ફિલ્મનામાઃ ‘ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર’ની આંટીઘૂંટી…

નરેશ શાહ
હોમ મિનિસ્ટર જગન્નાથ રાયે આડાઅવળા ટાંગામેળ કરીને હત્યા કેસમાં પકડાયેલાં પોતાના એક માત્ર પુત્ર વિવેક રાયને છોડાવ્યો છે, પણ વાંગડ દીકરો ઈચ્છે છે કે, ઈમેજ ક્લિન-અપ કરવા માટે (નિર્દોષ છૂટ્યાની ખુશાલીમાં) એક પાર્ટી થ્રો કરવી જોઈએ અને પુત્રના કારણે હાઈ કમાન્ડની નજરે ચઢી ગયેલાં જગન્નાથ રાય (આશુતોષ રાણા)ને પણ લાગે છે કે બસ્સો કરોડ ખર્ચીને છોડાવેલાં પુત્રની વાત સાચી છે. ભલે, થતી પાર્ટી…
અને પાર્ટીની રાતે પુત્ર વિવેક રાય થોડું લાગણીશીલ પ્રવચન આપીને બધાનું ધ્યાન ખેંચે છે ત્યાં જ ઉજવણીની આતાશબાજી શરૂ થાય છે. આંખોને ચકાચૌંધ કરી દેતી અને કાળા આકાશને મનોરમ્ય ઉજાસથી ઉભરાવી દેતી આતશબાજી જોવામાં વિવેક સહિતના ‘પાર્ટીજનો’ તલ્લીન છે ત્યારે જ એ ધૂમધડાકા વચ્ચે ફાયરિંગ થાય છે અને વિવેક રાય ઢળી પડે છે… તરત પાર્ટી પ્રિમાઈસિસ સીલ કરવામાં આવે છે. આવનારા ગેસ્ટની ઝડતી લેવાનું શરૂ થાય એ પહેલાં જ બે શખ્સ પિસ્તોલ સાથે પકડાઈ જાય છે.
ત્રીજી પિસ્તોલ એક ટેબલ નીચેથી મળવાની છે. મતલબ કે ત્રણ શકમંદ તો સામેથી વ્યક્ત થઈ ગયા, પણ એ ત્રણ શકમંદ હજુ પાટીમાં જ ઉપસ્થિત છે એ હત્યા વખતે કોઈને ખ્યાલ નથી. એક અભિનેત્રી છે, જે એ જ સાંજે ટીવી પર વિવેક રાયની કરતૂતો કહીને ‘બ્રેકીંગ ન્યૂઝ’ સર્જી ચૂકી છે. બીજી બે વ્યક્તિ પણ એવી છે કે જે વિવેક રાયથી હર્ટ થઈ ચૂકી છે, જેના વિશે પણ વેબસિરીઝ જોતાં જાવ તેમ તબક્કાવાર ભેદ ખૂલતાં જાય છે.
આમ અજય દેવગણે પ્રોડ્યૂસ કરેલી, તિગ્માંશુ ધુલિયાએ ડિરેક્ટ કરેલી અને ગયા ‘જીયો હોટ સ્ટાર’ પર સ્ટ્રીમ થયેલી ‘ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર’ની આ સ્ટોરી લાઈન છે, જેનો બેઈઝ તો (‘સ્લમડોગ મિલિયોનર’ ફેમ) વિકાસ સ્વરૂપની દળદાર નોવેલ ‘સિક્સ સસ્પેક્ટસ’ છે.
આ પણ વાંચો…ફિલ્મનામા: ‘કર્ઝ’ રિલીઝ વખતે નબળી, પણ આજે બની ગઈ કલ્ટ ફિલ્મ!-નરેશ શાહ
મૂળ નોવેલમાં અને વેબસિરીઝમાં એડોપ્શન પછીના જરૂરી ફેરફાર સ્પષ્ટપણે દેખાય છે. વિકાસ સ્વરૂપની આ નોવેલ પ્રગટ થઈ ત્યારે તેના પર એવી ચર્ચાઓ થયેલી કે એ ત્રણ ત્રણ સત્ય ઘટનાઓ (બિઝનેસ ટાયકૂન ચઢ્ઢાના દીકરા, જેસિકા લાલ કેસ અને સલમાન ખાનના શિકાર કેસ) પર આધારિત છે. ‘સિક્સ સસ્પેકટ’ નોવેલ અને તેને એડોપ્ટ કરીને બનેલી ‘ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર’માં આ ત્રણેય ઘટનાઓના લસરકા પણ દેખાય છે.
ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયાને ન્યાય કરવા કહેવું પડશે કે ‘ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર’ ભલે મર્ડર મિસ્ટરી હોય પણ તેને નેરેટ કરવામાં અને તેના ભેદ પછી ભેદ ખોલવામાં ક્રિએટિવ અપ્રોચ રાખવામાં આવ્યો છે એટલે દર્શક ક્યારેક ગૂંચવાઈ જાય છે.
નવ એપિસોડની આ વેબ સિરીઝમાં એટલે જ દરેક નવા એપિસોડ સાથે, એક અલગ કેરેક્ટરનું બેકડ્રોપ દર્શાવવામાં આવ્યું છે તેથી થાય છે એવું કે દરેક નવા એપિસોડ સાથે કુતૂહલની ધારને નવેસરથી સજાવવી પડે છે.
આખી વાર્તા, પાત્રો કે વેબસિરીઝના મૂડને બયાન કરતું હોય તેમ એક સમયે ફિલ્મ ‘ગમન’નું ગીત પણ યોગ્ય રીતે જ મૂકવામાં આવ્યું છે: ‘સીને મેં જલન, આંખો મેં તુફાન સા ક્યું હૈ!’
આશુતોષ રાણા, રિચા ચઢ્ઢા, પ્રતીક ગાંધી, રઘુવીર યાદવ, શાહીબ હાશમી, શશાંક અરોરા ઉપરાંતના અનેક પાત્રો ધરાવતી આપણી આ મર્ડર મિસ્ટરીમાં જો કે ફિલ્મી દુનિયાના ગ્લેમર, રાજકારણના ષડયંત્રો, આદિવાસીઓની અંધશ્રદ્ધા જેવી શ્રદ્ધા, અપહરણ, પ્રેમ પ્રકરણ, બદલો સહિતના અનેક તત્વોની રસપ્રદ ખિચડી છે, કારણ કે કિરદારની એક પોતિકી કહાણી (થેન્કસ ટૂ વિકાસ સ્વરૂપ) છે.
મૂળ નોવેલ પર તિગ્માંશુ ધુલિયા, વિજય મોર્ય અને પુનિસ શર્માએ ખાસ્સી મહેનત કરીને એક મજેદાર કન્ટેન્ટ તો આપ્યું જ છે અને આંદામાન-નિકોબાર અને રાજસ્થાનની સૈર પણ કરવી છે.
આપણો પ્રતીક ગાંધી આ વેબસિરીઝમાં છે એટલે ઉલ્લેખ જરૂરી છે કે સીઆઈડી અધિકારી કરતાં પ્રતીક ચાર્મિગ બોય વધુ લાગે છે. મોહનકુમાર બનતાં અને વારંવાર મોહનદાસ (ગાંધીજી) બની જતા રઘુવીર યાદવનું પાત્ર જલદીથી ગળે ઊતરે એવું નથી તો અશોક રાજપૂત (શાહીબ હાશમી) આંદામાનના આદિવાસી સુધી કેમ અને શા માટે જાય છે, એ પણ સમજાતું નથી તો બ્લોગરની આખી વાત જ વેબસિરીઝ પૂરી થાય ત્યારે લટકતી રહી જાય છે… બાકી કથાવસ્તુ રસપ્રદ હોવા છતાં ‘ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર’ ને ‘સ્કેમ 92’ જેવી લાજવાબ વેબસિરીઝની શ્રેણીમાં મૂકી દેવી પડે તેવી તો હરગીઝ નથી…
આ પણ વાંચો…ફિલ્મનામા: માનવું તો પડશે, સમીરજી… આપકા જાદુ ચલ ગયા!