શો-શરાબાઃ બોલિવૂડ સ્ટાર્સને શો હોસ્ટ બનવાની જરૂર કેમ પડે છે?

દિવ્યકાંત પંડ્યા
કાજોલ અને ટ્વિંકલ ખન્નાનો નવો ટોક શો ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ લોન્ચ થઈ રહ્યો છે. આ બે ચહેરા આપણે વર્ષોથી બિગ અને સ્મોલ સ્ક્રીન પર જોયા છે, પણ આ વખતે એ બન્ને સ્ક્રીન પર કોઈ પાત્ર ભજવવા નહીં, પણ પોતાના નામે, પોતાના સ્વરૂપે, સીધા લોકોને અને પોતાના સાથી કલાકારોને મળવા બેઠા છે.
શોના ટ્રેલરમાં જ સલમાન ખાન, આમિર ખાન, આલિયા ભટ્ટ, ગોવિંદા જેવા ગેસ્ટને જોઈને અંદાજ આવે કે આ શો મસ્તી, હાસ્ય અને ઘણી કેન્ડીડ વાતોથી ભરપૂર હશે.
હવે પ્રશ્ન એ થાય છે કે બોલિવૂડના સ્ટાર્સને આવી રીતે હોસ્ટ બનવાની જરૂરત કેમ પડી?
એક મોટું કારણ છે આજના દર્શકોની અપેક્ષા. ફેન્સ માટે ફક્ત સ્ટારની ફિલ્મ જોવી પૂરતું નથી, એમને સ્ટારનું અંગત સ્વરૂપ પણ જોવું છે. ઇન્સ્ટાગ્રામ પરની ફોટોઝ કે રીલ્સ તો એક માધ્યમ છે જ, પણ જ્યારે સ્ટાર ખુદ સ્ક્રીન પર હોય અને ખુલ્લા દિલથી વાત કરે, મજાક કરે, એમાં એક અલગ જ કનેક્શન બને છે. એ કનેક્શન ફિલ્મ કે એડ્વર્ટાઇઝમેન્ટમાં નથી મળતું.
બીજું કારણ છે કે બોલિવૂડમાં દરેક કલાકાર માટે દર વર્ષે મોટી ફિલ્મ આવવી શક્ય નથી. કોઈએ થોડા સમય માટે ફિલ્મ્સથી બ્રેક લીધો હોય, કોઈ નવા પ્રકારનું કામ કરવા માગતો/માગતી હોય તો કોઈની કારકિર્દી ધાર્યા પ્રમાણે ચાલતી ન હોય, પણ જેમને સ્પોટલાઇટથી દૂર ન થવું હોય એવા બધા માટે આ પ્રકારનું હોસ્ટિંગ સંચાલન એક સરળ રસ્તો છે.
ટ્વિંકલ ખન્ના એનું ઉદાહરણ છે. ફિલ્મ્સથી દૂર જઈને લેખન, કોલમ, બિઝનેસમાં એણે પોતાનું નામ બનાવ્યું, પણ હવે હોસ્ટ તરીકે એ ફરી લોકોને એન્ટરટેઇન કરી શકે છે. કાજોલ માટે પણ આ એક તક છે કે પોતાનું અલગ સ્વરૂપ દર્શકોને બતાવી શકે.
આ ટ્રેન્ડ પાછળ OTT પ્લેટફોર્મ્સની ભૂમિકા પણ મોટી છે. નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, જીયો હોટસ્ટાર જેવા પ્લેટફોર્મને સતત નવું ક્ધટેન્ટ-સામગ્રી જોઈએ છે અને સેલિબ્રિટીવાળા શો એમની રેડી-મેઈડ ફોર્મ્યુલા છે. સ્ટાર પોતે હોસ્ટ એટલે મોટાભાગે પહેલેથી જ દર્શકો માટે એક આકર્ષણ.
એમાં પ્રોડક્શન ખર્ચ ફિલ્મની સરખામણીએ ઓછો હોય, સ્પોન્સરશિપ પણ સરળતાથી મળે અને સોશ્યલ મીડિયા પર એની ક્લિપ્સ પણ ખૂબ ઝડપથી વાયરલ થાય. એક મસ્ત વન-લાઈનર કે કેન્ડીડ ખુલાસો બીજા જ દિવસે રીલ્સ અને મીમ્સમાં ફરવા લાગે અને લોકો એકબીજા સાથે શેર કરીને તેને ટોકિંગ પોઇન્ટ બનાવી દે.
