સૂરજ ગરમ જરૂર થાય, પણ એ ન હોય તો અંધારું…

- અરવિંદ વેકરિયા
અમને રમણીકભાઈ ઉર્ફે હે રામની કંપની ખૂબ માફક આવી ગઈ હતી. અમારાં ત્રણ અને બીજા બે, જે વાડીમાં હતાં એમનું બપોરનું જમવાનું ‘હે રામ’ લઇ આવતાં. નિત નવું નવા-નવા લોકોને ખવડાવવાનો એમને શોખ હતો. અમે એમનાં વખાણ કરતાં જે એમને ગમતું નહીં. આ માણસ બધાને મદદરૂપ થતો એ એમને ગમતું, એટલે સહજ નવા ગામમાં આ નવા માણસની સંગત અમને એનાં વખાણ કરવા પ્રેરિત કરતી.
આ માણસ અંદરથી એકદમ આળો હશે. અમારાં વખાણ સામે ઘણીવાર એ ફિલોસોફી બોલી દેતા કે ‘ભાઈ, કપાવું, પીસાવું અને છેલ્લાં ટીપાં સુધી નિચોવાઈ જવું એ શેરડીથી વધારે કોણ જાણે કે મીઠા હોવાનું નુકસાન કેટલું હોય છે, પણ મારા સંસ્કાર મને આ ‘નુકસાન’નો પણ આનંદ આપે છે, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહી એમ હું મારો સ્વભાવ ક્યારેય બદલી શક્યો નહીં.’ એની આવી નિખાલસતા અમને ગમતી.
આમ તો ઉંમરમાં એ અમારાં પિતા જેવડા અને ધ્યાન પણ એક બાપ જેવું રાખે. અમારે મન એમની હાજરી સૂરજ જેવી હતી, ગરમ જરૂર થાય તો પણ એ ન હોય તો અંધારું છવાય જાય…! બપોરની ભોજનની વ્યવસ્થા એ કરતાં, રાત્રે શો પછી એ વ્યવસ્થા ત્યાનાં સ્પોન્સર્સ વચ્ચે વહેંચાઇ જતી અને રહેવા માટે વહેંચાઇ ગયેલાં કલાકારો શો પત્યાં પછી સાથે ડિનર લેતાં અને સૌ પોતપોતાની દિનચર્યા શેર કરતાં.
દારેસલામમાં કરન્સી ટાન્ઝાનિયા શિલિંગની. ત્યારે એક શિલિંગ બરાબર દસ શિલિંગનો દર હતો. અમારે હવે જરૂર ટાન્ઝાનિયા શિલિંગની પડે. રમણીકભાઈને કહી એ વ્યવસ્થા કરી શકાત પણ મને મુંબઈના શૂટિંગ વખતે થયેલ સંજય જોગનાં ફાધર-મિત્રની વાત યાદ આવી ગઈ. મેં સનતને કહ્યું કે ‘આપણે આ બર્ઝર પેઈન્ટ્સ કંપનીનું એડ્રેસ પૂછી અશોક જોગને મળીએ.’
સનત કહે,‘બરાબર પણ એ પહેલાં ફોન કરી વાત કરી લઈએ.’ આમ પણ પૈસાની વાત હતી. આ પૈસા એવું પતંગિયું છે કે એને પકડવામાં માણસ પોતાનાથી દૂર નીકળી જતો હોય છે, જયારે આ તો પારકાં. હિમ્મત કરી એમને ફોન કર્યો. જાણે અમારાં ફોનની જ રાહ જોતાં હોય એમ કહે, ‘મારાં નપાવટે તમારી વાત કરી છે. આજે રાતનાં શોમાં હું અને મારી વાઈફ શો જોવાં આવવાનાં છીએ.’ અમે અમારી જરૂરી કરન્સીની વાત કરી. ‘હું ઓફિસમાં જ છું જરૂર આવો.’
એ સ્થળ અમારી વાડીથી દૂર નહોતું. 1990માં દારેસલામ અમને રાજકોટ જેવું જ લાગેલું. આજે તો રાજકોટ મુંબઈની ટક્કર મારે એવું વિકસ્યું છે, બની શકે દારેસલામ પણ વધુ સુંદર બની ગયું હશે, કોને ખબર!
અમે ત્રણેય પૂછપરછને અંતે ‘બર્ઝર પેઈન્ટ્સ’ની ઑફિસે પહોંચ્યાં. અશોક જોગનું નામ લેતાં જ કાર્યકરો ઍલર્ટ થઇ ગયાં. લાગ્યું કે એ સારી ‘પોસ્ટ’ પર હશે. વિશાળ કેબિનમાં અમે દાખલ થયાં. લગભગ 52-55 વર્ષનાં એ અશોક જોગ એકદમ હસમુખા અને વાતો કરવામાં નિખાલસ લાગ્યાં. થયું કે બુઢાપો લાવો તો જ આવે બાકી જુવાનીની શો મજાલ છે કે જતી રહે.
