બારાખડીનાં અક્ષરોમાં સૌથી વાંકો શબ્દ હોય તો તે છે ‘હું’…!

અરવિંદ વેકરિયા
ધીમેધીમે દારેસલામની માયા લાગવા માંડી ત્યાં જવાનો સમય નજીક આવવા લાગ્યો. રમણીકભાઈ ‘હે રામ’ તો આજે પણ યાદ રહી ગયા છે. ઘણાંને લાગતું હોય છે કે ‘હું’ પણાથી આપણો વટ પડે છે, પણ એ સંસ્કારની ખોટ છે. દારેસલામના એક મિસ્ટર પટેલે અમને ચા-નાસ્તા માટે ઈજન આપેલું એટલે અમે એમના ઘરે ગયાં. એમનું મોટું નામ. એ હિમાલીયન-કાર રેલીમાં અનેકવાર ભાગ લઈ ચુકેલા અને અનેક પદકો પણ જીતી આવેલા. આવો મોટો માણસ પણ જરાય ‘હું પણું’ નહી.
કલાકારો માટે એમને ખૂબ આદર. એમનું ઘર પણ વિશાળ અને અચરજ પમાડે એવું હતું. નૈરોબીના પટેલને ત્યાં સોનાનાં નળ અને બાથરૂમવાળું ઘર જોઈ પામેલા એવું જ ઘર આ પટેલનું હતું. તમે દીવાનખંડમાં બેઠા હો અને તમારી બાજુમાંથી નાનું ઝરણું ખળખળ વહેતું રહે એ તાજુબ પમાડે એવું હતું. આટલાં માલેતુજાર પણ ડાઉન-ટુ-અર્થ. સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે બાકી સંસ્કાર અને સમજણ આવતાં પેઢીઓ લાગે.
સરસ અલ્પાહાર કરી ત્યાંથી નીકળ્યાં. હવે છેલ્લો શો પતાવી ફરી નૈરોબી. મસાઈમારાની વાતો ઘણી થઈ પણ જવાશે કે નહી એ પ્રશ્નાર્થ બીજા માટે હોય કે નહીં એ ખબર નહીં પણ અમારાં ત્રણેય માટે તો હતો. ત્યાંથી અમે ‘વાડી’એ આવ્યાં. નાનું- મોટું પેકિંગ પતાવ્યું. કાલનો શો પત્યાં પછી પરમદિવસે બપોરની બે વાગ્યાંની ફ્લાઈટ હતી.
છેલ્લો શો પણ અફલાતુન રહ્યો. ડિનર માટે નાનું ગેટ-ટુ-ગેધર રાખવામાં આવ્યું હતું. ત્યાંનાં મુખ્ય સ્પોન્સર રાજાણીએ બધાનો આભાર માન્યો- સિદ્ધાર્થનો ખાસ. એ તો આખી ટૂરનો કર્તાહર્તા હતો. બીજા બધામાં સ્મરણમાં રહી ગયા ‘હે રામ’. સ્મરણ જ એવી અવસ્થા છે જે છૂટી પાડવા મથતી બે વ્યક્તિને સાથે જોડી રાખે છે.
સચ્ચું-સનતની ખબર નહીં પણ મારે પેકિંગ માં કેમેરાથી સિવાય બીજું ખાસ હતું નહીં. અમારો સામાન મૂળ તો નૈરોબી હતો. બપોરે ફરી બધાં ઉત્સાહમાં આવી ગયાં, કારણ કે નૈરોબી પાછા જવાનું હતું. અમારો ઉત્સાહ એ માટે હતો કે કદાચ નૈરોબીથી મસાઈમારા જવાશે.
ખેર! બપોરનાં બાર વાગવા આવ્યા છતાં નીકળવાનું વિલંબાતું જતું હતું. મેં સિદ્ધાર્થને કહ્યું તો મને કહે. ‘આપણી ટિકિટો બધી ક્ધફર્મ છે, થોડું આમ-તેમ ચાલે’. એ ‘કેપ્ટન’ વધુ જાણે એમ સમજી મેં મારી વાત અટકાવી દીધી.
