સાત્વિકમ્ શિવમ્ઃ જીભ સાચવવી એ દાગીના સાચવવા કરતાં અઘરું છે…

અરવિંદ વેકરિયા
ગયા અઠવાડિયે મેં લખેલું કે બાબુલ ભાવસાર સાથે ફરી મેં નૈરોબી ટુર કરેલી ત્યારે અલીરઝા નામદાર સાથે હતો, પણ એ મારી સરતચૂક હતી. અલી અમારી સાથે નહોતો એ વાત બાબુલ અને હેમંત ઝા, બંનેએ યાદ અપાવી. એમનો આભાર.
હવે આજે પ્રતીતિ થઈ કે યાદદાસ્ત ઓછી થઈ જવાથી લોકો જેટલા હેરાન-પરેશાન નથી થતાં એનાથી વધુ હેરાન-પરેશાન યાદ રાખીને થતા હોય છે, મારી એવી જ સ્થિતિ થતી રહે છે.
શો ચાલતાં રહેતાં. લોકલ માર્કેટ, જે અજી-હાઉસથી વોકિગ ડીસ્ટન્સ પર હતી ત્યાં અમે જતાં રહેતાં. એસ.ટી.ડી.બૂથ માટે ખાસ જવું પડતું જેથી પરિવારની વાત જાણી શકીએ અને અમારા અનુભવો જણાવી શકીએ.
નૈરોબીમાં મજા તો ખૂબ આવતી પણ વતન યાદ આવતું અને હોમ સીક પણ થઈ જતાં. ખાસ તો ફૂડ માટે. અમે કાઠિયાવાડી ખરાં એટલે ઘણીવાર ફાફડા-જલેબી ખાવાની ઇચ્છા બહુ થતી. જોકે આવ્યાને જાજા દિવસો તો નહોતા થયા પણ જાણે વર્ષોથી ખાધા ન હોય એવું ત્રણેયને લાગ્યાં કરતું.
રાજાણીએ કહ્યું હતું કે એક દિવસ આપણે એનો પ્રોગ્રામ કરીશું, પણ ક્યારે એતો એમની અનુકૂળતા પર નિર્ભર હતું. ઇચ્છા ક્યારે પૂરી થશે એ નક્કી નહોતું પણ ઉમ્મીદ હતી કે એ દિવસ આવશે. માણસ ઉમ્મીદથી બંધાયેલ જીદ્દી પંખી છે, જે ઘાયલ પણ ઉમ્મીદથી અને જીવતો પણ ઉમ્મીદથી રહે છે ને અમારી આ ઇચ્છા તરત ફળી!
થયું એવું કે ત્યાંનાં એક ગ્રુપનાં શોમાં મારો જ્ઞાતિભાઈ નીતિન ધોળકિયા ત્યાં મળી ગયો. હાલ એ લંડન-પર્થમાં શિફ્ટ થઈ ગયો છે. એ શો જોવા આવેલો. ઓળખાણ કાઢી. મને ખાસ ઘરે આવવા કહ્યું. મેં સનત-સચ્ચું સાથે એમનાં ઘરે જવાનું નક્કી કર્યું. એ કાર લઈ અજી હાઉસ લેવા આવશે એની બાહેંધરી પણ આપી. મેં કહ્યું: નાસ્તામાં બની શકે તો ફાફડા-જલેબી હશે તો મજા પડી જશે.
સનત-સચ્ચુંને નવાઈ લાગી કે મેં ફટ… દઈને ઇચ્છા કહી દીધી! મેં ચોખવટ કરી દીધી કે દોસ્ત, જગતમાં જે માણસ સાધારણ હોય એ જ અસાધારણ હોય. શક્ય હશે તો એ ધ્યાન રાખશે બાકી જે હશે એને ન્યાય આપી દેવાનો પણ જે મનમાં હોય એ કહી દેવાનું ને કહી દીધું…
બીજે દિવસે જવાનું નક્કી કર્યું. નીતિન ઘણાં વર્ષોથી નૈરોબી વસેલો. ત્યાંનાં નીગ્રોના ભયથી એ બીજે જવાનો વિચાર કર્યા કરતો. આજે એ લંડનમાં સેટ છે.
નીતિન સવારે અજી હાઉસ કાર લઈ આવી ગયો. અમે એનાં ઘરે પહોંચ્યાં. એનો નાનો અને સુખી પરિવાર હતો. પત્ની અને બે બાળક. થોડી ગપસપ અમારી જ્ઞાતિની થોડી વાતો થતી રહી. નાસ્તો આવ્યો, ફાફડા-જલેબી. ભાવતી વાનગી. લાગ્યું જાણે ભગવાન મળી ગયાં…!
