સ્ટાર-યાર-કલાકાર : ‘ચૌંકના મત’… આ છે ‘અસરાની સર’ની પાઠશાળાનો ગુરુમંત્ર!

-સંજય છેલ
‘કહાની મેં ઉન કે હિસ્સે મેં આયે છોટેછોટે દ્રશ્ય,
ઉન છોટે છોટે જગહોં પર
ભરપૂર દિખને કી કોશિશ મેં
ઝ્યાદા ખિંચી ઉનકે ચેહરે કી માંસપેશિયાં,
ઉન્હોંને સપને સ્વપ્ન કા
વિકૃત યથાર્થ જિયા જીવન મેં…
વહ દર્શક સે નારાઝ થે
કિ વો સબ હંસતે હૈં
દેખકર ઉનકી એક હી ભંગિમા (ચેનચાળાં) બારબાર’
કવિ યોગેશકુમાર ધ્યાનીની અસરાનીજીના મૃત્યુ બાદ લખેલી કવિતાનો આ અંશ વાંચીને તમને થશે એક કોમેડિયનની અંજલિમાં આવી ગંભીર કવિતા?
હા, કારણ કે અસરાની માત્ર જોકર નહોતા. છેક 1982-83માં ગુજરાતી ફિલ્મ ‘જુગલ જોડી’માં મારા પપ્પા (છેલ-પરેશ) કલા નિર્દેશક હતા ત્યારે હું વડોદરાના લક્ષ્મી સ્ટુડિયોમાં ગયેલો. ફિલ્મમાં નરેશ કનોડિયા ને અસરાનીની જોડી હતી. ત્યારે પહેલીવાર અસરાનીજીને નજીકથી જોયેલા. ગુજરાતી ભાષાને ચીપી ચીપીને સારી રીતે બોલાવા ખૂબ મહેનત કરતા. ત્યારે ‘બાવર્ચી’, ‘ગુડ્ડી’, ‘ચુપકે ચુપકે’, ‘અભિમાન’, ‘શોલે’ના પાત્રો કરતાં અલગ જ અસરાની જોયેલા.
એક એક શબ્દનો અર્થ, ફિલ્મના નિર્દેશક સ્વ. અરુણ ભટ્ટને પૂછતા ને પછી ફાંકડુ ગુજરાતી શીખી પણ ગયેલા. ત્યારની શહેરી ગુજરાતી ફિલ્મોમાં અસરાની સ્ટાર હતા. અરુણ ભટ્ટની જ ‘મા-બાપ’ ફિલ્મમાં ‘હું અમદાવાદનો રિક્ષાવાળો, 999 નંબર વાળો..’, ગીતમાં તો છવાઈ ગયેલા. વરસો બાદ એમણે ‘અમદાવાદનો રિક્ષાવાળો’ ફિલ્મ નિર્દેશિત પણ કરેલી. બહુ ઓછા જાણે છે કે બહુ ઓછા ભજવાતા, ઓછા ઓડિયંસ માટે મુંબઇના સિંધી નાટકોમાં પણ અસરાનીજી કામ કરતા ને નિર્દેશન આપતા- વિસરાતી ભૂલાતી સિંધી ભાષા માટે.
હું ‘નસીબદાર’ (જે અસરાનીજીની સુપરહિટ ગુજરાતી ફિલ્મ હતી) છું કે બાળપણથી 2004-5 સુધી એમને વચ્ચેવચ્ચે મળવાનું થતું. મારી ‘ટીન એજ’ અવસ્થાનો એક વધુ અનુભવ 1984-85માં બોલિવૂડ કામદારોના લાભાર્થે બ્રેબોર્ન સ્ટેડિયમમાં ચેરિટી શો યોજાયેલો, જેમાં અમિતાભ, જીતેન્દ્ર, રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, મિથુન, આર. ડી. બર્મન, લતાજી,આશાજી, સુનીલ દત્ત અને કિશોર કુમાર વગેરે અનેક મહાનુભાવોએ પર્ફોમ કરેલું.
