મેટિની

શો-શરાબાઃ યે ફિલ્મ માંગે વોર…!

  • દિવ્યકાંત પંડ્યા

ભારતીય સિનેમામાં યુદ્ધ પર આધારિત ફિલ્મ્સનો એક યુગ પાછો ફરી રહ્યો છે. 2025 અને 2026માં રિલીઝ થનારી ફિલ્મ્સ અને વેબ સિરીઝ કેવી રીતે આ જોનરને નવો આકાર આપી રહી છે, તેના પર એક વિગતવાર નજર કરીએ.

સૌથી પહેલા વાત કરીએ 2026માં આવનારી ફિલ્મ ‘બોર્ડર 2’ની, જે 1997ની કલ્ટ-ક્લાસિક ફિલ્મ ‘બોર્ડર’ની સિક્વલ છે. મૂળ ફિલ્મ, જે રાજસ્થાનના લોન્ગેવાલા યુદ્ધ પર આધારિત હતી, તેણે માત્ર 120 સૈનિકો અને તેમના ગણ્યાગાંઠ્યા વાહનોએ પાકિસ્તાની ટેન્કોના કાફલાને કેવી રીતે રોક્યો તેની અદ્ભુત ગાથા રજૂ કરી હતી. તેનું સંગીત, સની દેઓલનો જુસ્સો અને જવાનોની લાઈફનું મિશ્રણ આજે પણ યાદગાર છે.

પણ આ વખતે યુદ્ધની ઘટના અલગ હશે. નિર્માતાઓની સૌથી મોટી ચેલેન્જ એ છે કે એ બધા મૂળ ફિલ્મના ભાવનાત્મક ઊંડાણ, યાદગાર સંગીત અને પાવરફુલ ડાયલોગ્સને આધુનિક, ગ્રાફિકલી એડવાન્સ વોરફેર સાથે કેવી રીતે જોડે છે. આ ફિલ્મમાં જો દર્શકોને માત્ર જૂના ટ્રેન્ડનું પુનરાવર્તન મળશે તો જરૂર નિરાશ થઈ શકે છે, પરંતુ જો મેકિંગમાં સરહદ પરના કોઈ નવા ઓપરેશનની બારીકાઈઓ રજૂ કરશે તો તે એક માસ્ટરપીસ સાબિત થઈ શકે છે.

બીજો સૌથી મહત્ત્વપૂર્ણ અને ભાવનાત્મક પ્રોજેક્ટ છે ‘ઇક્કિસ’, જે ડિસેમ્બર 2025માં થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મનો વિષય ભારતીય સેનાના ઇતિહાસના સૌથી બહાદુર પણ દુ:ખદ પ્રકરણોમાંથી એક છે. તે સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાળની બાયોપિક છે. માત્ર 21 વર્ષની ઉંમરે 1971ના યુદ્ધમાં એ શહીદ થયા હતા અને ભારતીય સેનાના સૌથી યુવાન પરમ વીર ચક્ર (PVC) વિજેતા બન્યા હતા.

ફિલ્મનું નામ ‘ઇક્કિસ’(21) છે, જે તેમની શહાદતની ઉંમર દર્શાવે છે. આ ફિલ્મમાં અરુણ ખેતરપાળનું પાત્ર અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદા ભજવી રહ્યો છે. આ ફિલ્મ માત્ર યુદ્ધની બહાદુરી જ નહીં, પણ એક યુવાનના પરિપક્વ થવાની યાત્રા બતાવશે એવું લાગે છે.

આ ફિલ્મના ડિરેક્ટર શ્રીરામ રાઘવન છે, જેમણે ‘અંધાધૂન’ અને ‘બદલાપુર’ બનાવી હતી. શ્રીરામ રાઘવનનું હ્યુમર અને લેખન આ બાયોપિકને પરંપરાગત દેશભક્તિની વાર્તામાંથી બહાર કાઢીને એક ઊંડાણભરી વોર ડ્રામાનું સ્વરૂપ આપી શકે છે, જેમાં યુદ્ધની ભયાનકતા અને માનવતા બંને એકસાથે જોવા મળશે.

એ ઉપરાંત વેબ સિરીઝની દુનિયામાં, ‘ઓપરેશન સફેદ સાગર’ (2026) એક એવું ઓપરેશન લાવી રહી છે, જે મોટાભાગના ભારતીયો માટે અજાણ્યું છે. 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન જ્યારે ભારતીય સેના જમીન પર લડી રહી હતી. ત્યારે ભારતીય વાયુસેનાએ ઊંચા પહાડો પર હવાઈ હુમલાઓ કર્યા હતા, જેને ‘ઓપરેશન સફેદ સાગર’ નામ આપવામાં આવ્યું હતું.

