શો-શરાબાઃ જમાવટ કરતો નવી ઓન-સ્ક્રીન જોડીનો જાદુ | મુંબઈ સમાચાર
મેટિની

શો-શરાબાઃ જમાવટ કરતો નવી ઓન-સ્ક્રીન જોડીનો જાદુ

  • દિવ્યકાંત પંડ્યા

સિનેમામાં એક વાત વારંવાર સાબિત થઈ છે કે ઓડિયન્સને હંમેશાં ફ્રેશનેસ જોઈએ છે. વારંવાર એક જ સ્ટાર્સની જોડી જોતા-જોતા દર્શકો થાકી જાય છે અને જેમ સ્ક્રીન પર કોઈ નવો ચહેરો આવે ત્યારે એમની ઉત્સુકતા વધી જાય છે.

તાજેતરમાં આ જ ઘટના ફરી જોવા મળી ‘સૈયારા’ સાથે. અહાન પાંડે અને અનીત પદ્દા એ બે નવા કલાકારની જોડી પહેલી જ ફિલ્મથી એટલી હિટ થઈ ગઈ કે ફિલ્મે દુનિયાભરમાં ₹576 કરોડનું કલેક્શન કરી નાખ્યું.

આજકાલ જ્યાં સુપરસ્ટાર્સની ફિલ્મ્સ પણ અપેક્ષા પ્રમાણે નથી ચાલતી ત્યાં નવા ચહેરા મોટી સફળતા મેળવે એ ખરેખર બોલિવૂડ માટે તાજી હવાની લહેર સમાન છે. ‘સૈયારા’ની સફળતાએ અનેક પ્રકારની ચર્ચાની શરૂઆત કરી. નવા ચહેરાની વાત કરીએ તો ‘સૈયારા’એ બધાને 80-90ના દાયકાની યાદ પણ અપાવી દીધી. ચાલો, થોડા ઉદાહરણો સાથે વાત અહીં આપણે માંડીએ…

આમિર ખાન અને જૂહી ચાવલાની જોડી પણ ‘કયામત સે કયામત’ (1988)થી સીધી જ દર્શકોના દિલમાં ઊતરી ગઈ હતી. એ જ રીતે, 2000માં જ્યારે ‘કહો ના પ્યાર હૈ’ રિલીઝ થઈ ત્યારે હૃતિક રોશન અને અમીશા પટેલની જોડી સ્ક્રીન પર આવી. એ ફિલ્મ પણ બ્લોકબસ્ટર બની અને હૃતિકને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધો. આ જ પેટર્ન હવે ‘સૈયારા’માં જોવા મળી છે. બે નવા ચહેરા અને એ પણ સાથે!

નવી જોડીઓ સાથે ફિલ્મ હિટ થવા પાછળ એક સાદું કારણ જણાય છે: રિલેટેબિલિટી. દર્શકોને એમ થાય છે કે આ ચહેરા નવા છે એટલે એમાં એ પોતાનું પ્રતિબિંબ જોઈ શકે. જ્યારે સ્ટાર્સ કારકિર્દીમાં આગળ વધી જાય છે ત્યારે તેમની ઇમેજ એટલી પાવરફુલ બની જાય છે કે પડદા પર એમનાં પાત્રથી વધુ એ પોતે નજરે પડે છે. નવા કલાકારો સાથે એ બેગેજ નથી એમણે આ ‘ભાર’ ઊંચકવો નથી પડતો. ‘સૈયારા’માં અહાન અને અનીતે જે નિર્દોષ પ્રેમ બતાવ્યો એમાં લોકો પોતાનો પ્રેમ, યુવાની, સફર વગેરે જોઈ શક્યા.

2003માં ‘ઇશ્ક વિશ્ક’ નામની નાની ફિલ્મ આવી, પણ એમાંથી પણ સ્ટારનો જન્મ થયો હતો- શાહિદ કપૂર. એની સાથે અમૃતા રાવની જોડી એ સમયે દર્શકોને ખૂબ ગમી ગઈ હતી. એ ફિલ્મ પછી શાહિદને ચોકલેટ બોય ઇમેજ મળી અને અમૃતાએ પણ યુવાપેઢીમાં લોકપ્રિયતા મેળવી. ‘સૈયારા’ની જેમ જ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ (2016) જબરદસ્ત ગીતો અને ફ્રેશ જોડી સાથેની એક હિટ રોમેન્ટિક ફિલ્મ હતી. આ ફિલ્મથી રિંકુ રાજગુરુ અને આકાશ ઠોસરની જોડી અત્યંત લોકપ્રિય થઈ હતી.

