સ્ટાર-યાર-કલાકાર” બોલિવૂડ મર્ડર… યે રાત ફિર ના આયેગી

- સંજય છેલ
વાત બોલિવૂડની છે, પણ એનો ક્લાઇમેક્સ હોલિવૂડની કોઇ હોરર ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે એવો ડરામણો છે.
23 વરસનો હેંડસમ ચાર્મિંગ હીરો પોતાના જન્મદિવસે 3-4 મિત્રો સાથે રાતે ઘરે આવે છે ને એ જન્મદિવસ એની જિંદગી માટે સૌથી કમનસીબ દિવસ બની જાય છે.
20-20 ફિલ્મોનો સફળ નિર્માતા-નિર્દેશક માત્ર 57 વરસે છેલ્લેી 4-5 ફિલ્મોમાં ઉતાર ચઢાવને લીધે અને કૌટુંબિક કારણોસર હતાશામાં ડૂબી જાય છે, દિનરાત શરાબને રવાડે ચઢી જાય છે. અને પછી એવું કરી બેસે છે કે કોઇ વિચારી પણ ના શકે
1960માં આશા પારેખ કે સાધના જેવી ટોચની હીરોઇન સાથે કેરિયર શરૂ કરનાર અભિનેત્રી પછી નિષ્ફળ થઇને 1970ના દાયકામાં બીગ્રેડની ફિલ્મોમાં નાનકડી ભૂમિકા મેળવવા સ્ટુડિયોનાં ધક્કા ખાતી.
25 વરસની ખૂબસૂરત છોકરી, બાંદ્રાનાં અમીર બિલ્ડરના દીકરા સાથે પ્રેમ કરે છે, પણ બાપને એ છોકરો મંજૂર નહોતો. એ છોકરીના મોત પછી 14 વરસે એક અકસ્માતમાં એ છોકરો ખતમ.
પેલો નામી ફિલ્મ નિર્માતાનિર્દેશક, ઊભરતો યંગસ્ટાર, વિધર્મીને ચાહતી યુવતી, એક જમાનાની હીરોઇન, રઇસ બિલ્ડરનો દીકરો આ સૌને જોડતી એક ગોઝારી રાત આવી.
તમને દો બેચારે, બિના સહારે દેખો પૂછ પૂછ કે મારે, બિન તાલે કી ચાબી લે કે ફિરતે મારે મારે' ગીત યાદ છે? જી હાં, અશોક કુમારપ્રાણની
વિક્ટોરિયાનં.203′ સુપરહિટ ફિલ્મ ને ચોરી મેરા કામ',
એક સે બઢકર એક’, પ્રોફેસર પ્યારેલાલ',
યકીન’, કઠપૂતલી' જેવી ફિલ્મોના નિર્માતાનિર્દેશક હતા: બ્રિજ સદાના , જેમણે એક બીજીયે ફિલ્મ બનાવેલી:
યે રાત ફિર ના આયેગી’ .સફળ ને સ્ટાઇલિશ ફિલ્મ મેકર એવા આ બ્રિજના જીવનમાં પણ એક એવી રાત આવી કે જે કોઇના જીવનમાં ના આવવી જોઇએ.
2007માં હું પરેશ રાવલ સાથે એક ફિલ્મની શુટિગમાં હતો ત્યારે એક દૂબળો, થોડા સફેદવાળવાળો જુવાન, જૂની કોમેડી ફિલ્મની રિમેક માટે પરેશભાઇ સાથે નિર્માતા તરીકે મળવા આવેલો. જોઇને થયું કે એને ક્યાંક જોયો છે. હું નામ યાદ કરતો જ હતો ત્યારે એણે પોતે જ કહ્યું: `હાય, આઇ એમ કમલ…’
કમલ સદાના…. પછી યાદ આવ્યું કે રવિના ટંડનને ઘરે એને મળેલો, 1994-95માં રવિના અને કમલ વચ્ચે રોમાંસ ચાલતો ત્યારે એ પ્રોમિસિંગ સ્ટાર હતો. ત્યારે 15 વરસ બાદ ઓળખી ના શકાય એવો લાગતો હતો. 1993 કાજોલની પહેલી ફિલ્મ `બેખૂદી’માં પહેલાં સૈફઅલી ખાનની પણ હીરો તરીકે પહેલી ફિલ્મ આવવાની હતી , પણ સૈફના ખરાબ વર્તનને લીધે નિર્દેશક રાહુલ રવૈલે એને કાઢી મૂકીને કમલ સદાનાને જે નામી નિર્દેશક બ્રિજ સદાનાનો દીકરો હતો એને હીરો તરીકે ચાન્સ આપ્યો હતો.
6 ઓક્ટોબર 1933માં જન્મેલા બ્રિજ સદાના 1960થી 1980ના દાયકાના સફળ નિર્માતા-દિગ્દર્શક હતા. બ્રિજની પત્ની સઈદા પણ અભિનેત્રી હતી. સઈદાની માતા, અનવરી બેગમ પણ 1940ના સમયની અભિનેત્રી હતી. સઈદાની પહેલી ફિલ્મ કિશોર કુમાર સાથેની સુપરહિટ `અપના હાથ જગન્નાથ’ હતી. સમય જતાં સઇદાની ફિલ્મો નિષ્ફળ જતા મજબૂરીમાં સઈદાએ બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કરવા માંડ્યું. પછી સઇદાએ ફિલ્મો છોડીને બ્રિજ સાથે લગ્ન કર્યા. બ્રિજ અને સઈદાને બે બાળકો: કમલ અને નમ્રતા.
