શો-શરાબા: ટોમ ક્રૂઝ… એના માટે છે પેશન પોસિબલ!

-દિવ્યકાંત પંડ્યા
હાલમાં એક બિગ ઇવેન્ટ ફિલ્મ રિલીઝ થઈ છે ‘મિશન ઇમ્પોસિબલ: ધ ફાઇનલ રેકનિંગ’.
આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં ફિલ્મ જબરદસ્ત હિટ થઈ ચૂકી છે, પણ જેમ જેમ ઓટીટી પ્લેટફોર્મ્સનો પ્રભાવ વધી રહ્યો છે અને થિયેટરમાં ફિલ્મ જોવાનું ચલણ ધીરે ધીરે ઘટી રહ્યું છે. તેમ એક સવાલ વારંવાર ઊઠ્યા કરે છે કે શું લોકો પહેલાંની જેમ થિયેટર તરફ વળશે ખરા? પરંતુ થિયેટર્સને જીવિત રાખવા એક જણ સતત મથે છે. થિયેટર્સ જ નહીં, સિનેમાને અત્યંત પેશનથી-ઉત્કંટતાથી ચાહતો એ છે એટ ટોમ ક્રૂઝ!
જ્યારે મોટા સ્ટુડિયોઝ ઓનલાઇન રિલીઝ તરફ વળતા હતા ત્યારે ટોમ ક્રૂઝે ખુલ્લેઆમ કહ્યું હતું કે સિનેમાને જીવતું રાખવા માટે એ થિયેટરમાં જ ફિલ્મ રિલીઝ કરશે. 2022માં જ્યારે દુનિયાભરનો દરવાજો કોવિડ પછી ધીરે ધીરે ખુલતો હતો અને લોકો હજી થિયેટર તરફ જતાં ડરતા હતા ત્યારે ટોમ ક્રૂઝે પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ટોપ ગન: મેવરિક’ ખાસ કરીને
થિયેટરમાં રિલીઝ કરી. ‘નેટફ્લિક્સ’ અને ‘એમેઝોન’ જેવી કંપનીઓએ મોટી રકમ આપીને તેને ડિજિટલ પર લાવવા કોશિશ કરી, પણ ક્રૂઝ અડગ રહ્યો. પરિણામ? ફિલ્મે વિશ્વભરમાં 14,000 કરોડથી વધુ કમાણી કરી અને લોકોને ફરીથી યાદ અપાવ્યું કે મોટી સ્ક્રીનનો અનુભવ અનન્ય હોય છે. સ્ટીવન સ્પિલબર્ગે પણ એક પ્રસંગે ટોમ ક્રૂઝને કહ્યું હતું કે, ‘તમે હોલિવૂડને બચાવ્યું ! ’
આ સ્ટેટમેન્ટ ઘણું કહી જાય છે. ટોમ ક્રૂઝ હંમેશાં કહે છે : ‘હું ફિલ્મ્સ બિગ સ્ક્રીન માટે બનાવું છું. મને ત્યાં જ મજા આવે છે. હું ચાહું છું કે દર્શકો પણ થ્રિલ- ટેંશન અને આનંદ બધું જ એકસાથે માણે…’ આ એના માટે ફક્ત શબ્દો નથી, આ એની ફિલ્મ્સ માટેની ચાહત છે. સિનેમા એના માટે ફક્ત મનોરંજન નહીં, એક જીવંત અનુભવ છે.
આમેય ટોમ ક્રૂઝની દરેક ફિલ્મ દર્શકો માટે એક ઉત્સવ સમાન હોય છે. ‘મિશન ઇમ્પોસિબલ’ જેવી સિરીઝમાં તે પોતે જે ભયાનક સ્ટંટ કરે છે (જેના પર અલાયદો લેખ લખી શકાય), તે દુનિયાભરમાં ચર્ચાય છે. 2023ની ‘મિશન ઇમ્પોસિબલ: ડેડ રેકનિંગ પાર્ટ વન’માં એ બાઈક લઈને પહાડ પરથી કૂદ્યો હતો અને હવામાં પેરાશૂટ ખોલ્યો હતો. આ એક દ્રશ્ય માટે એણે 500થી વધુ સ્કાયડાઇવિંગ અને અનેક વખત બાઈક જમ્પ્સની ટ્રેનીંગ લીધી હતી. આજકાલ મોટા ભાગના એક્ટર્સ વીએફએક્સ કે બોડી ડબલનો સહારો લે છે, પણ ક્રૂઝ પોતે સ્ટંટ કરે છે. એક્શન માટે નહીં, પરંતુ પ્રામાણિક અનુભવ માટે.