એક વાત છે, ભૂલ અને ભગવાન માનો તો જ દેખાશે જે મને `વાનગી’માં દેખાઈ ગયા. પ્રેમથી નાસ્તાને ન્યાય આપી અમે છુટા પડ્યાં. મારાં જ્ઞાતિભાઈથી વિશેષ કોઈ ઓળખ નહીં છતાં પ્રેમથી વરસી જાણ્યું. આજે પણ સંબંધ અકબંધ છે. આમ જુઓ તો લાગણી ઉછીની મળતી નથી એટલે જ બધે જડતી નથી…
ઇચ્છા પૂરી કરી ત્રણેય `હસતા-રમતા’ પાછાં અજી હાઉસ આવી ગયાં. રાત્રે શો પૂરો કર્યો ત્યાં સિદ્ધાર્થે કહ્યું કે કાલે બપોરનો શો પતે પછી રાત્રે કે સિનોમાં જઈશું. અમે ત્રણેય આનંદમાં આવી ગયા. જુગારનો કોઈ શોખ નહીં પણ આ કેસિનો વિશે સાંભળેલું, ક્યારેય જોયા નહોતાં એ જોવા મળશે એનો હતો એ આનંદ.
બીજા દિવસનો શો પત્યો. અમે ત્રણ જ બેકસ્ટેજમાં વધુ મહેનત કરીએ છીએ એવું ત્રણેયને લાગ્યું. હવે થોડો થાક પણ લાગતો હતો. `અમુક’ હતાં જે માત્ર ઓર્ડર જ કરતા હતા. મને થતું કે ખોટી હોશિયારી દેખાડતા આ લોકો એનું પરિણામ જરૂર ભોગવશે. સ્વાભિમાન કદી મરતું નથી અને અભિમાન લાંબું જીવતું નથી. હમણાં તો પડ્યું પાનું નિભાવી લેવાં સિવાય આરો નહોતો.
મોડી સાંજે અમે કેસિનો પહોંચ્યા. એ વખતે આ એક માત્ર કેસિનો ત્યાં હતો. હવે તો ઘણાં થઈ ગયાં છે. ત્યારે અહીં એન્ટ્રી-ફી 20 શિલિંગ હતી. રજની શાંતારામને બહુ રસ નહોતો, પણ નવું જોવા આવેલાં.
ત્યાં અમુક રૂપજીવિનીઓ ઘરાક’ની શોધમાં આમ-તેમ ફરી રહી હતી. કાળી પણ નમણી હતી. મનહર ગઢિયાની ભાષામાં કાળો તાજમહાલ. એકહાય રાજુ’ કહી મારી પાછળ પડી ગઈ. એ તો પડી પણ આખું અમાં ગ્રુપ મારી પાછળ પડી ગયું. એન્જોય દાદુ. એ કાળા તાજમહાલથી માંડ છુટકારો મળ્યો.
કેસિનોમાં ઘણા અને જુદાં-જુદાં સ્લોટિંગ મશીન હતાં. શિલિંગ આપી કોઈન લેવાનાં. કેતકી, રસિક અને સિદ્ધાર્થ તીન-પત્તીનાં સ્લોટ મશીન પર શરૂ થઈ ગયાં. મોડી રાત સુધી કેસીનોમાં મજા માણી. મેં આ પછીની ટુરોમાં ઘણાં કેસીનો જોયાં ત્યારે લાગે કે એ બધાની સામે આ તો સાવ `બચુકડો’. હું, સનત અને સચ્ચું માત્ર અનુભવ લેવાં સ્લોટિંગ મશીન પર બેઠાં. બહુ ઓછું રમ્યાં. ત્યાં થોડું ચાલ્યા બાદ પૂનાનું મિસળ-પાવ ખાવા મળ્યાં. જલેબી-ફાફડા જેવી કાઠિયાવાડી વાનગી આરોગ્યા બાદ મહારાષ્ટ્રની વાનગી મિસળ-પાવ ખાવા મળી, વાહ!.
બીજે દિવસે શો પછી ત્યાનો લોકપ્રિય બામ્બુ ડાન્સ’ જોવાનો પ્રોગ્રામ નક્કી થયો. અમારે તો જોવાય એટલું જોઈ લેવું હતું. અજી-હાઉસ પહોંચ્યા એટલે એમણે જમવા માટે પૂછ્યું. સિદ્ધાર્થે કહ્યું કેઅમે જમીને આવ્યા, સોરી તમને કહેવાનું ભૂલી ગયા’ એણે સ્મિત સાથે જવાબ આપ્યો, હકુના મટાટા (નો પ્રોબ્લેમ).
ફરી સિદ્ધાર્થે બામ્બુ ડાન્સ માટે પૂછ્યું. અમે પ્રેમથી `હા’ પાડી દીધી. આમ પણ અમે ત્રણેય અંદર-અંદર ખૂબ મજા કરતાં, પણ જાહેરમાં ઓછું બોલતાં. જીભ સાચવવી એ દાગીના સાચવવા કરતાં અઘં છે એની અમને ત્રણેયને જાણ હતી.
ડબ્બલ રિચાર્જ
શિક્ષક: બોલ ભૂરા… હાલરડાં અને શેર-બજાર વચ્ચે શું તફાવત?
ભૂરો: સાહેબ, હાલરડાં નાનાંને સુવડાવે જયારે શેર બજાર મોટાને..