1980માં વિનોદ ખન્ના અચાનક રજનીશ પાછળ અમેરિકા જતા રહ્યા. ફિલ્મ લંબાઇ ગઇ અને બ્રિજને ભારે નુકસાન થયું, એવું જ રાજેશ ખન્નાની ફિલ્મ `ઊંચે લોગ’ પણ પૈસાને લીધે ખેંચાતી ગઇ. કરજના બોજમાં બ્રિજનો સ્વભાવ ચીડિયો થઈ ગયો. બ્રિજ ને સઈદા, વારંવાર ઝગડવા લાગ્યા. રોજના કંકાસ બાદ બ્રિજ, દારૂ પીધા પછી હોશકોશ ગુમાવી બેસતા. ઉપરથી દીકરી નમ્રતા બ્રિજની ઇચ્છા વિદ્ધ આબીસ રીઝવી સાથે લગ્ન કરવા માગતી હતી. આબીસના પિતા અખ્તર હુસૈન રિઝવી રાજ્યસભાના સાંસદ હતા. વળી બ્રિજ, સઈદા સાથે ઝઘડતા ત્યારે નમ્રતા હંમેશાં માનો પક્ષ લેતી એટલે બ્રિજને નમ્રતાની આ વાત પણ નહોતી ગમતી.
એકવાર બ્રિજ એટલા નશામાં ને ગુસ્સામાં હતા કે એમણે સઈદા ને નમ્રતા પર લાઇસન્સવાળી પિસ્તોલથી હુમલો કર્યો. ત્યારે સઈદા અને નમ્રતા બચી ગયેલા. સુનીલ દત્ત અને નરગિસજી સઈદાના સારા મિત્રો. નરગિસજીએ સુનીલ દત્તની મદદથી પોલીસને કહીને બ્રિજની પિસ્તોલ જપ્ત કરાવી.
થોડાક મહિના પછી બ્રિજે `મને ખાલિસ્તાનીઓની ધમકીઓ મળે છે’ કહીને પિસ્તોલ પાછી મેળવી.
21 ઓકટોબર -1990ના રોજ દીકરા કમલનો 20મો જન્મદિવસ હતો. કમલ પાર્ટી મનાવીને મિત્રો સાથે ઘરે આવ્યો. કમલે જોયું કે ઘરમાં હંમેશની જેમ ઝગડા ચાલુ હતા. કમલ, મિત્રોને પોતાના રૂમમાં લઈ ગયો કે અચાનક ગોળીબારના ધડાકા સંભળાયા. કમલ ને મિત્રો નીચે દોડ્યા. પિતા બ્રિજ, ગન પકડીને ઊભા હતા ને મા સઈદા ને બહેન નમ્રતા લોહીથી લથપથ જમીન પર કમલને જોતાંવેંત બ્રિજે એના પર પણ ગોળી ચલાવી પણ ગોળી કમલની ગરદનને અડીને નીકળી ગઈ. બ્રિજે બીજી ગોળી ચલાવી. કમલ ઝૂકી ગયો ને ગોળી કમલના મિત્રની હથેળીમાં વાગી. કમલનો બીજો મિત્ર દીવાલ પાછળ છુપાયેલો એટલે બચી ગયો.
બ્રિજને લાગ્યું કે એણે બધાંને ખતમ કરી નાખ્યા એટલે અંદર જઈને સૂઇ ગયા. પછી કમલ ને મિત્રોએ એમ્બ્યુલન્સ બોલાવી. નજીકમાં રહેતી સઈદાની બહેન શગુફ્તા પણ દોડી આવી પણ ત્યાં સુધીમાં નમ્રતા મરી ચૂકી હતી. સઈદા, હજુ જીવતી હતી, એને કારમાં હોસ્પિટલ લઇ જવાઇ પણ રસ્તામાં જ સઈદા પણ ખતમ….
જ્યારે બ્રિજને ભાન આવ્યું ત્યારે પસ્તાવા અને ભયને લીધે પોતાના મોંમાં પિસ્તોલ મૂકી ટ્રિગર દબાવી દીધું….. આમ એ રાતે મુંબઈનો પોશ વિસ્તાર ગણાતા બાંદ્રાના જલકમલ' બંગલાની આ ભયાનક ઘટનાએ બોલિવૂડને જ નહીં, આખા દેશને સ્તબ્ધ કરી મૂક્યો. એ પછી કમલે હીરો તરીકે, સહાયક અભિનેતા તરીકે અમુક ફિલ્મો ને સિરિયલો કરી.
વિક્ટોરિયા નં.203′ ની રી-મેક બનાવી અને `રોર: ટાઇગર ઓફ સુંદરવન’ નામની ખર્ચાળ ફિલ્મ, સ્વ. બહેન નમ્રતાના પ્રેમી આબીસ રીઝવીની સહાયથી નિર્દેશિત કરી, પણ કમનસીબી જુઓ કે એ જ આબિસનું 2017માં ઇસ્તાનબુલમાં કારઅકસ્માતથી મૃત્યુ થયું અને હવે માત્ર કમલ જીવે છે.
ખરેખર તો આ 21 ઓકટોબરના આ લેખ આવવો જોઇએ, પણ દિવાળીના દિવસોમાં ક્યાં આવી શાપિતકથા માંડીએ?
આપણ વાંચો : કવર સ્ટોરી: હવે શરૂ થયું AI અભિનેત્રીનું આક્રમણ…