મેટિની

સદાબહાર સલિલ ચૌધરી: ભારતીય સિનેમાના ‘શતખંડ’ સંગીતકાર

સ્ટાર-યાર-કલાકાર -સંજય છેલ

સંગીત હૃદયોને જોડવાનો સેતુ છે ને સ્વર સાચો હશે તો દિલની આરપાર ઊતરશે જ.

સામાન્ય કલાકારની એ કરે છે જે તે કરી શકે, પરંતુ પ્રતિભાશાળી તે કરે છે જે કરવું જરૂરી છે!

કલાકાર ક્યારેય પૂરેપૂરો સંતુષ્ટ થઈ જ શકતો નથી. મને લાગે છે, હું મારી કલ્પનાનાં માત્ર 30%
જ વાપરી શક્યો છું.

આવું વિચારનાર લેખક કવિ નાટ્યકાર અને હિંદી બંગાળી મલયાલમ ફિલ્મોના સુપરહિટ સંગીતકાર સલિલ ચૌધરીનું આ જન્મ શતાબ્દી વર્ષ છે. સલિલ ચૌધરીમાં ભિન્ન ભિન્ન 100 સલિલદા હતા: શતખંડ!

બહુમુખી પ્રતિભા ધરાવતા સલીલ ચૌધરી પશ્ર્ચિમ બંગાળના ગાઝીપુર ગામમાં જન્મેલા. સલિલદાના પિતા જ્ઞાનેન્દ્ર ચૌધરી આસામની ટીએસ્ટેટમાં ડોક્ટર ને સંગીત પ્રેમી હતા. ચાના બગીચાના આદિવાસીઓ સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા લેતા સલિલદાને બાળપણથી જ સંગીતનું ઘેલું લાગ્યું.

સલિલદા કલકત્તામાં કોલેજકાળ પછી બંગાળના દુષ્કાળ, ભારતીય સ્વતંત્રતા ચળવળથી પ્રભાવિત થઈને, ડાબેરી વિચારધારા તરફ ઝુકવા લાગ્યા. કોલેજમાં રાજકીય જાગૃતિને કારણે ‘ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન’ (‘ઇપ્ટા’)માં જોડાયા. સલિલદા મજાકમાં કહેતા, હું ગીત બનાવતો નથી, ગીત પોતે જ રિહર્સલ કરીને, તૈયાર થઈને મારી સામે આવે છે.’

પણ ના, એમના સંગીત પાછળ વર્ષોની તાલીમ, વાંચન, રાજકીય પ્રતિબદ્ધતા અને ‘ઇપ્ટા’ જેવી સામ્યવાદી નાટ્યસંસ્થાના વિચારનો સામાજિક સંઘર્ષ હતો.

1949માં બંગાળી ફિલ્મ ‘પરિવર્તન’થી ફિલ્મી સંગીત આપવાનું શરૂ કર્યું. સલિલદાએ બંગાળના દુકાળગ્રસ્ત કિસાન વિશે એક વાર્તા લખી: ‘રિક્ષાવાલા’, જે બિમલ રોયને એટલી ગમી કે એના પરથી ‘દો બીઘા જમીન’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું, પણ સલિલદાએ શરત મૂકી, ‘ફિલ્મમાં વાર્તાની સાથે સાથે સંગીત પણ મારું જ હશે!’ ને આમ, હિન્દી ફિલ્મોમાં સલિલદાનો પ્રવેશ થયો. એ ફિલ્મને 1954ના ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. એ ફિલ્મનાં ગીતો ‘કુછ તો કહાની છોડ જા મૌસમ બિતા જાયે..’, ‘હરિયાલા સાવન ઢોલ બજાતા આયા’, ‘અજબ તોરી દુનિયા હો મેરે રાજા’ ને ક્લાસિક ગણવામાં આવે છે.

બોલિવૂડમાં સલિલદાના સંગીતે ‘મધુમતી’, ‘પરખ’, ‘આનંદ’, ‘દો બીઘા જમીન’, ‘છાયા’, ‘આવાઝ’,

‘રજની ગંધા’, ‘છોટી સી બાત’, ‘મેરે અપને’જેવી અનેક યાદગાર ફિલ્મોને અમર બનાવી.

