સ્ટાર-યાર-કલાકારઃ અલ્ટ્રા રોમેન્ટિક દેવ આનંદની અણકહી લવસ્ટોરી

સંજય છેલ
વિખ્યાત વિચારક ખલીલ જિબ્રાન એમની પ્રેમિકા મેઝયાદાહને જોયા કે મળ્યા વગર 20-20 વર્ષ પ્રેમ કરતા રહ્યા. આવી જ કથા એક બોલિવૂડ સ્ટારની છે, પણ પહેલાં જિબ્રાનની વાત.
જિબ્રાન ન્યૂયોર્કમાં રહેતા ને મેઝયાદાહ છેક ઇજિપ્તના કૈરો શહેરમાં. બેઉ માત્ર પ્રેમપત્રોમાં મળતાં. એક પત્રમાં, જિબ્રાને લખ્યું, ‘હવેના પત્ર સાથે એક ફોટો મોકલો. તમે કેવી દેખાઓ છો એ મારે જોવું છે.’
મેઝયાદાએ લખ્યું, ‘કલ્પના કરો કે હું કેવી છું?’
જિબ્રાને લખ્યું, ‘મને લાગે છે કે તમારા વાળ ટૂંકા હશે, જે ચહેરાને સ્હેજ ઢાંકતા હશે…’
મેઝયાદાએ પોતાના લાંબા વાળ કાપી નાખ્યા ને પત્ર સાથે ટૂંકાવાળવાળો ફોટો મોકલ્યો.
જિબ્રાને લખ્યું, ‘જુઓ, મારી કલ્પના સાચી હતીને?’
‘ના. તમારો પ્રેમ વધુ સાચો હતો…’ મેઝયાદાએ લખ્યું.
દરેક સાચી ને દિલમાં ઉતરતી પ્રેમકથામાં કલ્પના, વાસ્તવિકતા અને પ્રેમનું કોકટેલ – કોંબિનેશન હોય છે. ભારતમાં સૌથી લાંબા સમય હીરો બની રહેવાનો રેકોર્ડ ધરાવનારા હેંડસમ સ્ટાઇલિશ દેવ આનંદના પડદા પરના ને બહારના રોમાંસ વિશે અનેક કથાઓ લખાઇ છે.
પણ એક કથા અણકહી રહી ગઇ છે.
દેવ એમની પહેલી ફિલ્મ ‘હમ એક હૈં’નું શૂટિંગ માટે પૂના ગયેલા. જે ગેસ્ટહાઉસમાં રોકાયેલા ત્યાં બાજુની રૂમમાં એક સુંદર છોકરી પણ રોકાયેલી. બેઉ ઘણીવાર રાત્રે ગેસ્ટ હાઉસના ડાઇનિંગ રૂમમાં ડિનર પર મળતા, વાતો કરતા, ને ધીમેધીમે દેવને છોકરી ગમવા લાગી ને છોકરીને દેવ.
એકરાત્રે દેવ શૂટિંગમાંથી પાછા આવ્યા તો જોયું કે એ છોકરી ડાઇનિંગ રૂમમાં નથી. ત્યારે ગેસ્ટહાઉસના રસોઈયાએ દેવ આનંદને કહ્યું: ‘એ છોકરી આજે અહીં નહીં જમે.’
દેવ તો ઉદાસ થઈ ગયા. રસોઈયાએ તરત કહ્યું,
‘એટલે એ પોતાના રૂમમાં જમવાની છે ને મેં તમારું ડિનર પણ ત્યાં જ પહોંચાડી દીધું છે.’ દેવસાહેબે છોકરીના રૂમ તરફ જોયું તો છોકરી રૂમના દરવાજા પાસે નાઈટડ્રેસ પહેરીને ઉભી હતી.
દેવ આનંદ એમની આત્મકથા, ‘રોમાન્સિંગ વિથ લાઈફ’ માં આ વિશે લખે છે: ‘એ દિવસે પહેલીવાર, મને એક સંપૂર્ણ પુરુષ હોવાનો અનુભવ થયો. એ એક જ રાતમાં બધી જ જૂની ગર્લફ્રેન્ડ્સ, લાહોરની કોલેજમાં સાથે ભણતી ઉષા, સ્કૂલમાં સાથે ભણતી મારિયાને હું ભૂલી ગયો. એ રાત પછી, દેવ સાહેબ ને પેલી છોકરી એક જ ગેસ્ટહાઉસમાં રહેનારા બે અજાણ્યા મુસાફર નહોતા. હવે બેઉ ગેસ્ટહાઉસની આસપાસના શેરડી ને મકાઈના ખેતરોમાં ફરતાં, સાથે કલાકો સમય વિતાવતાં.
એક દિવસ છોકરીએ કહ્યું, ‘કાલે મને મળવા આવો, ત્યારે તમારું બેસ્ટ શર્ટ પહેરીને આવજો.’
‘કેમ હું રોજ સારા કપડાં નથી પહેરતો?’ દેવસાહેબે હસતાં હસતાં પૂછ્યું.
‘એવું નથી, પણ કાલે મારો જન્મદિવસ છે. કાલે હું પણ મારી ફેવરિટ સાડી પહેરીશને મારા માટે કોઈ ગિફ્ટ નહીં લાવતા. બપોરે આપણે અહીંયાં શેરડીનાં ખેતરમાં મળીશું.’