આ ઓપરેશન અત્યંત જોખમી હતું, કારણ કે ફાઇટર જેટ્સ અને હેલિકોપ્ટર્સને કારગિલ જેવા ઊંચા અને ખરબચડા પહાડી વિસ્તારોમાં ઉડાવવા પડતા હતા, જ્યાં પાકિસ્તાની ઘૂસણખોરો ઊંચાઈનો ફાયદો લઈને બેઠા હતા. આ સિરીઝના પાઈલોટ્સની વ્યૂહાત્મક મુશ્કેલીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સિરીઝ IAFના બલિદાનને યોગ્ય રીતે શ્રદ્ધાંજલિ આપશે એવું તેના પ્રોમોઝ પરથી લાગી રહ્યું છે.

આ વેબ સિરીઝની મુખ્ય કાસ્ટમાં સિદ્ધાર્થ અને જિમ્મી શેરગિલ જેવા મજબૂત કલાકારો છે. સિરીઝનો ફાયદો એ છે કે તે ફિલ્મની જેમ બે-ત્રણ કલાકમાં પતી નહીં જાય, પણ એપિસોડમાં પાઈલોટ્સની ટ્રેનિંગ, તેમની ફેલ્યોર્સ, પ્લેન ક્રેશની ઘટનાઓ અને રિયલ ટાઇમ ટેન્શનને ઊંડાણપૂર્વક બતાવી શકશે.

જયારે આ જ મહિને 21 તારીખે રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મ ‘120 બહાદુર’. આ ફિલ્મમાં 1962ના ભારત-ચીન યુદ્ધની સૌથી શૌર્યપૂર્ણ અને દુ:ખદ ગાથાઓમાંની એકને પડદા પર લાવવાનો મહત્ત્વાકાંક્ષી પ્રયાસ છે. આ ફિલ્મ રેઝાંગ લાના યુદ્ધ (Battle of Rezang La) પર આધારિત છે, જ્યાં 18 નવેમ્બર 1962ના દિવસે, 13 કુમાઉં રેજિમેન્ટની ચાર્લી કંપનીના 120 સૈનિકોએ લગભગ 3000 સૈનિકોની ચીની સેના સામે અંતિમ શ્વાસ સુધી લડત આપી હતી.

આ અદભુત લડાઈમાં ભારતીય સૈનિકોએ 1300થી વધુ ચીની સૈનિકોને નુકસાન પહોંચાડ્યું હતું. ફરહાન અખ્તર અભિનેતા તરીકે પરત ફરીને આ ફિલ્મમાં મુખ્ય પાત્ર મેજર શૈતાન સિંહ ભાટીનું ભજવી રહ્યો છે, જેમને મરણોત્તર પરમ વીર ચક્ર (PVC) એનાયત કરવામાં આવ્યો હતો. મેજર શૈતાન સિંહનો અદમ્ય જુસ્સો તેમના ઘાયલ થયા પછીના શબ્દો: ‘હમ પીછે નહીં હટેંગે!’માં પ્રતિબિંબિત થાય છે.

આ પ્રોજેક્ટ્સ એ સૂચવે છે કે નિર્માતાઓ હવે ફક્ત 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરીના પ્રચાર માટે નહીં, પણ આપણા સશસ્ત્ર દળોના ઇતિહાસ અને સંસ્કૃતિને આખું વર્ષ સિનેમાના પડદા પર જીવંત રાખવા માંગે છે.

ટૂંકમાં, ભારતીય વોર સિનેમા હવે માત્ર સિનેમેટિક એક્સ્ટ્રાવેગેન્ઝાથી આગળ વધી રહ્યું છે. ‘ઇક્કિસ’ દ્વારા વ્યક્તિગત બલિદાનનું ઊંડાણ ‘ઓપરેશન સફેદ સાગર’ દ્વારા ટેકનિકલ લડાઈનો દ્રષ્ટિકોણ, અને ‘બોર્ડર’ દ્વારા વિરાસત જાળવવાનો પડકાર આમ આ તમામ પ્રોજેક્ટ્સ મળીને એક મજબૂત અને વાસ્તવિક વોર સિનેમા તરફ પ્રયાસ કરી રહ્યા હોય એવું લાગે છે.

દર્શકોની એટલી જ આશા છે કે આ ફિલ્મ્સ અને વેબ સિરીઝ માત્ર સિનેમાના સાધન નહીં, પણ મનોરંજન દેવની કૃપાથી ભારતીય સશસ્ત્ર દળોના ઇતિહાસને નવી પેઢી સુધી પ્રમાણિકતાથી પહોંચાડવાના ગંભીર પ્રયાસો હોય, જે સિનેમાના પડદા પર યુદ્ધની કથાનો એક નવો જ આયામ રજૂ કરે.

લાસ્ટ શોટ

‘120 બહાદુર’ ફિલ્મ રેઝાંગ લાના યુદ્ધમાં ભાગ લેનારા 6 બચી ગયેલા સૈનિકોમાંથી એક ઘાયલ સૈનિક દ્વારા યાદ કરવામાં આવેલી ઘટનાના આધારે છે.

આપણ વાંચો:  ક્લેપ એન્ડ કટ..! : એક…દો…તીન…ઘંટે લેટ!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button