મેટિની

શો-શરાબાઃ હોલિવૂડ બાયોપિક્સ: 2.0

દિવ્યકાંત પંડ્યા

આજકાલ હોલિવૂડ અને વિશ્વ સિનેમામાં બાયોપિક્સનો નવો જ યુગ શરૂ થયો છે. પહેલાં બાયોપિક્સનો મતલબ બાયો- ડેટા જેવી સીધી-સાધી કહાણી: જન્મ, સંઘર્ષ, સફળતા અને અંત, પરંતુ હવે ફિલ્મમેકર્સ એ રીત નથી અપનાવતા. એ સાચી સ્ટોરીને જાળવી રાખે છે, પણ એને રજૂ કરવાની સ્ટાઇલ, એનો ભાવ, એનો ઍટિટ્યૂડ અને એનો અનુભવ બધું જ બદલાવે છે. આ નવું ફોર્મેટ એટલે બાયોપિક્સ 2.0, જેમાં હકીકત તો છે, પરંતુ હકીકતને બતાવવાની રીત ખૂબ જ ફિલ્મી અને મૂડ-ડ્રિવન (મૂડ સંચાલિત ) છે.

હાલના કેટલાંક મોટાં ઉદાહરણ બતાવે છે કે લોકો હવે બુલેટ-પોઇન્ટ લાઈફ સ્ટોરી નહીં, પરંતુ કોઈ એક પાત્રના ભાવનાત્મક વિશ્વમાં ડૂબકી મારવાનું વધુ પસંદ કરે છે, જેમકે.. બેઝ લુરમેનની `Elvis’ એ ગાયક એલ્વિસ પ્રેસ્લીની ઝગઝગતી, ડ્રામેટિક અને એનર્જીથી છલકાતી દુનિયાને બિલકુલ સરપ્રાઈઝિંગ અંદાજમાં બતાવી. એ ફિલ્મ કોઈ ડોક્યુમેન્ટરી જેવી નથી લાગતી, એ એલ્વિસના જીવનને એના મ્યુઝિકની હાઈ-વોલ્ટેજ પર્સનાલિટી જેવી જ શોકિગ અને ચમકદાર સ્ટાઇલમાં રજૂ કરે છે. ઘણી ટ્રેજેડી ફિલ્મમાં છે, પણ તેને બતાવવાની રીત એટલી રિધમિક એટલી હાઈ-ટેમ્પર છે કે ફિલ્મ ઈમોશનલ જર્ની સાથે એક મોટો મ્યુઝિકલ એક્સપિરિયન્સ લાગે છે.

તે જ રીતે `Blonde’માં મેરિલિન મનરોના જીવનના દુ:ખ, એકલતા અને ચિંતાના વિશ્વને ખૂબ જ બોલ્ડ સ્ટાઇલમાં બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મ એટલે વિશેષ છે, કારણ કે તે બાયોગ્રાફી નહીં, મેરિલિન મનરોની અંદર શું ચાલતું હતું એની ભાવનાત્મક કલ્પના છે. ઘણા લોકો માટે આ ફિલ્મ ટિપિકલ બાયોપિક નહોતી, પરંતુ સૌએ એ જરૂર સમજ્યું કે બાયોપિક્સ હવે જસ્ટ ફેક્ટ્સ નહીં, પણ ક્રિએટિવ ઇન્ટરપ્રિટેશન પણ છે. આજના ફેન્સ પણ પાત્રની અંદરની સાયકોલોજી સાથે જોડાવા માંગે છે, માત્ર એના જીવનના ફેક્ટ્સ સાથે નહીં.

`Priscill’ પણ એવું જ ઉદાહરણ છે. સોફિયા કોપોલાએ એલ્વિસની લાઈફ નહીં, પ્રિસિલાની લાઈફને તેના પોતાના લેન્સથી બતાવી. અહીં પ્રેમકથા ફિલ્મ નહીં, પણ એક યુવતીની કંટ્રોલ, એકલતા અને સ્વતંત્રતા શોધવાની પ્રોસેસ છે.
બાયોપિકસની ટ્રીટમેન્ટ જેમ સોફ્ટ થઈ છે, એમ જ અહીં પણ સોફ્ટ કલર્સ, મિનિમલ વાતચીત, શાંત સીન્સ આ બધું પ્રિસિલાની અંદરની દુનિયાને એક મૂડ તરીકે રજૂ કરે છે.

આ પણ વાંચો…શો-શરાબાઃ વિરોધ-સિનેમાનો કેવો છે આ વાયરો?

`Maestro’ પણ એક મોટા સ્ટાઇલાઇઝ્ડ બાયોપિકનું ઉદાહરણ છે. બ્રેડલી કૂપરએ લિયોનાર્ડ બર્નસ્ટાઇનના જીવનમાં રહેલી કલા, પ્રેમ અને આંતરિક સંઘર્ષને એક મિજાજવાળી સ્ટાઇલમાં રજૂ કર્યા. આ ફિલ્મ બર્નસ્ટાઇનની આખી લાઈફનો રિપોર્ટ નથી, પરંતુ બર્નસ્ટાઇન શું ફીલ કરતા હતા તેની એક સંવેદનશીલ સફર છે.