મધુમતીના આજા રે પરદેશી પહેલીવાર સાંભળીને બિમલ રોય બે ઘડી ચૂપ થઇ ગયા ને પછી કહ્યું, આ ગીત નથી આ તો એક કોઇ ગૂઢ લાગણીનું ગુંજન છે.

સલિલ હસીને બોલ્યા, દાદા, આ તો પહાડો પાસેથી મેં સાંભળેલો સ્વર છે. ‘મધુમતી’ માટે એમને શ્રેષ્ઠ સંગીતકારનો ‘ફિલ્મફેર’ એવૉર્ડ મળેલો. એ ફિલ્મનાં બધાં ગીતો: ‘દિલ તડપ તડપ કે કહે રહા’, ‘સુહાના સફર ઔર યે મૌસમ’, ‘ચઢ ગયો પાપી બિછુઆ’, ‘ઘડી ઘડી મોરા દિલ ધડકે’, ‘ઝુલ્મી સંગ આંખ લડી રે’ આજેય સુપરહિટ છે.

કિશોર કુમાર સાથેના સલીલદાના કિસ્સાઓનો તો ખજાનો છે. કિશોર એમને મજાકમાં કહેતા, તમારી ધૂન દિમાગને હલાવી દે એવી મુશ્કેલ ને ગાવામાં અઘરી હોય છે.

એકવાર ગીતનું રેકોર્ડિંગ થઈ ગયું પછી કિશોરકુમારે પરસેવો લૂછીને કહ્યું, ‘સલિલદા, તમે ગીત નથી ગવડાવતા, પણ કસરત કરાવો છો! સલિલદા તરત બોલ્યા, પણ એનાથી તારા અવાજના મસલ્સ તો બને છે ને? અને એ જ સલિલદાએ કિશોરકુમાર પાસે: ‘કોઇ હોતા જિસકો અપના, હમ અપના કહ લેતેં યારોં…’જેવું ગંભીર ગીત ગવડાવેલુ.

નિર્દેશક હૃષિકેશ મુખર્જી કહેતા, સલિલદાએ ક્યારેય માનવીય સંવેદના વિનાનું, ખાલીખમ ગીત બનાવ્યું નથી. એમનાં ગીતોમાં હંમેશાં માણસની ગરિમા હોય છે.

સલિલદાએ આસામનાં જંગલોમાં બંગાળી લોકસંગીત અને કોલકાતાની ગલીઓમાં પશ્ર્ચિમી સંગીતનાં સ્વરો એમ બંને સાંભળ્યા. પશ્ર્ચિમની સમૃદ્ધ તાલમેળ અને ભારતની માટીનો સુગંધિત લોકસ્વાદ. એ કહેતા- પૂર્વ કે પશ્ર્ચિમ, હું કોઇ એક શું કામ પસંદ કરું? મારું હૃદય તો બંને લય પર ધબકે છે.

સલીલ ચૌધરીના શરૂઆતનાં બંગાળી ગીતો ‘બેચરપોટી તોમર બિચાર’, ‘હે શામલો ધન હો’, ‘ઓ મોડેરે દેશોબાશી રે’, ‘કોનો એક ગીયર બોધુ’, ‘ધવાક’, ‘ધેઉ ઉઠાવે કારા ટુચે’, ‘અબક પૃથ્વી’ જેવાં ગીતો ક્રાંતિકારી અને રાજકીય પ્રભાવ ધરાવતા હતા.
સલિલદાએ આવાં ગીતોને ‘અંતરાત્માનાં ગીતો’ કહ્યા છે. સલિલ ચૌધરીએ 1958માં બોમ્બે યુથ કોરસ ગાયકવૃંદની સ્થાપના કરી, જે ભારતનું પ્રથમ ધર્મનિરપેક્ષ ગાયકવૃંદ હતું. પછી આખા ભારતમાં આવા ગાયકવૃંદ બનાવવાની પ્રેરણા મળી.

1971માં, હિન્દીની સૌથી યાદગાર ફિલ્મોમાંની એક હૃષિકેશ મુખર્જી દ્વારા નિર્દેશિત ને રાજેશ ખન્ના અભિનીત ‘આનંદ’માં સલિલદાએ સંગીત આપેલું. ‘કહીં દૂર જબ દિન ઢલ જાયે..’, ‘મૈંને તેરે લિયે હી સાત રંગ કે સપને..’, ‘ઝિંદગી કૈસી હૈ પહેલી..’ જેવા અમર હૃદયસ્પર્શી ગીતો વડે કેન્સર જેવા ગંભીર વિષયને ન્યાય આપ્યો.

