વાજાં વાગ્યાં.

જોકે, 50 વર્ષ (લાજવંતી-1958થી યુવરાજ-2008)ની લેખન કારકિર્દીમાં 100 કરતાં વધુ ફિલ્મોમાં પેનનો પાવર દર્શાવનારા કથા-પટકથા અને સંવાદ લેખક સચિન ભૌમિકનું નામ ગાજવું જોઈએ એવું ગાજ્યું નથી. સલીમ-જાવેદ જેવી શોહરત એમને નથી મળી એ વરવી વાસ્તવિકતા છે.

સલીમ-જાવેદની નિપુણતાને બે હાથની સલામ, પણ એમના ઢોલ નગારાં વગાડનારી ‘ઝંઝીર’ અને એ પછી મળેલી એમની ભવ્ય સફળતામાંથી જો અમિતાભ બચ્ચનના નામની બાદબાકી કરીએ તો વિશેષ કંઈ રહેતું નથી. એ હિસાબે ભૌમિક સાહેબનું કાર્યફલક વિસ્તૃત છે. અલગ અલગ ફિલ્મકારો સાથેની એમની જોડી અને એ જોડીએ આપેલી સફળ-યાદગાર ફિલ્મોની યાદી ઘણું કહી જાય છે.

ભપ્પી સોની સાથે ‘બ્રહ્મચારી’ અને ‘જાનવર’, જે. ઓમપ્રકાશ સાથે ‘આયે દિન બહાર કે’ અને ‘આયા સાવન ઝૂમ કે’, પ્રમોદ ચક્રવર્તી સાથે ‘લવ ઈન ટોક્યો’ અને ‘તુમસે અચ્છા કૌન હૈ’, શક્તિ સામંત સાથે ‘એન ઈવનિંગ ઈન પેરિસ’ અને ‘આરાધના’… સિવાય દુલાલ ગુહા, હૃષીકેશ મુખરજી, નાસિર હુસૈન, સુભાષ ઘઈ, રાકેશ રોશન… યાદી લાંબી અને દમદાર છે. દિગ્દર્શકો અલગ અને એક્ટર પણ અલગ અલગ.

નોંધપાત્ર બાબત એ છે કે ‘આરાધના’થી રાજેશ ખન્નાને સુપરસ્ટાર બનાવવામાં તેમ જ શર્મિલા ટાગોર, એસ. ડી. બર્મન અને કિશોર કુમારની નવી અને દમદાર ઈનિંગ્સ શરૂ કરવામાં, ‘કિંગ અંકલ’ની નિષ્ફળતા પછી રાકેશ રોશનને ‘કરણ અર્જુન’ જેવી સુપરહિટ આપવામાં, સુભાષ ઘઈ સાથે ‘કર્ઝ’. ‘વિધાતા’ અને ‘કર્મા’

તેમ જ મહેશ ભટ્ટ, અબ્બાસ-મસ્તાન સુધી લેખનકાર્યની સફળતાનો સિલસિલો જારી રાખવામાં નિમિત્ત બન્યા હોવા છતાં આ બધી ફિલ્મ, એના એક્ટરો, એના ફિલ્મકારોને આજે પણ યાદ કરવામાં આવે છે, જ્યારે એ ઈમારતના પાયામાં મહત્ત્વના પથ્થર એવા સચિન ભૌમિકને કોઈ યાદ નથી કરતું. અમૃત ઘાયલનો એક શેર અહીં યાદ આવી જાય છે : ‘કેમ ભૂલી ગયા? દટાયો છું, આ ઈમારતનો હુંય પાયો છુ’.

મોહન સેહગલની ‘લાજવંતી’ (1958-બલરાજ સાહની અને નરગિસ)થી ફિલ્મોમાં કલમના કસબનો પ્રારંભ કરનારા બંગાળીબાબુ સચિન ભૌમિક એ સમયના બે દિગ્ગજ ફિલ્મમેકર બિમલ રોય અને ગુરુ દત્ત સાથે કામ કરવા તલપાપડ હતા.

જોકે, બિમલદા શરદબાબુની સાહિત્ય રચના તેમજ નબેન્દુ ઘોષ અને રીત્વિક ઘટક જેવા બંગાળના મહારથી કલમકારો અને ગુરુ દત્ત પાસે અબરાર અલ્વી જેવા ખમતીધર લેખક હોવાથી આ બંને ફિલ્મમેકર સચિન ભૌમિકમાં રસ કેમ નહોતા લેતા એ સમજી શકાય છે. જોકે, બિમલ રોયના એક સમયના સહાયક અને સ્વતંત્ર ફિલ્મમેકર તરીકે સંઘર્ષ કરી રહેલા ઋષિકેશ મુખરજીના ધ્યાનમાં ભૌમિક સાહેબની તત્પરતા આવી.