એ શોનો સેટ મારા પપ્પા (છેલ-પરેશની જોડી)એ બનાવેલો. હું 15-16 વરસનો ને મારે આગળ જઇને શો જોવો હતો. ત્યારે મારા પપ્પાના કલાકાર મિત્રએ પોતાની ખુરશી પાસે પહેલી રોમાં મને બેસાડ્યો. એ હતા અસરાનીજી. આખા શો દરમિયાન અસરાનીજીએ મને પાસે બેસાડીને ધ્યાન રાખ્યું ને એટલું જ નહીં, સ્ટેજ પર જ્યારે કિશોરકુમાર નાચતાગાતા આવ્યા ત્યારે હું ઊછળી પડ્યો. અસરાનીજી મને સ્ટેજ ઉપર ચઢાવીને કિશોરદા સાથે હાથ મિલાવી પણ આપ્યો…!
‘અસરાની સર’ ખૂબ ઉષ્માભર્યા કલાકાર હતા. જી હાં ‘અસરાની સર’, કારણ કે બોલિવૂડમાં ભલભલા સ્ટાર્સ એમને સર, ગુરૂ કે માસ્ટરજી કહે છે, કારણ કે એ ‘પૂના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ’માં અભિનયના પ્રોફેસર હતા. અનેક કલાકારોને પર્સનલી-અંગત રીતે પણ અભિનય શીખવાડેલો. આમ તો દાયકાઓથી મુંબઇમાં અનેક એક્ટિંગ સ્કૂલો ચાલે છે, પણ અસરાનીજી એટલે એવા વિશિષ્ઠ શિક્ષક કે માસ્ટર હતા, જે અભિનય સિવાય કલાકારના વ્યક્તિત્વને માંજતા- અભિનયની ખામીઓ સુધારતા, ખૂબીઓને વધારતા. સંજય દત્તની શરૂઆતની ખરાબ રીતે ડાયલોગ બોલવાની ક્ષતિને અસરાનીજીએ સુધારેલી. ફિલ્મ હીરોની ‘ચાલ’માં સ્ટાઈલ જોઈએ એટલે પાતળા પગવાળા અનીલ કપૂરના ‘સ્માર્ટ વોક’ કે ચાલ પર અસરાનીજીએ ખૂબ મહેનત કરેલી.
એ ગંભીર અદાકાર, ઊંડા ચિંતક અને અદ્ભુત વક્તા હતા. 1980-90ના દાયકામાં કિશોર કુમાર, લતાજી, બપ્પીજીના જે મોટા મોટા દેશ – વિદેશમાં મ્યુઝિકલ શો થતાં ત્યારે આખા શોનું એન્કર તરીકે મજેદાર સંચાલન અસરાનીજી કરતાં ને બે ગીત વચ્ચે મિમિક્રી-રમૂજ કે ફિલ્મી કિસ્સાઓ સંભળાવીને હજારો પ્રેક્ષકોને જબરા જકડી રાખતા.
એકવાર કલકત્તાના વિશાળ નેતાજી સુભાષ સ્ટેડિયમમાં કિશોરકુમાર ને બપ્પી લહેરીનો સહિયારો મ્યુઝિકલ કાર્યક્રમ હતો. બપ્પી લહેરીનાં ગીતો પછી કિશોરદાનો વારો હતો. બપ્પીનાં 4-5 ગીત પછી લોકો ‘બપ્પી-જા’…‘બપ્પી-જા’ની બૂમો પાડવા માંડ્યા. જેમ જેમ બૂમો વધી એમ એમ બપ્પીદા વધુ મૂડમાં આવીને ગાવા માંડ્યા, કારણ કે એમને લાગ્યું કે લોકો ‘બપ્પીદા…બપ્પીદા’ કહીને વધાવે છે!
હકીકતમાં દર્શકો કિશોર કુમારને સાંભળવા બેબાકળા થયેલા. સ્ટેડિયમમાં ધમાચકડી મચી ગઈ. હજારોની ભાગદોડમાં લોકોની જાનહાનિ થઈ શકે. એન્કર અસરાનીજી આ સમજી ગયા ને સ્ટેજ પર કિશોરદાને ખેંચીને ‘બપ્પી બપ્પી રે બસ કરો ઓ બપ્પી’ ગીત ગાયું- લોકો પાગલ થઈ ગયા, કારણ કે પછી કિશોરદાએ ‘કાંચી રે કાંચી રે’ ગીત એમાં જોડીને ડાંસ કર્યો ને શો આબાદ ઉગરી ગયો…
એ ગીત પછી અસરાનીજીએ કહ્યું, ‘માઈક ના છોડને કી આદત સિર્ફ નેતા કો નહીં અભિનેતા કો ભી હોતી હે. લીડર ઔર સિંગર સબ માઇક કે ભૂખે હૈં!’