વળી સલિલદાએ એવૉર્ડ વિનર મલયાલમ ફિલ્મ ‘ચેમ્મીન’ માટે નિર્દેશક રામુ કારિયતને કહેલું,

તમારો તો દરિયો જ પોતાનો એક સૂર લઈને આવે છે. મારે એની પાસે લય શીખવો પડે.

માછીમારોનાં ગીતોમાંથી ‘મનસા મૈને વરુ’ જેવાં ગીતો રચ્યાં. એક મલયાલમ વિવેચકે લખ્યું,

સલિલ માત્ર કેરળ આવ્યા નહોતા, તે તો કેરળની ધડકન બની ગયેલા.

કમાલ એ છે કે સલિલદાને મલયાલમ ભાષા નહોતી આવડતી તોયે 41 ફિલ્મોમાં સંગીત આપ્યું! વળી કેટલા ગુજરાતીને ખબર છે કે સલિલદાએ હની છાયા નિર્દેશિત ગુજરાતી ફિલ્મ ‘ઘર સંસાર’ માટે પણ મ્યુઝિક આપેલું, જેનાં ગીતો કવિ વેણીભાઇ પુરોહિતે લખેલા.

લતાજી કહેતાં કે સલિલદાની રચનાઓ ગાવી ચેલેન્જિંગ, પણ એમની ધૂનમાં જાદુ રહેતો. લતાજીએ 75થી વધુ હિન્દી ફિલ્મોમાં સલિલદા સાથે કામ કર્યું, જેમ કે ‘પરખ’માંનું ‘ઓ સજના બરખા બહાર આઈ’ જેવું રોમેન્ટિક ગીત, સદાબહાર છે. ‘કાબુલીવાલા’નું ‘ઐ મેરે પ્યારે વતન’ જેવું દેશભક્તિનું ગીત, આજેય વતનથી દૂર માણસને રડાવી મૂકે છે. ‘છાયા’ ફિલ્મમાં ‘ઇતના ના મુઝસે તુ પ્યાર બઢા’ તેમણે મોઝાર્ટની સિમ્ફોનીને ભારતીય રાગ સાથે મેળવીને બનાવ્યું અને એટલે જ ઘણાં એમને ‘ભારતની માટીનો મોઝાર્ટ’ કહેતા!

સલિલદા 100 સાજિંદાઓની ઓર્કેસ્ટ્રા વાપરતા ને ચર્ચની પ્રાર્થનાના કોરસ જેવી ટેક્નિકથી ગીતોમાં ઊંડાણ લાવતા, જેમ કે: ‘રજનીગંધા’નું ‘ના જાને ક્યું હોતા હૈ યૂં ઝિંદગી કે સાથ’. વળી ‘મધુમતી’માં ‘ઝુલ્મી સંગ આંખ લડી’ ગીતમાં જાઝ, કવ્વાલી અને બોસાનોવા જેવા આદિવાસી જાતિઓ સાથે પ્રયોગ કરેલો.

વળી જે ફિલ્મોમાં એકપણ ગીતો ના હોય એવી બી.આર.ચોપરાની ‘કાનૂન’ અને યશ ચોપરાની ‘ઇત્તફાક’ જેવી ફિલ્મોમાં કમાલનું બેકગ્રાઉંડ મ્યુઝિક આપેલું. આજે એમનો દીકરો સંજય ચૌધરી ખૂબ સફળ બેકગ્રાઉંડ મ્યુઝિક ડાયરેક્ટર છે.

સલિલ ચૌધરીનું 5 સપ્ટેમ્બર, 1995ના રોજ અવસાન થયું, પરંતુ તેમનો વારસો જાળવવા 2002માં પત્ની સબિતા અને પુત્રી અંતરા ચૌધરીએ સલિલ ચૌધરી ફાઉન્ડેશન ઓફ મ્યુઝિક, સોશ્યલ હેલ્પ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરી.

આખરે સલિલદાનું પોતાનું વાક્ય જ તેમની શ્રદ્ધાંજલિ બની રહે છે:

‘મારું ગીત જો એક દુ:ખી આત્માને હિંમત આપે તો મારું કાર્ય પૂર્ણ ગણાશે’!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button