દેવ સાહેબે મલકીને કહ્યું, ‘ઓકે.. શ્યોર!’
પછી છોકરી અચકાઇને બોલી,‘શું છે કે કાલે મારા હસબંડ પણ આવી રહ્યા છે. મારા બર્થ-ડેની સાંજ મારી સાથે વિતાવવા.
‘હસબંડ’ શબ્દ સાંભળતા જ દેવ ચોંકી ગયા. ફક્ત બે જ શબ્દો બોલી શક્યા: ‘તમારા હસબંડ?’
જી હા. મારા પતિનું બીજી સ્ત્રી સાથે અફેર ચાલે છે. અમારો સંબંધ નામ પૂરતો જ છે
સોરી પણ મને કેમ એમ લાગે છે કે હું તમારા પતિ સાથે ચીટિંગ કરી રહ્યો છું. દેવ આનંદે ઉદાસ થઈને પૂછ્યું.
‘મેં તમને કહ્યું જ ન હોત તો?’ છોકરીએ સામું પૂછ્યું.
‘ના કહ્યું હોત તો સારું થાત.’
‘તો એ તમારી સાથે ચીટિંગ ના હોત?’ છોકરીએ પૂછ્યું
બીજા દિવસે સાંજે દેવ એ છોકરીને મળ્યા. બેઉ રોમેન્ટિક મૂડમાં હતા. દેવ સાહેબે છોકરીને કહ્યું, ‘આજે તને હું મારી જાત ભેટમાં આપી રહ્યો છું. તું મને જ્યાં ચાહે ત્યાં લઈ જઈ શકે છે.’
છોકરીએ કહ્યું, ‘ભલે પણ મારા પતિને અંતિમ વિદાય આપવા દો. એ કાલે સાંજ સુધી અહીંયા રહેશે એ પછી હું તમને મળીશ…’
બીજા દિવસે સાંજે, જ્યારે દેવ ડાઇનિંગ રૂમમાં પહોંચ્યા. છોકરી ત્યાં નહોતી. છોકરીના રૂમ પર ગયા તો ત્યાં તાળું હતું. દેવ નિરાશ થઈને ડાઇનિંગ રૂમના એક ખૂણામાં બેઠા. થોડીવારે ગેસ્ટ હાઉસની બહાર એક કાર આવવાનો અવાજ સંભળાયો. એ કારમાંથી પેલી છોકરીને ઉતરી ને કારની
બીજી બાજુએથી પહેલવાન જેવો માણસ બહાર આવ્યો. પતિને રૂમમાં મોકલીને છોકરી ઝડપથી ડાઇનિંગ રૂમમાં આવી ને દેવનો હાથ પકડીને આંખો બંધ કરી, જાણે એ કશુંક કહેવા માંગતી હતી પણ કહી શકતી નહોતી.
‘શું થયું? કોઇ પ્રોબ્લેમ?’ દેવ આનંદે પૂછ્યું.
છોકરીએ આંખો ખોલી, દેવનો હાથ છોડી દીધો ને બંને હાથે પોતાનો ચહેરો ઢાંકી દીધો. પછી થોડીવારે દેવને જોઈને કહ્યું: ‘મારું પતિ સાથે સમાધાન થઇ ગયું છે. એમણે વચન આપ્યું કે એ ક્યારેય બીજી સ્ત્રીને નહીં મળે ને મારી સાથે જ રહેવા માંગે છે. શું કરું?’
દેવ, ચૂપચાપ એને જોતા રહ્યા. છોકરીએ જે કહ્યું એ જરાય ગમ્યું નહોતું. આંખોમાં ગુસ્સો હતો છતાંયે જાતને કાબૂમાં રાખીને છોકરીને દેવે કહ્યું, ‘તારું મન જેમ કહે છે તે કર.’
‘મારે પાંચ વર્ષનો દીકરો પણ છે, જે પંચગનીની બોર્ડિંગ સ્કૂલમાં ભણે છે.’ છોકરી બોલી પડી
‘તું તારા દીકરાને મળવા નથી જતી?’
‘ક્યારેક. દીકરો, અમને માબાપને બહુ યાદ કરે છે.’ છોકરીએ ફરીથી આંખો બંધ કરી.
‘હું ચાહું છું કે જા, તું તારા પતિ ને દીકરા સાથે સુખેથી જીવન જીવે.’ આટલું કહી દેવ આનંદે છોકરીના હાથ પર કિસ કરી…..છેલ્લી કિસ…
દેવ આનંદ બીજી બાજુ મોં કરીને પાણી પીતાં પીતાં વિચારી રહ્યા હતા કે કાશ, એ પાણી પૂરું કરીને પાછળ જુએ, ત્યારે છોકરી ત્યાંથી જતી રહે ને બરોબર એમ જ થયું. એ છોકરી જતી રહેલી દેવના જીવનમાંથી કાયમ માટે.
આમ એ નાનકડી લવસ્ટોરીનો અંત આવ્યો. તમે પૂછશો- વિચારશો- શોધશો કે એ સ્ત્રી કોણ હતી? તો એનો કોઈ જ જવાબ નથી.
વિશ્વમાં એકલે હાથે 46 વરસ ફિલ્મ બનાવવાનો રેકોર્ડ ધરાવનાર અભિનેતા-નિર્માતા-નિર્દેશક એવા સદાબહાર દેવ આનંદની આજે 102મી જન્મજયંતી છે.
લવ યુ, દેવસાબ!