આ પણ વાંચો…તમારી ભૂલ તમને જ ન દેખાય એનાથી મોટી ભૂલ બીજી કઈ?!
વિદાય વખતે બધા સ્પોન્સર્સ સાથે ન આવ્યાં. એક વીડિયો શોપના માલિક અને રાજાણીના બે કાર્યકરો સાથે આવ્યા. એરપોર્ટ પર ચેક-ઇન કરાવવા જેવું એક-બે કલાકારો સિવાય કોઈ પાસે હેન્ડલગેજથી વધુ હતું નહીં. અમે કાઉન્ટર પર ગયા. સિદ્ધાર્થે બધાનાં પાસપોર્ટ કાઉન્ટર પર આપ્યા. પેલાનો જવાબ સાંભળી અમારા ટાંટિયા હલી ગયા…
આ 1990ની વાત છે. અત્યારની ખબર નથી. નૈરોબી માટેની ફ્લાઈટ જે 120 સીટરની આવે એ તે દિવસે કોઈ ટેકનિકલ ખામીને કારણે 80 સીટરની આવી. જે પહેલાં 80 આવ્યાં એમને બોર્ડીંગ મળી ગયું. નૈરોબીની એ પછીની ફ્લાઈટ બે દિવસ પછી હતી : હવે?
સિદ્ધાર્થ કહે ‘હું જોઉં છું’ કહી એ ઓફિસમાં ગયો. થોડીવાર પછી બહાર આવ્યો. અમે તો આશામાં ઊભા હતા ત્યાં બધાને ‘આવજો. સી યુ ઇન નૈરોબી’ કહી ગેટ તરફ ચાલતો થઈ ગયો. જવાની વાત જતીન કે રસિકને કરી હતી કે નહીં એ જાણ નથી. ટૂરના મળેલા ડૉલર્સમાંથી એણે એકઝિક્યુટિવ ક્લાસની ટિકિટ લઈ લીધી હતી.
મૂળ માલિક જ આમ છોડી દે તો ‘કામદારો’ શું કરી શકે? મને સખત ગુસ્સો આવ્યો. સનત કહે,‘ દાદુ, મગજ પર ક્ધટ્રોલ રાખજે…મગજ શ્રેષ્ઠ નોકર છે પણ કંટ્રોલ ન કરો તો ખતરનાક માલિક છે.’
ત્યાં જ જતીને કહ્યું કે ‘દાદુ, એણે જવું પડે એમ હતું. એની વાઈફ અને દીકરો આજે નૈરોબી લેન્ડ થાય છે તો અજાણ્યાં શહેરમાં એમને રિસિવ કરી અજી હાઉસમાં લાવવા કોઈ હોવું જોઈએને. મૂળ મસાઈમારા જવાનું છે એટલે ખાસ બોલાવ્યાં લાગે છે.’
નૈરોબી કેમ જવું એની પૂછપરછ ચાલુ થઈ. સારું હતું કે આવતા ચાર દિવસ કોઈ શો નહોતા. મુખ્ય સ્પોન્સર હતા નહી અમને મુકવા આવેલ ચાર જણને વાત કરી. વીડિયો શોપવાળા ભાઈએ અમને પ્રેમ પૂર્વક કહ્યું, ‘આ બે દિવસ તમોને રાખવાની જવાબદારી મારી’. મૂળ સ્પોન્સર રાજાણી હતા નહીં પણ આ ભાઈએ સંબંધ સાચવી લીધો. સંબંધ હોય છે જ કપરકાબી જેવા. એકે ઢોળ્યું તો બીજાએ સંભાળી લેવાનું હોય છે.
હવે તપાસ કરવાની રહી કે બે દિવસ પછી જે નૈરોબીની ફ્લાઈટ છે એમાં તહેવારની ઉજવણીના ધસારામાં કન્ફર્મ ટિકિટ મળે છે કે નહીં.
આ પણ વાંચો…સૂરજ ગરમ જરૂર થાય, પણ એ ન હોય તો અંધારું…