સ્ટાર-યાર-કલાકારઃ તુમ મુઝે યૂં ભૂલા ના પાઓગે…

- સંજય છેલ
એક કવિની માતાને એ શેરોશાયરીમાં લાઇફ વેડફે એ જરા પસંદ નહોતું. પણ શાયર માને? માએ કહ્યું: ‘શાયરી કરવી હોય તો ઘરમાંથી નીકળી જા!’ કવિ તો ટ્રેન પકડીને સપનાઓ પૂરા કરવા મુંબઈ આવી ગયા ને દિવસો સુધી ભૂખ્યા રહીને ફૂટપાથ પર સૂવું પડતું. એક સવારે જોયું તો એ જ ફૂટપાથમાં પાસે સૂતેલો ગરીબ મજૂર મૃત હાલતમાં પડ્યો હતો. આ જોઈને કવિનું દિલ ભરાઈ આવ્યું ને કવિતા લખી: ‘મઝદૂર કી લાશ’.
પછી એક મુશાયરામાં નાટક ફિલ્મના સફળ અભિનેતા પૃથ્વીરાજ કપૂર આવેલા, જે આ કવિતાથી એટલા પ્રભાવિત થયા કે પુત્ર રાજ કપૂરને મળવા કહ્યું. એ કવિ એટલે 1950થી 1990 સુધી સતત 40 વરસ રોમેંટિક, ઇમોશનલ ને મસ્તીભર્યા સુપરહિટ ગીતો લખનારા : હસરત જયપુરી!
એ ખરેખર દુ:ખની વાત છે કે શૈલેંદ્ર, મજરૂહ કે સાહિર જેવાં મોટાં નામો વચ્ચે ફિલ્મ- સંગીતમાં જેનું નામ બહુ ગાજ્યું નહીં એવા અંડરરેટેડ પણ બહુમુખી પ્રતિભા ધરાવતા આવા ગીતકાર ભાગ્યેજ કોઇ હશે. હસરત જયપુરી અને શૈલેંદ્રે રાજ કપૂરની અનેક ફિલ્મોમાં અને શંકર-જયકિશન સાથે અનેક ફિલ્મોમાં સાથે ગીતો લખ્યા એટલે એમનું પ્રદાન ઢંકાઇ ગયું અને સતત અન્યાય થયો.
એ વખતનાં ઉર્દૂ સાહિત્યિક શાયરો એમને શાયરકવિ માનવા તૈયાર નહોતા, પણ હસરતે લખેલ ‘બહારો ફૂલ બરસાઓ..’ ગીત બી.બી.સી.ના સર્વે મુજબ રેડિયો પર સૌથી લોકપ્રિય ટોપ 100 ગીતોમાં નં.1 પર આવે છે.
1949-50માં રાજ કપૂરે હસરત પાસે ‘બરસાત’ માટે પહેલું ગીત લખાવ્યું- ‘જીયા બેકરાર હૈ આયી બહાર હૈ’ અને બીજું ‘છોડ ગયે બાલમ’. ‘બરસાત’ના 10માંથી 6ગીતો હસરતે લખ્યા ને બધાં સુપર-હિટ.
જોગાનુજોગ સંગીતકાર શંકર-જયકિશનની પણ એ પહેલી ફિલ્મ હતી. ‘બરસાત’ની સફળતા પછી હસરત ફુલટાઈમ બોલિવૂડનાં સૌથી બિઝી ગીતકાર બની ગયા. બાય ધ વે, ત્યાં સુધી હસરતજી મુંબઇની ‘બેસ્ટ’ બસોમાં કંડક્ટર હતા!
1922માં જયપુરમાં ઇકબાલ હુસૈન તરીકે જન્મેલ હસરતજીના પિતા નાઝિમ હુસેન ફૌજમાં હતા પણ એમના નાના ફિદા હુસેન ઉર્ફ ‘ફિદા’ એ જમાનાના પ્રખ્યાત શાયર હતા એટલે કવિતા વારસામાં મળેલી. હસરત, જેટલા મોટા ગીતકાર હતા એટલા જ મોટા આશિક.