એક જમાનામાં ‘ફિલ્મફેર એવોર્ડ’ના શો અત્યાર જેવા નકલી કે બોરિંગ નહોતા. ત્યારે બહુ સન્માનપૂર્વક તબસ્સુમ કે અસરાની સંચાલન સંભાળતાં. વળી અસરાની અને સંજીવ કુમાર મુંબઈની ચોપાટી પર નાળિયેરપાણી વેચનારા મલયાલી અને માલિશ કરવાવાળા બિહારીની અદ્ભુત આઇટેમ પેશ કરતા.
અસરાનીજીએ ‘ચલા મુરારી હીરો બનને’ ફિલ્મ બનાવેલી જે સમયથી આગળ હતી અને બોક્સ ઓફિસ પર ચાલી નહોતી. એમણે બીજી 2-3 ફિલ્મ પણ નિર્દેશિત કરેલી, જેમાં જેકી શ્રોફને લઈને ‘દિલ હી તો હૈ’ અને ‘રેખા-સૈફ’વાળી ‘ઉડાન’ ફિલ્મ હતી. એ બંને ફિલ્મને બનતા વરસો લાગ્યા ને ફિલ્મો નિષ્ફળ જતા અસરાનીજી આર્થિક-માનસિક રીતે તૂટી ગયેલા. આમેય 1985 પછી સાઉથની રિમેક ફિલ્મોમાં લેખક-અભિનેતા કાદરખાનની વલ્ગર કોમેડી આવવા માંડી ત્યારે અસરાનીજી ખૂબ અકળાતા ને અમુક ફિલ્મોમાં કાદરખાનના ચમચા જેવા રોલ પણ કર્યા… પણ પછી અશ્લીલતાનો અતિરેક થયો ત્યાર પછી સાઉથવાળી ફિલ્મો બંધ કરી, પણ કોમેડી કરવા અશ્લિલતાને શરણે કદી ના ગયા.
2000 પછી પ્રિયદર્શન, ડેવિડ ધવનની અમુક ફિલ્મોમાં ફરી ચમકેલા. 2004-5માં મેં સલમાન ખાનની ‘ક્યૂંકિ’ ફિલ્મમાં સંવાદો-ગીતો લખેલા. એ ફિલ્મ પાગલખાના પર હતી. અસરાનીજીએ એક પાગલની ભૂમિકા એટલી સરસ ભજવેલી કે બીજા બધા જોતા રહી ગયા. એમાં પાગલ લોકો રેડિયો વગાડવા મ્યુઝિક સાંભળવા બળવો કરે છે. સલમાને 3 પાનાનો સંગીત પર લાંબો સંવાદ એક સાથે એક જ શોટમાં બોલવાનો હતો.
સવારથી અસરાનીજીએ સલમાનને શીખવવા-યાદ કરવામાં ખૂબ મદદ કરેલી ને મને પણ ટેકો આપેલો, જેથી સલમાન કંટાળીને સીન ટૂંકાવી ના નાખે. એ શૂટિંગમાં રોજ રાત્રે પાર્ટીઓ થતી ત્યારે અસરાનીજી રાજેન્દ્ર કુમાર, દિલીપ કુમાર અને ખાસ તો દેવ આનંદની મિમિક્રી કરીને અસલી કિસ્સા સાંભળાવતા ત્યારે મહેફિલ ખીલી ઉઠતી. ત્યારે મેં અસરાનીજી પાસે ફિલ્મલાઇનના ઉતાર-ચઢાવ માટે સલાહ માંગી. ત્યારે અસરાની સરે કહ્યું :
‘વિવેકાનંદજી કહતે થે-જીવનમેં કુછ ભી હો જાયે ‘ચૌંકના મત’- યે દો શબ્દ યાદ રખના કિ ‘ચૌંકાના મત’.!
-પણ સોરી, અસરાની સર, ‘ચૌંકના મત’ એ શબ્દો તમારી અચાનક વિદાય વેળાએ સાવ બુઠ્ઠા લાગે છે.
ગુડબાય, ગુરુજી…!
આ પણ વાંચો…કોણ છે ગોવર્ધન અસરાનીની પત્ની મંજુ? જેણે વર્ષો પહેલા છોડી ફિલ્મની દુનિયા



