સ્ટાર-યાર-કલાકારઃ અભિનેતાઓનો ફાધર નહીં ગોડફાધર છે માર્લોન બ્રાન્ડો | મુંબઈ સમાચાર
મેટિની

સ્ટાર-યાર-કલાકારઃ અભિનેતાઓનો ફાધર નહીં ગોડફાધર છે માર્લોન બ્રાન્ડો

  • સંજય છેલ

-‘અભિનય, કોઇ પાગલ આવેશની અવસ્થા છે. ટૂંકમાં અભિનયનો ધંધો છોડવો એ જ ડહાપણની નિશાની છે.’


‘તમે જેટલા વધુ સંવેદનશીલ હશો, એટલા જ વધુ નિર્દયી બની શકો છો!’


‘વધુ પડતી સફળતા તમને વધુ પડતી નિષ્ફળતા જેટલા જ બરબાદ કરી શકે છે.’


‘જીવનને ઊંડાણથી સમજવું એ અભિનેતાનું કર્તવ્ય છે. હવે એ કઇ રીતે કરવું એ એનો પ્રોબ્લેમ છે પણ પડદા પર સચોટ વ્યક્ત કરવામાં જ કસોટી અને કલાકારી છે.’


આ બધા વિચાર કે ક્વોટેશન્સ છે અભિનયના મહારથી એવા અદાકાર માર્લોન બ્રાન્ડોના. આજે 53 વરસ અગાઉ 1972માં આવેલી ‘ધ ગોડફાધર’ ફિલ્મ ફરી થિએટરોમાં રજૂ થઇ છે ત્યારે એમાં વિશ્વ સિનેમામાં અમર એવી ઇટાલિયન માફિયા ‘ડોન વિટો કોરલિઓને’ની ભૂમિકાને કરનારા માર્લોન બ્રાન્ડો યાદ આવે.

…પણ કોઇ માનશે કે અભિનયના ભીષ્મ પિતામહ બ્રાન્ડોએ પણ એ રોલ મેળવવા માટે ‘સ્ક્રીનટેસ્ટ’ એટલે રોલ મેળવવા રીતસર પરીક્ષા આપેલી? નવા નિશાળિયા કલાકારની જેમ, મોંમા જડબા નીચે કોટનના ટુકડા મૂકીને, ગાલ ફૂલાવીને ફોટા પડાવીને નિર્માતા નિર્દેશકને દેખાડેલા!

આપણે ત્યાં દિલીપકુમાર કે અમિતાભ, રોલ મેળવવા આવું કરી શકે? ના. નેવર.
વળી ‘ધ ગોડફાધર’માં બ્રાન્ડોએ ખૂબ સહજતાથી કામ કરેલું. ત્યાં સુધી કે લખેલા સંવાદો અગાઉથી ગોખવાની પણ ના પાડી દીધેલી! એને બદલે સેટ પર લખી રાખેલ પાટિયામાંથી હાલતા ચાલતા એ સંવાદોને વાંચતો અથવા ઘણીવાર સાથી અભિનેતાઓના કપાળ કે શરીર પર સંવાદોની કાપલી ચોંટાડી રાખતો…!

હા, આપણે ત્યાં અક્ષયકુમાર પણ આવું જ કરે છે, કારણકે અક્ષયકુમારને હવે ડાયલોગ્સ યાદ નથી રહેતા. રાજેશ ખન્ના પણ એમના અભિનય કેરિયરના ઉત્તરાર્થમાં કેમેરા તરફ પાટી પર સંવાદ લખાવીને રાખતા… પણ બ્રાન્ડો માટે આમ કરવું એ પોતાના પર્ફોર્મન્સને તાજું અને સ્વયંસ્ફુર્ત રાખવાનો કીમિયો હતો.

ખૂબ ગંભીર ગણાતો માર્લોન બ્રાન્ડો, ફિલ્મના સેટ પર ખૂબ તોફાની હતો. એક વખતે મૂડ હળવો કરવા માટે એક સીનમાં ત્યારનાં સ્ટાર જેમ્સ કાનને અચાનક થપ્પડ મારી દીધી ને કહ્યું: ‘બેટા, આ ખાલી એક્ટિંગ છે. બહુ સીરિયસલી નહીં લેવાની!’. પણ એ જ માર્લોન બ્રાન્ડોએ પોતાનાથી જુનિયર પણ અદ્ભુત અભિનેતા અલ પચીનોને કારકિર્દીની શરૂઆતમાં માર્ગદર્શન આપેલું, જેમ કે ‘શોટ પતે પછી વારે વારે મેકઅપમાં ના જા, એકવાર રોલમાં ગયા પછી એમાં જ રહે.’

1971માં ‘ધ ગોડફાધર’ના શૂટિંગ વિશે બ્રાન્ડોના સાથી કલાકાર રોબર્ટ ડુવાલ યાદ કરતા કહે છે:-અમે ગંભીર સીન કરી રહ્યા હોઈએ, કેમેરા, ચાલુ થવાનો હોય ત્યારે બ્રાન્ડો અચાનક મજાકમાં મારી મજાક કરી લેતો. એનું એમ કહેવું હતું ,‘આપણે માફિઆ નથી. મામૂલી એક્ટરો છીએ.’ અમુક મજાકમસ્તી જે ફિલ્મની સ્ક્રિપ્ટમાં નહોતી, પણ બ્રાન્ડોએ ડુવાલ સાથ ઉમેરેલી અને એટલે જ ‘ધ ગોડફાધર’ કોઇ ક્રૂર માફિઆઓની ગાથાને બદલે એક રિયલ ફિલ્મ બની શકી.