જયપુરમાં ઘરની સામે ‘રાધા’ નામની છોકરી સાથે એકતરફી પ્રેમ થઈ ગયેલો ને શાયરાના અંદાજમાં રાધાને પ્રેમપત્ર લખેલો: યે મેરા પ્રેમ પત્ર પઢકર તુમ નારાઝ ના હોના પણ ત્યારે પ્રેમપત્ર આપવાની હિંમત ન ચાલી. વર્ષો પછી ‘સંગમ’ ફિલ્મમાં એ ગીત સુપરહિટ થયું. એકવાર હસરતનાં પત્ની નારાજ થઈને ઘર છોડીને જઇ રહ્યા હતા ત્યારે હસરતે કહ્યું: ‘અજી, રૂઠ કર અબ કહાં જાઇએગા?’ પછીથી એ જ પંક્તિઓ ‘આરઝૂ’ ફિલ્મમાં ગીત બનીને પ્રગટી!
હસરતજીના ‘આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે’ના ગીત વિષે પણ એક મજેદાર કિસ્સો છે. આ ગીત શંકર-જયકીશને મૂળ રાજેન્દ્રકુમારની કોઇ ફિલ્મ માટે બનાવેલું. પણ રાજેન્દ્રકુમારે ‘સોરી, હું ડાન્સ નથી કરી શકતો’ કહીને ગીત માટે ના પાડી. (થેંક ગોડ!) પછી શમ્મી કપૂરની ‘બ્રહ્મચારી’ ફિલ્મમાં એ ગીત સુપરહિટ થયું.
એ જ ફિલ્મમાં ‘દિલ કે ઝરોખે મેં તુઝ કો બિઠાકર, યાદોં કો તેરી મૈં દુલ્હન બનાકર, રખુંગા મૈં દિલ કે પાસ’ જેવું લાંબા છંદવાળું નોનસ્ટોપ ગીત લખ્યું, જેમાં એક શાયર તરીકે એમની હથોટી પરખાય છે. તૂટેલા આશિક દિલની વેદનાવાળું એ ગીત દાયકાઓ સુધી નિષ્ફળ પ્રેમીઓ માટે ટોનિક બની ગયેલું. વળી ‘મેરા નામ જોકર’નું, ‘જાને કહાં ગયે વો દિન’ પણ ઉદાસી ને નોસ્ટાલજીયાનું મહાકાવ્ય છે.
1986ની આસપાસ કોઇએ મજાકમાં હસરતને કહ્યું, ‘હવે તમે બુઢ્ઢા થઈ ગયા છો એટલે રોમેન્ટિક ગીત નહીં લખી શકો.’ હસરતે આ વાતને ચેલેન્જની જેમ લીધી. રાજ કપૂર ત્યારે ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મ બનાવી રહ્યા હતા, જેમાં ગીત-સંગીત રવિન્દ્ર જૈન આપી રહ્યા હતા. પણ હસરતે રાજ કપૂરને વિનંતી કરી: ‘બસ, મને એક રોમેન્ટિક ગીત લખવા આપો!’