‘મિશન ઇમ્પોસિબલ: ધ ફાઇનલ રેકનિંગ’માં પણ ટોમ ક્રૂઝે પ્લેન પર ખતરનાક એરિયલ સ્ટન્ટ્સ કરી બતાવ્યા છે. ટોમ પોતાના હવાઈ સ્ટંટ્સ વિશે કહે છે : ‘મને ઊડવું ગમે છે. હું શો-ઓફ નથી કરતો, પણ મને એ અનુભવ દર્શકોને પણ મળે એ ગમે છે. હું સ્ટન્ટ કરીને દર્શકોને વધુ ઓથેન્ટીસીટી આપી શકું તો હું એ હંમેશાં કરીશ.’
‘ટોપ ગન: મેવરિક’માં પણ એણે પોતે જેટ પ્લેન ઉડાવ્યું હતું, કોઈ જ ફેક ટેક્નિક નહીં.
આ પણ વાંચો….શો-શરાબા- બોલિવૂડ ને પાન-ઇન્ડિયા ફિલ્મ્સની પાક્કી દોસ્તી ક્યારે થશે?
‘મિશન ઇમ્પોસિબલ: ફોલિઆઉટ’ના શૂટિંગ સમયે એક સ્ટન્ટ કરતી વખતે એક બિલ્ડિંગથી બીજી પર કૂદવા જતા એને એન્કલ ઇન્જરી થઈ તો પણ એણે કેમેરામાં આખો શોટ આવે એ માટે એક્ટિંગ ચાલુ રાખતા ઊભા થઈને દોડવાનું ચાલુ રાખ્યું હતું. એ કારણસર કહી શકાય કે ટોમ સિનેમા માટે જીવે છે!
ટોમ ક્રૂઝ ફક્ત સ્ક્રીન પરનો હીરો નથી. સિનેમાની પાછળની આખી પ્રોસેસમાં એ ભાગ લે છે. ફિલ્મના પ્રમોશન માટે એ વૈશ્વિક પ્રવાસ કરે છે- પત્રકારો સામે પોતાના વિચારો સવિસ્તર વ્યક્ત કરે છે અને દર્શકો સાથે સીધો કનેક્ટ બનાવે છે. તાજેતરમાં એ યુરોપમાં ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ ફાઇનલમાં પણ જોવા મળ્યો હતો. ઓલિમ્પિક્સમાં પણ એણે દુનિયાની સામે લાઈવ સ્ટન્ટ કરીને બતાવ્યો હતો. આ બધું જ ફક્ત દુનિયા સિનેમાને સતત ચાહતી રહે એ માટે. !
આજે થિયેટરમાં બિગ બજેટ ઇવેન્ટ ફિલ્મ્સ જ વધુ ચાલે છે. સામાન્ય અનુભવ માટે ફિલ્મ જોવા થિયેટર સુધી જવું લોકોને પસંદ નથી અને ટોમને મુખ્યત્વે ભવ્ય અનુભવવાળી ફિલ્મ્સ તરફ જ વધુ આકર્ષણ છે. ટોમ અને બિગ ઇવેન્ટ ફિલ્મ્સ જાણે એકબીજાના પૂરક છે એટલા માટે પણ ટોમ સિનેમા અને થિયેટર માટે મહેનત કરે એ સમજાય છે.
ટોમ ક્રૂઝ જેવી વ્યક્તિઓ સિનેમાને ફરીથી તેની ભવ્યતા તરફ લઈ જાય છે. એ સાબિત કરે છે કે જો દિલથી
અને પ્રામાણિકતાથી ફિલ્મ બને તો લોકો થિયેટર સુધી જરૂર આવશે. ટોમે દરેક વખતે બતાવ્યું છે કે સિનેમા એ માત્ર એક માધ્યમ નહીં, એ પ્રેમ છે, પેશન છે અને એક અનુભવ છે, જે કોઈ ડિજિટલ સ્ક્રીન આપી શકે નહીં.
કોવિડની જેમ અત્યારે પણ હોલિવૂડ સરખામણીએ નબળી સ્થિતિમાં છે ત્યારે ટોમ ક્રૂઝ ફરી વખત ‘મિશન ઇમ્પોસિબલ’ (મિશ્ર પ્રતિસાદ છતાં) સાથે સેવિયર
બન્યો છે!
લાસ્ટ શોટ
‘મને એક્શન એડવેન્ચર ફિલ્મ્સ પસંદ છે. એ પ્યોર સિનેમા છે. અને સિનેમાને હું મારું સઘળું આપવા હંમેશાં તૈયાર રહું છું! ’
- ટોમ ક્રૂઝ
આ પણ વાંચો….શો-શરાબા : ફિલ્મ્સ નહીં… ફેમિનિઝમની બોલબાલા!