એ સમયે ઋષિદા રાજ કપૂર-નૂતનને લઈ ‘અનાડી’ બનાવી રહ્યા હતા. એમણે ભૌમિકને એક અલાયદી ઓફર આપી કહ્યું કે ‘મારી ‘અનાડી’ હિટ થશે તો હું તને સ્વતંત્ર લેખક તરીકે મોકો આપીશ, પણ જો ફ્લોપ ગઈ તો તારે મને કામ શોધી આપવાનું.’

લેખક મહાશય તો તૈયાર થઈ ગયા અને ‘અનાડી’ માટે કેટલાક સીન લખી આપવાનું ઔદાર્ય પણ દેખાડ્યું. સદનસીબે ‘અનાડી’ સુપરહિટ થઈ અને ઋષિદાએ ‘મેમદીદી’, ‘છાયા’ અને ‘અનુરાધા’ એમ લાગલગાટ ત્રણ ફિલ્મનું લેખનકાર્ય સચિન ભૌમિકને સોંપ્યું. બલરાજ સાહની – લીલા નાયડુની ‘અનુરાધા’ને શ્રેષ્ઠ ચિત્રપટનો પ્રેસિડેન્ટ ગોલ્ડ મેડલ એનાયત થયો.

ઋષિકેશ મુખરજી સાથેની ફિલ્મોની વાતચીત કરતી વખતે સચિન ભૌમિકે એક એવી વાતનો ઉલ્લેખ કર્યો હતો જેની ભાગ્યે જ કોઈને જાણ હશે. 1988માં સંજીવ કુમાર, ઝીનત અમાન અને રાજ બબ્બરને લઈ ‘નામુમકિન’ ફિલ્મ બનાવ્યા પછી ઋષિદા જાણે કે ફિલ્મમેકિંગમાંથી નિવૃત્ત થઈ ગયા હતા. જોકે, 10 વર્ષના સમય પછી એમણે ‘જૂઠ બોલે કૌવા કાટે’ ફિલ્મ બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.

આ ફિલ્મની પટકથા ૠષિદા અને સચિન ભૌમિકે સાથે મળી લખી હતી. શરૂઆતમાં આ ફિલ્મના હીરો તરીકે આમિર ખાનને લેવા વિશે વિચાર કરવામાં આવ્યો હતો. કોઈ કારણસર આ વિચાર અમલમાં મુકાયો નહીં અને પોતાની કારકિર્દીની અંતિમ ફિલ્મ ઋષિદાએ અનિલ કપૂરને હીરો તરીકે લઈ બનાવી હતી. આમ ફિલ્મ રસિકો આમિર – ઋષિદાની ફિલ્મથી વંચિત રહી ગયા.

‘આરાધના’ વિશે એક મજેદાર વાત જાણવા જેવી છે. સચિન ભૌમિકની ‘અનુરાધા’ને બોક્સ ઓફિસ પર સફળતા નહોતી મળી, પણ બર્લિન આંતરરાષ્ટ્રીય ચિત્રપટ મહોત્સવમાં આમંત્રણ મળ્યું હોવાથી ત્યાં એ દર્શાવવામાં આવી હતી. લેખકબાબુ બર્લિન ગયા અને ત્યાં એમણે અનેક વિદેશી ફિલ્મો જોઈ.

એમાં એક હતી અમેરિકન રોમેન્ટિક ફિલ્મ To Each His Own (1946). આ ફિલ્મ પરથી પ્રેરણા લઈ સચિનદાએ ‘આરાધના’ લખી હતી. શક્તિ સામંતની આ સુપર ડુપર હિટ ફિલ્મની રિ-મેક તેલુગુમાં Kannavari Kalalu નામથી અને ત્યારબાદ તમિળ ભાષામાં Sivagamiyin Selvan નામથી બની હતી. સાઉથની બંને ભાષામાં કથા લેખક તરીકે સચિન ભૌમિકને ક્રેડિટ આપવામાં આવી હતી.

આમ જુઓ તો સચિન ભૌમિકની લેખક તરીકેની કારકિર્દી સમય કરતાં પણ વૈવિધ્યમાં વિશાળ છે. એમની કલમે ‘દોસ્ત’, ‘જિંદગી’ જેવી માનવીય સંવેદનાની કથા અવતરી અને સાથે સાથે સસ્પેન્સ, ક્રાઈમ થ્રિલર, એક્શન ડ્રામા, લવ સ્ટોરી, મેલોડ્રામા અને કોમેડી ફિલ્મો સુધ્ધાં અવતરી છે અને અનેક ફિલ્મોએ દર્શકોને મનોરંજન આપ્યું છે અને નિર્માતા-વિતરકોના બેન્ક બેલેન્સ વધાર્યા છે. આટલું જાણ્યા પછી આવા ગુણી લેખકને ભૂલી જવાનો આપણે ગુનો કર્યો હોય એવું નથી લાગતું?

આપણ વાંચો:  કવર સ્ટોરીઃ કોમેડી કરવી છે, કારણ કે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button