‘સૈયારા’ માટે ‘યશરાજે’ અજમાવી આમિરની ટ્રીક… | મુંબઈ સમાચાર
મેટિની

‘સૈયારા’ માટે ‘યશરાજે’ અજમાવી આમિરની ટ્રીક…

‘યશરાજ’ની ફિલ્મ ‘સૈયારા’ આજે રિલીઝ થઇ છે.

ક્લેપ એન્ડ કટ..! -સિદ્ધાર્થ છાયા

લાગે છે કે ‘યશરાજે’ પખવાડિયા પહેલાં આમિર ખાન સાથે જરૂર ડિનર ગોઠવ્યું હશે, કારણ કે ‘સૈયારા’ માટે આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ વાળી રણનીતિ અમલમાં મુકવામાં આવી છે. આ રણનીતિ રસપ્રદ છે. પહેલું, ‘સૈયારા’નો સવારે નવ વાગ્યા પહેલાં કોઈજ શો આખા ભારતમાં નહીં હોય. આમિરે પણ આમ જ કર્યું હતું.

બીજું, આજના આખા દિવસમાં એક મલ્ટિપ્લેક્સ છ થી વધુ શો નહીં રાખી શકે. આમિરે ‘સિતારે…’ માટે ચાર શો રાખ્યા હતા. ત્રીજું, ‘સૈયારા’ના પહેલા એટલે કે સાડાનવના શો માટે ઓનલાઈન બુકિંગ કરવા માટે ડિસ્કાઉન્ટ અપાશે. જે કોઇપણ વ્યક્તિ ‘બૂક માય શો’ પર શુક્રવારે સવારના સાડાનવનો શો બૂક કરશે એને બે ટિકિટ 50% ડિસ્કાઉન્ટમાં મળશે.

જોકે, આ ડિસ્કાઉન્ટ 200 રૂપિયાથી વધુ નહીં હોય…! આમ કરવાથી કોલેજ ગોઇંગ ક્રાઉડ દિવસના પહેલા શોમાં મલ્ટિપ્લેક્સ ભરી દેશે એવી આશા રાખવામાં આવી રહી છે.

આપણ વાંચો: સેલિબ્રિટી કપલની દીકરીનું આમિર ખાને કર્યું નામકરણઃ જાણો શું નામ આપ્યું…

અલબત્ત, ‘યશરાજે’ એક વાતનું ધ્યાન ખાસ રાખવાનું છે. આમિરની ‘સિતારે ઝમીન પર’ મલ્ટિપ્લેક્સની રણનીતિમાં તો સફળ ગઈ હતી, પરંતુ આ બધા વચ્ચે દેશમાં જે થોડા ઘણા સિંગલ સ્ક્રીન થિયેટર્સ બચ્યા છે એને અન્યાય થઇ ગયો હતો.

કોલકાતાના એક થિયેટરને આમિરની ફિલ્મનો પ્રચાર કર્યા પછી પણ ફિલ્મ દર્શાવવા નહોતી મળી તો જયપુરના પ્રખ્યાત રાજમંદિર થિયેટરને બે દિવસ લટકાવ્યા પછી ના પાડી દેવામાં આવી હતી!

વધુ ટિકિટો વેંચવાના આવા ચક્ક્ર ચલાવવા કરતાં ‘યશરાજ’ જેવા ફિલ્મ નિર્માતાએ મજબૂત સ્ક્રિપ્ટની પસંદગી પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

આપણ વાંચો: 60 વર્ષે ત્રીજા લગ્ન પર આમિર ખાને કહ્યું હું પહેલાંથી જ ગૌરી સાથે લગ્ન કરી ચૂક્યો છું…

લાફ્ટર ક્વીનની કમાણી દુબઈમાં ડૂબી

કપિલ શર્માના શોમાં પોતાના અટ્ટહાસ્યથી છવાઈ જતી અર્ચના પૂરણસિંઘને ચૂનો લાગી ગયો છે. વાત એમ બની કે અર્ચના હાલમાં સહપરિવાર દુબઈ ગઈ હતી. અહીં દુબઈ’નું ઇન્ડોર સ્કાય ડાઈવિંગ ખૂબ પ્રખ્યાત છે તેની ટિકિટ એણે ઓનલાઈન બૂક કરાવી. શોનો સમય નજીક આવતા અર્ચના એના સમગ્ર પરિવાર સાથે ઉત્સાહભેર ત્યાં એન્ટ્રી પોઈન્ટ પર પહોંચી ત્યારે ત્યાં રહેલી મહિલાએ કહ્યું કે ‘સોરી, તમને એન્ટ્રી નહીં મળે!