આ વાત સાચી છે કે બોલિવૂડમાં સ્ટાર્સે શોઝના હોસ્ટ બનવાનો રસ્તો અનેક વખત અપનાવ્યો છે. અમિતાભ બચ્ચનનો ‘કૌન બનેગા કરોડપતિ’ તો ઐતિહાસિક શો બની ગયો. એ શોએ એમને ફક્ત એક ટીવી હોસ્ટ નહીં, પણ ઘરઘરમાં વધુ પ્રસિદ્ધિ અપાવી. એક નવી પેઢીના લોકો KBC દ્વારા બચ્ચન સાહેબને ઓળખતા થયા હતા અને થઈ રહ્યા છે.
શાહરુખ ખાને પણ હોસ્ટિંગમાં હાથ અજમાવ્યો, પરંતુ એના બધા શો સફળ ન થયા. કરણ જોહર તો કદાચ આ ક્ષેત્રમાં સૌથી સફળ રહ્યો છે. ‘કોફી વિથ કરણ’ આજ સુધીમાં ભારતનો સૌથી લોકપ્રિય ટોક શો છે, જ્યાં ગોસિપ, હાસ્ય અને કોન્ટ્રોવર્સી ત્રણેય એકસાથે મળે છે.
આ બધા વચ્ચે કાજોલ અને ટ્વિંકલનો શો આથી થોડો અલગ છે. અહીં બે મહિલા હોસ્ટ છે અને એમાં કોઈ રેપિડ ફાયર હોય એવું હજુ સુધી તો નથી લાગતું. કાજોલ અને ટ્વિંકલનું હ્યુમર, એમની મિક્સ એનર્જી કદાચ શોને હળવો રાખશે. એ કદાચ ‘કોફી વિથ કરણ’ જેટલો સેન્સેશનલ નહીં હોય.
આવા દરેક શોમાં કમર્શિયલ પાસું પણ મહત્વનું છે. બ્રાન્ડ સ્પોન્સરશિપ ઉપરાંત સ્ટ્રીમિંગ ડીલ અને સોશ્યલ મીડિયા બઝ શોને આર્થિક રીતે પણ સફળ બનાવે છે એટલે આવાં શો પૈસાની દૃષ્ટિએ પણ નફાનો સોદો બની જાય છે. સાથે સાથે દર્શકો માટે પણ મોટાભાગે મનગમતું જ, કેમ કે એક તરફ મનપસંદ હોસ્ટ બીજી તરફ અવનવા ગેસ્ટ તરીકે આવતા મોટા સ્ટાર્સ.
હા, ટોક શોઝને લઈને નેગેટિવ પોઈન્ટ્સ પણ ગણાવી શકાય. જો હોસ્ટ ઓવર સ્ક્રિપ્ટેડ લાગે, કે કન્વર્સેશન બોરિંગ થઈ જાય, તો શો ટકી શકતો નથી. હોસ્ટમાં સ્પોન્ટેનિયસ એનર્જી હોવી જરૂરી છે. અમુક સ્ટાર્સ પાસે આ ચીજ નેચરલી નથી, એટલે બધાને હોસ્ટ તરીકે સફળતા નથી મળતી, પરંતુ જ્યારે આ ફોર્મેટ બરાબર ક્લિક થાય, ત્યારે તેનો ફાયદો પણ મોટો હોય છે.
ભારતમાં તો સેલિબ્રિટી કલ્ચર એટલું ઊંડું છે કે લોકો એમના સ્ટારને ઘરનો સભ્ય માનીને સાંભળવા તૈયાર હોય છે. ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ જેવા શોઝ એ પણ બતાવે છે કે આજના સમયમાં સ્ટારડમ ફક્ત ફિલ્મ સુધી મર્યાદિત નથી.
જો આ શો સફળ થશે તો 90ના દાયકાના વધુ સ્ટાર્સને આપણે કદાચ પોતાના શો લાવતા જોઈશું. આજે જ્યારે ફિલ્મ્સનું ભવિષ્ય ઓટીટી, થિયેટર અને સોશ્યલ મીડિયા વચ્ચે વહેંચાઈ ગયું છે ત્યારે આવાં ટોક શો એક કોમન ગ્રાઉન્ડ આપી શકે છે.
લાસ્ટ શોટ
હોલિવૂડમાં પણ ડ્રૂ બેરીમોર કે જેનિફર હડસન જેવા એક્ટર્સે ટોક શો હોસ્ટ તરીકે પોતાનું નવું કરિયર બનાવ્યું છે.