તાજેતરના સમયની ઘણી બાયોપિક ફિલ્મ્સ જોઈને સ્પષ્ટ થાય છે કે હવે ફિલ્મમેકર્સ અને દર્શકોને ઇન્ફર્મેશન કરતાં ઇન્ટરપ્રિટેશનમાં વધુ રસ છે. નવી બાયોપિક્સમાં `Bob Marley: One Love’ પણ એક નવી દિશા દર્શાવે છે. બોબ માર્લીની કહાણી સામાન્ય રીતે એક રેગે લેજેન્ડની બાયોગ્રાફી લાગી શકે, પરંતુ ફિલ્મ એને રાષ્ટ્રીય, રાજકીય અને આધ્યાત્મિક સંઘર્ષ સાથે એક ભાવભીની અભિવ્યક્તિ તરીકે રજૂ કરે છે. ફિલ્મ માર્લીના મૂડ, મેસેજ અને ગીતોથી ભરેલી એક એનર્જી-સેન્ટ્રિક જર્ની બની જાય છે.

આગામી સમયમાં પણ ઘણી ફિલ્મ્સ આવી રહી છે જે સ્ટાઇલાઇઝ્ડ બાયોપિક્સના જ ટે્રન્ડને આગળ વધારશે. ઉદાહરણ તરીકે મોટી અપેક્ષા ધરાવતી માઈકલ જેક્સનની બાયોપિક `Michael’ પહેલેથી જ ચર્ચામાં છે. આ ફિલ્મ માઈકલના કરિયર અને તેના વિવાદો બતાવશે, પરંતુ તે માત્ર ફેક્ટ્સ નહીં, એના સંગીત, એના પર્ફોર્મન્સ અને એના વિશ્વની અંદરની તીવ્રતા સાથે રજૂ કરશે એવું ટ્રેલર પરથી લાગી રહ્યું છે. અભિનેતા જાફાર જેક્સન (માઈકલનો ભત્રીજો)ના કાસ્ટિંગથી પણ ફિલ્મમાં એની પર્સનાલિટીનું ભાવનાત્મક, સ્ટાઇલાઇઝ્ડ ટચ આવવાની સંભાવના વધારે છે.

આજે દર્શકોને ગૂગલ અને AI પર બધી માહિતી આસાનીથી મળી રહે છે. તેમના માટે બાયોપિક્સ હવે ફેક્ટ્સનું રિપીટેશન નથી. તે ફિલ્મ્સના માધ્યમથી વ્યક્તિના જીવનની આંતરિક, કલાત્મક અને ભાવનાત્મક અનુભૂતિ મેળવવા માગે છે. ફિલ્મમેકર્સ પણ આ નવી મેકિગ ફ્રીડમને એન્જોય કરે છે. તે લોકોને હવે સ્ટ્રિક્ટ ટેમ્પ્લેટ ફોલો કરવાની ફરજ નથી રહી. કોઈ એક ઈમોશન, કોઈ એક ફેઝ, કોઈ એક સંબંધ અથવા કોઈ એક સાયકોલોજિકલ એસ્પેક્ટ પર ફિલ્મ તે લોકો બનાવી શકે છે.

આ બદલાતી લહેરમાં એક રસપ્રદ વાત એ પણ છે કે હવે યુવા ડિરેક્ટર્સ જૂના સમયમાં અટકતા નથી. તે બાયોપિક બનાવે છે ત્યારે એને મ્યુઝિયમ જેવી ડ્રાય ફિલ્મ પણ નથી બનાવતા. તેમને લાગે છે કે જો વ્યક્તિ જિંદગીભર કંઈક અલગ ફીલ કરતા હતા, તો ફિલ્મ પણ એ જ વાઇબ સાથે બનાવવી જોઈએ. એટલે જ આજકાલની બાયોપિક્સમાં મ્યુઝિક, કલર-ટોન, નેરેશન, કેમેરા, બધું જ મૂડ પ્રમાણે ચાલે છે.

બાયોપિક્સ 2.0 એટલે સત્ય+કલ્પના નહીં, સત્ય+અનુભૂતિ! અહીં ક્રિએટિવિટી સત્યને દબાવતી નથી, સત્યને બોલવા માટે નવી ભાષા આપે છે. આજના ફિલ્મમેકર્સ હકીકતને લિટરલ નહીં, પરંતુ ભાવનાત્મક રીતે બતાવવા માગે છે. એ જ કારણ છે કે આજના હોલિવૂડ બાયોપિક્સ વધુ કાવ્યાત્મક, ડ્રિમી, મ્યુઝિકલ અને વ્યક્તિના મનની જટિલતાઓ સમજાવતા બની રહ્યા છે.
લાસ્ટ શોટ
`સ્ટાઈલમાં બનાવેલી બાયોપિક સચ્ચાઈને બગાડતી નથી, એ તો સચ્ચાઈને વધુ માનવીય રીતે
વ્યક્ત કરે છે.’

જોનાથન ક્લે, સ્ક્રીનરાઇટર

આ પણ વાંચો…શો-શરાબાઃ એક્શન નહીં, ઓક્શનની દીવાનિયત!જાણો, સ્ટાર્સની અજીબ વસ્તુઓની ખરીદીના અતરંગી કિસ્સા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button