ત્યારે રાજ કપૂરે જ હસરતજીને યાદ અપાવ્યું કે એકવાર રેકોર્ડિંગમાં કોઇ પ્રેમગીતની સરસ ધુન નહોતી બની રહી ત્યારે હસરતજીએ રાજસાહેબને ‘સુન સાયબા સુન પ્યાર કી ધુન!’ કહીને મજાક કરેલી. બસ, પછી હસરતજીએ ત્યારે ને ત્યારે સુપરડુપર હિટ રોમેન્ટિક ગીત લખ્યું:
‘સુન સાહિબા સુન, પ્યાર કી ધુન, મૈને તુઝે ચુન લિયા, તુ ભી મુઝે ચુન.’ લખ્યું. એ ગીતમાં ‘ડાલ દે નિગાહ કર દે પ્યાર કા શગુન’, જેવી પહેલા પ્રેમની નજાકત અને ‘પ્રીત કે યે ધાગે તુ ભી સંગ મેરે બુન’ જેવા ધુન શબ્દનાં અદ્ભુત પ્રાસ લખેલા. વળી એ જ ગીતમાં ‘તેરે હી હાથો લિખી શાયદ તબાહી મેરી..’ જેવી ઉચ્ચ કક્ષાની કાવ્યાત્મક પંક્તિ લખી જે ફિલ્મની કથામાં આવનારા ડ્રામાને કેટલી બારીકાઇથી સૂચવે છે.
રોમેન્ટિક ગીતોના સુલ્તાન એવા હસરતે ઉર્દૂનાં અઘરાં શબ્દો સામાન્ય લોકો સુધી પહોંચાડ્યા, જેમ કે ‘એ નરગિસ-એ-મસ્તાના’, ‘તેરી પ્યારી પ્યારી સૂરત કો..ચશ્મ-એ-બદ્દૂર’, ‘એ ગુલબદન’, ‘મેરે યાર શબ્બા-ખૈર’. અને એટલું જ નહીં, પણ ‘મૈં કયા કરું રામ મુઝે બુઢ્ઢા મિલ ગયા’, ‘મેરી ભૈંસ કો ડંડા ક્યું મારા’ જેવા કોમેડી ગીતોમાં હસરત માહિર હતા.
ખરા અર્થમાં હસરત ચૌમુખ એટલે કે ઓલરાઉંડર જેવી પ્રતિભા ધરાવનારા ગીતકાર હતા. હસરત જયપુરીએ 63 જેટલા સંગીતકારો માટે 300 ફિલ્મોમાં 2000 ગીતો લખ્યા પણ એમને ફક્ત બે જ વાર 1972માં ‘જિંદગી એક સફર હૈ સુહાના’ (અંદાઝ) માટે અને 1967માં ‘બહારોં ફૂલ બરસાઓ મેરા મેહબૂબ આયા હૈ’ માટે શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળેલો.
‘બહારોં ફૂલ બરસાઓ મેરા મેહબૂબ આયા હૈ’ ગીત તો આજે 2025માં પણ લગ્નમંડપમાં દુલ્હન પ્રવેશે છે ત્યારે વગાડાય છે! હસરતને રાજસ્થાન સરકાર તરફથી ‘રાજસ્થાન શ્રી’ અને ‘રાજસ્થાન રત્ન’ એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જાણીતા સંગીતકાર અનુ મલિક હસરત જયપુરીના ભાણેજ છે.
અનુના ભાઇ ડબ્બુ મલિકે, પરેશ રાવલ, સ્વ. મહેંદ્ર જોશી અને સ્વ. કવિ ચંદુ શાહના યાદગાર ગુજરાતી મ્યુઝિકલ નાટક ‘ખેલૈયા’માં હીરો તરીકે કામ પણ કરેલું! એજ રીતે, આજના ગાયક-સંગીતકાર અરમાન મલિક પણ હસરતના ખાનદાનમાંથી જ આવે છે.
17 સપ્ટેમ્બર 1999ના રોજ હસરતજી ચાલ્યા ગયા પણ એમનાં ગીતો આપણે આજેય ગણગણીએ છીએ. એમની પુણ્યતિથિ નિમિત્તે હસરતજીનું આ ગીત અચૂક યાદ આવે: ‘તુમ મુઝે યૂં ભૂલા ના પાઓગે’
(નોંધ: શીર્ષકમાં જાણી કરીને હસરતજીનું નામ નથી રાખ્યું)
આપણ વાંચો: મનોરંજનનું મેઘધનુષઃ સૂર્યના પહેલાં કિરણ જેવી તાજગીસભર દિવિતા જુનેજા