’ અર્ચનાએ એને પોતાની ચાર ઓનલાઈન ટિકિટ દેખાડી. તો iFly દુબઈ ’ની એન્ટ્રી પોઈન્ટ પર રહેલી મહિલાએ અર્ચનાને વધુ એક મોટો ઝટકો આપ્યો. એણે કહ્યું કે આ ટિકિટ એમની સાઈટ પરથી બૂક કરવામાં આવી નથી!

બીજ શબ્દોમાં, અર્ચનાએ આ શો માટે કોઈ ફેક બુકિંગ સાઈટ પર ટિકિટ બૂક કરી હતી. અર્ચના પુત્ર આર્યમાનનું કહેવું હતું કે બુકિંગ કરતી વખતે એને પણ શંકા ગઈ હતી પણ… અબ ક્યા કરે?!

આ એક જ પ્રસંગ એવો છે, જ્યારે અર્ચના ખડખડાટ હસી શકે તેમ નથી!

આપણ વાંચો: Sitare Zameen Par ફિલ્મની સફળતા વચ્ચે આમિર ખાન કેમ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યો?

મેસ્સીએ ફરહાન અખ્તરને પરસેવો લાવી દીધો…

ફરહાન અખ્તરની ‘ડોન’ સિક્વલનો ત્રીજો ભાગ બનવા જઈ રહ્યો છે. ત્રીજા ભાગ માટે શાહરૂખ ખાન ફિટ ન બેઠો એટલે ટાઈટલ રોલ માટે રણવીર સિંહની પસંદગી થઇ. આમ તો ડોનનું પાત્ર એન્ટી હીરો ટાઈપનું હોય છે. તેમ છતાં એના દુશ્મન તરીકે કોઈ મજબૂત એક્ટરની પસંદગી જરૂરી હતી. ફરહાને આ માટે વિક્રાંત મેસ્સીની પસંદગી કરી.

બધું સેટ જ હતું કે વિક્રાંતે અચાનક જ ફિલ્મ કરવાની ના પાડી દીધી. આ માટે કારણ એવું આપ્યું કે વિક્રાંત પોતે એ પાત્ર માટે પોતાને યોગ્ય માનતો નથી! જે રીતની વિલનગીરી, હાવભાવ વગેરે ઉપરાંત રણવીર સાથે ટક્કરમાં ઊભા રહેવાની વાત વિચારતા વિક્રાંતને કદાચ મનોમન લાગ્યું હશે કે એ ફિલ્મમાં રણવીર કરતાં ઊણો ઊતરશે…! હવે વિક્રાંતે તો આ ફિલ્મ છોડી દીધી પણ ફરહાનને પરસેવો વળી ગયો છે.

કારણ સિમ્પલ છે. રણવીરની પર્સનાલિટી સામે ઊભો રહી શકે એવો કોઈ કલાકાર ફરહાનને જોઈએ છે, જે ક્યાંથી ગોતવો એ પણ પ્રોબ્લેમ છે. આ માટે ફરહાને સાઉથના વિજય દેવરાકોંડા અને આદિત્ય રોય કપૂરનો સંપર્ક સાધ્યો હોવાના સમાચાર માર્કેટમાં ફરે છે. એ બંનેમાંથી કોઈએ હા પાડી હોય એવું હજી સુધી જાણવા મળ્યું નથી.

કટ એન્ડ ઓકે…

‘સ્પિરિટ’ માટે દીપિકા અને દિગ્દર્શક વંગાનો ઝઘડો મીડિયાને કારણે વધુ પડતો ચગી ગયો, બાકી વાતમાં ખાસ કંઈ માલ નથી!
-રામ ગોપાલ વર્મા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button