બ્રાન્ડો સ્ફૂર્ણા ને મૂડ પર ખેલતો, જ્યારે ડુવાલ નાટકોની શિસ્તવાળો, છતાં પણ બંને વચ્ચે એક કેમેસ્ટ્રી કે દોસ્તી જામી ગઈ હતી.

એક સવારે બ્રાન્ડો અચાનક ડુવાલના હોટલ રૂમમાં સેંડવિચ ને વાઇનની બોટલ ઉપાડી લાવ્યો :

‘ચલ યાર, નકલી કિરદારો ભજવતા પહેલાં સાચુકલા માણસની જેમ વાતો કરીએ. એ પછી બન્નેએ કલાકો સુધી કૌટુંબિક સંબંધો, શહેરનાં ઘોંઘાટ, પક્ષીના અવાજો વગેરેની ચર્ચા કરી ને પછી શૂટિંગમાં ગયા.

રોબર્ટ ડુવાલે નોંધેલું કે‘બ્રાન્ડોની ખાસિયત એ હતી કે સેટ પર બીજા કલાકારોને ગરુડની જેમ તાકતો રહેતો. પછી સાથી કલાકારની કોઇ નાનકડી હરકતને પકડીને એની આસાપાસ અભિનય કરતો.’

એકવાર હોસ્પિટલના સિરિયસ સીનમાં બ્રાન્ડોએ ડુવાલને કાનમાં કહ્યું. ‘જો આ સીનમાં તું મારી તરફ જોયા વિના અભિનય ના કર. તારા બુઢા બાપને યાદ કર.’ અને આ એક નાનકડી વાતથી આખો સીન ઊંચકાઇ ગયો.

‘ધ ગોડફાધર’ બાદ 1976માં ‘એપોકેલિપ્સ નાઉ’ના શૂટિંગ માટે નવો અભિનેતા માર્ટિન શીન ફિલિપાઇન્સમાં શૂટિંગમાં પહોંચ્યો ત્યારે એ નર્વસ હતો કે બ્રાન્ડો સામે સીન કરવા અઘરા પડશે. બ્રાન્ડો મોડેથી સેટ પર આવ્યો.

ચીડિયો મૂડ, ચહેરો ઉંઘરેટો, ડાયલોગ મોઢે કરવા માટે તૈયાર નહીં. ડિરેક્ટર કોપોલા પહેલેથી જ ટેંશનમાં હતા એમણે માર્ટિનને સમજાવ્યો, જો બ્રાન્ડો જે કરે એને તું ફક્ત સાંભળજે, જોતો રહેજે ને માત્ર રીએક્ટ કરજે. એક્ટિંગ જરાયે ના કરતો.

અંધારિયા સેટ પર મૂંડાવેલા માથાવાળો બ્રાન્ડો, ધાબળામાં વીંટાઇને કંઇક સંવાદો બબડતો રહ્યો. માર્ટિન શીન પણ ગોખેલા સંવાદો બાજુએ મૂકીને, જે સૂઝે તે કરવા માંડયો. બસ. એમાં જ એની સાચી બેચેની બહાર આવી, કોઇજાતના ફિલ્મી અભિનય વિના. પછી છેક ત્રીજા દિવસે બ્રાન્ડોએ આસ્તેથી માર્ટિનના ખભે હાથ મૂકીને કહ્યું, ‘બેટા, તું સીનમાં ટકી ગયો. સલામ!’

બાપ માણસ બ્રાન્ડોનું બસ જ આટલું કહેવું પણ માર્ટિન માટે અણમોલ સોગાત હતી.
બ્રાન્ડોના એ શબ્દો મને આજીવન યાદ રહેશે. હજારો પ્રેક્ષકોની તાળીઓ કરતા અનેકગણી એ શાબાશી હતી. ત્યારે મને લાગ્યું કે હું એક જીવતી દંતકથાની સામે ઊભો હતો!

જે સ્ટાર કલાકાર માર્લોન બ્રાન્ડો પાસે પોતાનો પ્રાઇવેટ આખે આખો ટાપુ હતો એણે સફળતા પહેલાં રસ્તો ખોદવાનું કે લિફ્ટમેનનું કામ કરેલું. પછી નાટકોમાં છવાઇ ગયેલો.
‘સ્ટ્રીટ કાર નેમ ડિઝાયર’ નાટકમાં એ માત્ર ‘સ્ટેલા.’ નામની બૂમ પાડતો ને લોકો સ્તબ્ધ થઇ જતા.

જોકે, બ્રાન્ડો જેટલો મોટો સ્ટાર એટલો જ વિચિત્ર માણસ. પત્રકારોના ઇન્ટરવ્યૂઓ ટાળવા માટે બ્રાન્ડોએ પોતાના તગડા કૂતરા ટિમને રિપોર્ટર્સો સામે ઘૂરકવાની અને ભસવાની ખાસ તાલીમ આપેલી!

એકવાર બ્રાન્ડોને કોઇ પત્રકારે એમના સૌથી ફેવરિટ એક્ટર વિશે પૂછયું ત્યારે એણે કૂતરા ટિમને જોઇને કહેલું:
‘મારે હિસાબે આ મારો ટિમ જગતનો અત્યાર સુધીનો બેસ્ટ એક્ટર છે. જેવી એને ભૂખ લાગે કે તરત મને પ્રેમ કરવાનો અભિનય કરે છે.

આપણ વાંચો:  કવર સ્ટોરીઃ બાળકલાકારની વિશિષ્ટ ત્રિપુટી: ત્રિશા-કમલ-ઘનશ્યામ નાયક

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button