1981માં રિલીઝ થયેલી ‘લવ સ્ટોરી’એ નવો યુગ શરૂ કર્યો હતો. કુમાર ગૌરવ – વિજયતા પંડિત બંને પહેલીવાર પડદા પર આવ્યા હતા. એ ફિલ્મનાં ગીતો ઠેર-ઠેર વાગતા હતા અને કુમાર ગૌરવ ચોકલેટ હીરો તરીકે યુવાનોમાં ક્રેઝ બની ગયો હતો. એ જ રીતે વિજયતા પણ ઘરમાં-ઘરમાં ઓળખાવા લાગેલી.

એ જ રીતે 1985માં ‘બેતાબ’ આવી જેમાં સની દેઓલ અને અમૃતા સિંહે ડેબ્યુ કર્યું. ફિલ્મ પછી બંનેની ફ્રેશ જોડી લોકપ્રિય થઈ ગઈ. 1995માં આવેલી ‘બરસાત’ સાથે બોબી દેઓલ અને ટ્વિંકલ ખન્નાએ પણ પહેલીવાર સ્ક્રીન શેર કરી. ફિલ્મના ગીતો સુપરહિટ થયા અને બોબી-ટ્વિંકલની ફ્રેશ જોડી પણ એ વખતે ખૂબ ચર્ચામાં રહી.

‘સૈયારા’ પ્રકારની ફિલ્મના ઉદ્ભવસ્થાન જેવી 1990માં રિલીઝ થયેલી ‘આશિકી’ પણ નવી હિટ જોડીનું એક મજબૂત ઉદાહરણ છે. રાહુલ રોય-અનુ અગ્રવાલની આ પહેલી ફિલ્મ અને તેના સંગીતે દર્શકોને એ સમયે પાગલ કર્યા હતા.

2013માં તેની સિક્વલ ‘આશિકી 2’ આવી, જેમાં આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂરની જોડી સ્ક્રીન પર આવી. ફિલ્મ સંગીતના સહારે સુપરહિટ થઈ અને બંને કલાકારોને લોકપ્રિય બનાવી દીધા. જો કે એ ફિલ્મ આદિત્ય અને શ્રદ્ધાની પ્રથમ ફિલ્મ નહોતી, પણ આદિત્યએ એ પહેલાં લીડ રોલ નહોતો કરતો અને શ્રદ્ધાએ લીડ રોલમાં કોઈ ફિલ્મ હિટ નહોતી આપી એટલે દર્શકો માટે તો ફ્રેશ જોડી જ રહી.

આમેય નવી જોડી ફક્ત કમર્શિયલ માયાજાળ નથી, એ વારંવાર સિનેમાને નવી દિશા પણ આપે છે. ‘સૈયારા’ની સફળતા દર્શાવે છે કે આજે પણ દર્શકોને સારી લવ સ્ટોરી જોવી છે. છેલ્લાં વર્ષોમાં બોલિવૂડમાં મસાલા, એક્શન અને પાન-ઇન્ડિયા લાર્જ- સ્કેલ પ્રોજેક્ટ્સ પર ભાર વધ્યો હતો, પણ અત્યારે રોમેન્ટિક ફિલ્મ્સનો સમય પાછો આવવાની શક્યતા પણ નકારી શકાય નહીં.

આજની જનરેશન સોશ્યલ મીડિયા પર વધુ એક્ટિવ છે. નવું કપલ એમને રિફ્રેશિંગ- તાજું લાગે છે. ‘સૈયારા’ની જોડીના ફોટો અને ગીતો રીલ્સ અને પોસ્ટ્સમાં ટ્રેન્ડ થયા. આમ આ સોશ્યલ મીડિયાનો સપોર્ટ પણ નવા ચહેરાઓ માટે મદદરૂપ થાય છે.

દરેક પેઢીએ પોતાનું નવું ઓન-સ્ક્રીન કપલ જોયું છે અને એમને દિલમાં જગ્યા આપી છે. આમિર-જુહી, શાહરુખ-કાજોલ, હૃતિક-અમીશા, રણબીર-દીપિકા, આદિત્ય-શ્રદ્ધા. દરેક સમયમાં કોઈને કોઈ નવી જોડી આવી અને સિનેમા માટે યાદગાર બની. હવે એ લીસ્ટમાં અહાન-અનીતનું નામ પણ જોડાઈ ગયું છે. મનોરંજન દેવની કૃપા બની રહી તો સિનેમાને નવા ચહેરા- નવી વાર્તા અને નવી બ્લોકબસ્ટર ફિલ્મ્સ હંમેશાં મળતી રહેશે!

લાસ્ટ શોટ
અનીત પદ્દા ‘સૈયારા’ પહેલાં ‘સલામ વેન્કી’ નામની ફિલ્મ અને વેબ સિરીઝ ‘બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય’માં પણ કામ કરી ચૂકી છે.

આપણ વાંચો:  કવર સ્ટોરીઃ કોમેડી કરવી છે, કારણ કે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button