અમે ઘણી વાતો કરી. સંજય જોગની અભિનયની ઇચ્છાને માન આપી એને મુંબઈમાં રાખી પોતે વર્ષો પહેલાં દારેસલામમાં સેટ થયેલાં. અમને બિન્દાસ કહ્યું કે ‘રાત્રે શો પછી ઘરે આવો. નાનકડી ડ્રિંક પાર્ટી કરી ડિનર સાથે લઈશું. મારાં બ્લડીસન સાથે ડિ્ંરક લીધેલું કે નહીં? મેં નકારમાં ડોકું ધુણાવ્યું. બાપનો ગુસ્સો એમણે મિત્રભાવે બહાર કાઢ્યો. ‘આજકાલ એનું પીવાનું વધી ગયું છે. એમાં પણ ‘રામાયણ’ વખતે ચાલેલી ‘ગોસીપ’ને લીધે એને વધુ ‘પીતો’ કરી નાખ્યો છે.’
મને યાદ છે, છેલ્લે જયારે એ બીમાર પડેલો અને મલાડનાં નર્સિંગ-હોમમાં એ એડમિટ હતો ત્યારે શત્રુઘ્ન બનતો સમીર રાજડા (જાણીતાં લેખક-અભિનેતા મૂળરાજ રાજડાનો પુત્ર) એની ખબર કાઢવા ગયેલ ત્યારે સંજયે એને કહેલ કે ‘સમીર, યાર ક્યાંકથી એની વ્યવસ્થા કરી આપને.’ આ વાત મને સમીરે કરેલી. સંજય વધુ પીવે છે એની જાણ મને ‘કેવડાનાં ડંખ’નાં શૂટ દરમ્યાન થઈ ગયેલી.
એ બિન્દાસ કહેતો કે ‘શરાબ પીધાં પછી ‘સાચું’ બોલનારને દુનિયા ‘પીધેલ’ કહે છે અને પંચામૃત પીધા પછી ‘જુઠ્ઠું’ બોલનારને દુનિયા ‘ભગત’… ચી આઈલા… હું પીવ છું, કોઈને હેરાન નથી કરતો. માન્યું કે આ વ્યસન મને વહેલું મોત આપશે તો ભલે આપે.’
અમે 1000-1000 શિલિંગનાં તાન્ઝાનિયા લીધાં. 10000-10000 આવ્યાં. આટલાં બધાં ખિસ્સામાં તો કેમ સમાવવા? થેલીમાં લીધાં. અશોક જોગે અમને ચેતવ્યા કે ‘જેમ નૈરોબીમાં નીગ્રોનો ડર હોય છે એમ અહીં પણ એવો જ ‘હાઉ’ છે. ઘણી જગ્યાએ લૂંટ ચલાવે છે. ચેતતાં નર સદા સુખી.’
અમે નજીકની માર્કેટમાંથી ગમતી વસ્તુ લઈ ઓછું રિસ્ક ભેગું ફેરવીએ એવું નક્કી કર્યું. સાંજે મળવાનું નક્કી કરી માર્કેટ વિશે વિગત જાણી પહોંચી ગયા માર્કેટમાં.
યાદ નથી સનત-સચ્ચુએ શું લીધું… પણ મેં યાશિકા નામનો એક કેમેરા લીધો, જે આજે પણ ચાલે છે. ઓફકોર્સ, મોબાઈલને કારણે એટલો ઉપયોગ થતો નથી એ જુદી વાત છે, છતાં અમૂક સ્થળે હું એ ભાર ‘વેંઢારતો’ રહું છું.
સાંજના શો માં સંજયનાં મમ્મી-પપ્પાને મળ્યાં. મુંબઈ આવી સંબંધ થોડો સમય ટકાવ્યા પણ ધીમેધીમે અહીંની ઝંઝાળમાં અટવાતાં એ લુપ્ત થતાં ગયાં.
અશોક જોગ અને આ ઉંમરે એમનો તરવરાટ એક શીખ અમને આપતો ગયો કે કામ કરવાની ઉંમરે જો આરામ કરશો તો આરામ કરવાની ઉંમરે મહેનત કરવી પડશે.
વહેલી સવારે ‘વોક’ કરવાં જાઉં ત્યારે ઓલિમ્પિકમાં જતો હોઉં એવી ફીલિંગ્સ આવે છે. સાલું, રોજ સવારે સાંભળવાનું કે આવો ત્યારે બે ‘ગોલ્ડ’ (અમૂલ) લેતાં આવજો.
આપણ વાંચો: શો-શરાબાઃ —એન્ડ ધ નેશનલ ફિલ્મ એવૉર્ડ ગોઝ ટુબોલિવૂડ અને નેશનલ એવૉર્ડ્સ: કોને કોની વધુ જરૂર છે?